ઉદયપુરઃ રાજસ્થાનનું વિખ્યાત પર્યટન સ્થળ ઉદયપુર ફરી એક વખત ભવ્યાતિભવ્ય લગ્નસમારોહના કારણે વિશ્વતખતે ચમકી ગયું છે. ધનાઢયો અને સેલિબ્રિટીસમાં ડેસ્ટિનેશન વેડિંગ માટેનું મનપસંદ ઉદયપુર વીતેલા સપ્તાહે અમેરિકાના બિલિયોનેર મન્ટેના પરિવારના પ્રસંગનું સાક્ષી બન્યું હતું. રવિવારે અમેરિકાના ફાર્મા સેક્ટરના બિલિયોનેર રામા રાજુ મન્ટેનાની પુત્રી નેત્રાએ ટેક બિલિયોનેર વામસી ગદીરાજુ સાથે પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. નેત્રા અમેરિકાના ઓર્લાન્ડો સ્થિત ઇન્જેનસ ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન રામા રાજુ મન્ટેનાની પુત્રી છે. જ્યારે વરરાજા વામસી ગદીરાજુ સુપરઓર્ડરના કો-ફાઉન્ડર અને ચીફ ટેકનોલોજી ઓફિસર છે.
નવદંપતી રવિવારે દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર ઐતિહાસિક જગ મંદિર પેલેસમાં લગ્નબંધને બંધાયા હતા. સવારે 10 વાગ્યા આસપાસ મહેમાનોને હોટેલ લીલા અને લેક પેલેસથી બોટ દ્વારા જગ મંદિર લઈ જવાયા હતા. દુલ્હન પરંપરાગત રેડ ડ્રેસમાં સજજ હતી. જ્યારે વરરાજા ક્રીમ રંગની શેરવાનીમાં સજ્જ હતા. વરમાળા સમારોહથી લઈને અન્ય સમારોહ સુધીની બધી વિધિઓ બપોરે 3 વાગ્યા સુધી ચાલી હતી. અનેક આંતરરાષ્ટ્રીય હસ્તીઓએ લગ્નપ્રસંગે હાજરી આપી હતી. જેમાં, અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પના પુત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરનો પણ સમાવેશ થાય છે. તેઓ ગર્લફ્રેન્ડ બેટ્ટી એન્ડરસન સાથે ક્રીમ રંગના જોધપુરી સૂટમાં લગ્નમાં મહાલતા જોવા મળ્યા હતા.
આ રોયલ વેડિંગ છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં જ નહીં, દેશભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયા હતા. 2024ના અનંત-રાધિકા અંબાણીના લગ્ન બાદ આ દંપતીના લગ્ન ભારતના સૌથી હાઈપ્રોફાઈલ લગ્ન બન્યા હતા. જેમાં, દેશવિદેશના વીવીઆઈપી સામેલ થયા હતા. આ પૂર્વે ગુરુવારે લગભગ 40 દેશોના 126 ખાસ મહેમાનોના ગ્રૂપે તાજમહેલની મુલાકાત લીધી હતી.
શુક્રવાર રાત્રે મહેમાનો સિટી પેલેસ ખાતે બોલિવૂડ નાઈટમાં સુપરસ્ટાર રણવીર સિંહ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા. રણવીર સિંહે ટ્રમ્પ જુનિયરની ગર્લફ્રેન્ડ બેટ્ટીને ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’ના હિટ ગીત ‘ઝુમકા...’ પર પણ ડાન્સ કરાવ્યો હતો.
રણવીર સિંહ ઉપરાંત જ્હાનવી કપૂર, જેકલીન ફર્નાન્ડિસ, કૃતિ સેનન, વરુણ ધવન, શાહિદ કપૂર, માધુરી દીક્ષિત સહિતના સ્ટાર્સે પરફોર્મ કર્યું હતું, જ્યારે, હૃતિક રોશન, રણબીર કપૂર, નોરા ફતેહી અને વાણી કપૂર પણ ફંકશનમાં જોવા મળ્યા હતા. કરણ જોહરે તેના પોપ્યુલર શો ‘કોફી વિથ કરણ’ને બારાતીઓ સાથે લાઈવ હોસ્ટ કર્યો હતો. બીજી તરફ, અનેક ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ ઉદયપુર પહોંચ્યા હતા. પોપસ્ટાર જેનિફર લોપેઝ, જસ્ટિન બીબર, ડીજે ટિએસ્ટો સહિતના સેલેબ્સે આ હાઈપ્રોફાઈલ લગ્નમાં પરફોર્મ કર્યું હતું.


