નવી દિલ્હીઃ સંસદમાં મહિલા અનામત સંબંધિત બંધારણીય સુધારા બિલનું નામંજૂર થવું અને સીમાંકન બિલ રજૂ કરવામાં નિષ્ફળતાએ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને નવું જીવન આપ્યું છે એમ કહી શકાય. તૃણમૂલ કોંગ્રેસે 23 એપ્રિલે 152 બેઠક માટે થનારા પહેલા તબક્કાના મતદાનના પૂર્વે તેમની સમગ્ર ચૂંટણી પ્રચાર વ્યૂહરચના અપડેટ કરી છે. તેમણે તેને ‘આક્રમક પ્રચાર' ગણાવ્યો છે, જે એવી બેઠકોથી શરૂ થાય છે જ્યાં ભાજપ મજબૂત છે.
ઉત્તર બંગાળમાં 54 બેઠક છે. 2021માં ભાજપે કુલ 77 બેઠક જીતી હતી, જેમાંથી 30 ઉત્તર બંગાળમાં હતી. બાકીની બેઠકો તેઓ ખૂબ જ ઓછા માર્જિનથી હાર્યા હતા. 8 જિલ્લાના 800થી વધુ ચાના બગીચાના 15 લાખ કામદારો 30 બેઠક પર ફેલાયેલા છે. તૃણમૂલના કાર્યકરો હવે ઘરે ઘરે જઇ રહ્યા છે અને સીમાંકન બિલને ‘દેશ તોડવાનું ભાજપનું કાવતરું’ ગણાવી રહ્યા છે. અત્યાર સુધી, આ વિસ્તારોમાં, ભાજપ અને તૃણમૂલ કોંગ્રેસ ચા બગીચાના કામદારોને જમીન માલિકી અધિકાર, લઘુત્તમ વેતન વધારવા જેવા વચનો આપી રહ્યા હતા, પણ હવે ફક્ત સીમાંકન બિલ પર ચર્ચા કરતા જોવા મળે છે.
ચૂંટણી પહેલા આવું ત્રીજી વાર બન્યું
વર્ષ 2011ની ચૂંટણી વેળા, મમતાએ ‘પરિવર્તન’ના નારા સાથે શરૂઆત કરી હતી. પાછળથી, સિંગુર ઘટનાએ ડાબેરી સરકારને ‘વિકાસ વિરુદ્ધ ખેડૂતોની જમીન’ના નવા નેરેટિવમાં ફસાવી હતી. અને મમતા જીતી ગયા. આ પછી વર્ષ 2021માં ટીએમસીએ ‘બહારના વિરુદ્ધ આંતરિક’ના નારા સાથે અભિયાન શરૂ કર્યું. અને ‘ખેલા હોબે’ના નારાએ લેન્ડસ્કેપ બદલી નાખ્યો હતો. હવે આ વખતે સીમાંકન મુદ્દો પ્રચારના કેન્દ્રમાં આવી ગયો છે.
બંગાળમાં 55 બેઠકો સંવેદનશીલ
પશ્ચિમ બંગાળમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની ભવાનીપુર સહિત 55 બેઠકોને ચૂંટણી પંચે સંવેદનશીલ જાહેર કરી છે. તેનું કારણ એ છે કે ચૂંટણી પંચને લાગે છે કે આ બેઠકો પર ખર્ચ ઉમેદવારોની ખર્ચમર્યાદાથી વધુ હોઈ શકે છે. આ ખર્ચ પર દેખરેખ રાખવા ચૂંટણી પંચે 100 નિરીક્ષકોની પણ નિમણૂક કરી છે. આ સિવાય પાંચ રાજ્યોમાં સૌથી વધુ નિરીક્ષકો બંગાળમાં જ નીમાયા છે. કોઈ એક જ રાજ્યમાં આટલા મોટાપાયા પર ખર્ચ નિરીક્ષકોની નિમણૂક કરાઇ હોય તેવું પ્રથમ વખત બન્યું છે. પંચના સૂત્રોનું કહેવું છે કે ગેરકાયદે રોકડ, દારૂ, મફતમાં વહેંચવામાં આવતી વસ્તુઓ અને માદક પદાર્થોની હેરાફેરી પશ્ચિમ બંગાળમાં વધી છે.
તમિલનાડુ પછી બંગાળ આ મામલામાં બીજા નંબરે આવે છે. ચૂંટણીવાળા પાંચેય રાજ્યોમાં અત્યાર સુધી બધુ મળીને 1,281 કરોડ રૂપિયાની ખેપ પકડવામાં આવી ચૂકી છે. અત્યાર સુધી જપ્ત કરાયેલા 1281 કરોડની ખેપમાં 105 કરોડના કીમતી ઝવેરાત છે. જ્યારે 178 કરોડ રૂપિયાનો એવો સામાન જપ્ત કરાયો છે જે ચૂંટણીમાં મફતમાં વહેંચાનાર હતો. બંગાળમાં જ રૂ. 430 કરોડનો સામાન જપ્ત થયો છે.
તામિલનાડુના ગામોમાં ‘અસ્મિતા’નો મુદ્દો
તામિલનાડુમાં ચૂંટણી પ્રચારના મુદ્દાઓ ફરી બદલાઈ ગયા છે. ત્રણ દિવસ પહેલા સુધી, સીમાંકન બિલ સૌથી મોટો મુદ્દો હતો: આજે. તે ‘તમિલ ઓળખ’ છે. ડીએમકે દ્રવિડ ગૌરવના પ્રતીક તરીકે તેને દરેક ગામમાં ફેલાવવામાં સફળ રહ્યું હોય તેવું લાગે છે. તેમના કાર્યકરો ઘરે ઘરે જઈને સીમાંકન બિલ પર મુખ્યપ્રધાન એમ.કે. સ્ટાલિનના ‘સંઘર્ષની જીત’ વિશે પત્રિકાઓનું વિતરણ કરી રહ્યાં છે. ચૂંટણીના માત્ર ચાર દિવસ પહેલા, આખું વાતાવરણ બદલાઈ ગયું છે. રાષ્ટ્રવાદ વિરુદ્ધ રાજ્યવાદ, વિકાસ કે ફુગાવાનો અહીં કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આ એક નવા પ્રકારનું ધ્રુવીકરણ છે, જેમાં રાજ્યને પ્રેમ કરતા દરેક ધર્મના લોકો સામેલ છે. બીજી તરફ, ભાજપ, જે પહેલા આક્રમક દેખાતું હતું. હવે તેના કાર્યકર્તાઓને સમજાવીને ડેમેજ કન્ટ્રોલ કરે છે. પ્રદેશ પ્રમુખ અન્નામલાઈ દરેક જગ્યાએ એક જ નિવેદન આપી રહ્યાં છે કે સીમાંકનથી તમિલોને નુકસાન થવાનું નહોતું. જોકે, દરેક ગામમાં તેમનો અવાજ પહોંચાડવા માટે ઓછા લોકો છે. તેથી, ડીએમકેનો અવાજ વધુ મજબૂત બન્યો છે.
રાજ્યમાં ત્રીજી વાર હવા બદલાઈ
ઉલ્લેખનીય છે કે વર્ષ 1967માં રાજ્યમાં કોંગ્રેસના પાયા મજબૂત હતા, પરંતુ ડીએમકેએ ‘ચોખા’ અને ‘હિન્દી વિરોધી’ મુદ્દાઓ પર આક્રમક પ્રચાર કર્યો અને ડીએમકેએ જ્વલંત વિજય મેળવ્યો. આ પછી વર્ષ 2016 માં, જયલલિતા વિરુદ્ધ પ્રચંડ લહેર હતી. પરંતુ અમ્માએ મફત મિક્સર જેવા વચનો અને ‘અમ્મા કેન્ટીન’ જેવી લોભામણી જાહેરાતો સાથે ચૂંટણીનો માહોલ પલટી નાંખ્યો હતો.


