સરકારના ૪ મહત્ત્વના વિભાગો સામે ૪ પડકાર

Monday 03rd June 2019 12:09 EDT
 
 

નવરચિત મોદી સરકારના ચાર સૌથી મહત્વના વિભાગ એટલે ગૃહ મંત્રાલય, સંરક્ષણ મંત્રાલય, નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલય. આ ચારેય મંત્રાલયોના સુકાનીઓના નામ જાહેર થતાં જ હવે તેમની સામેના પડકારોનું પિષ્ટપેષણ થઈ રહ્યું છે.

ગૃહ પ્રધાન અમિત શાહને ગુજરાતમાં ગૃહ મંત્રાલય સંભાળવાનો અનુભવ છે, પરંતુ રાષ્ટ્રીય સ્તર પર નવા પ્રકારનો પડકાર છે. શાહ પોતાની આક્રમક કાર્યશૈલી માટે ઓળખાય છે. આશા છે કે આગામી ૧૦૦ દિવસોમાં તેઓ કેટલાક અતિ મહત્ત્વના અને મોટા નિર્ણયો લઈ શકે છે.

મોદી સરકારની પહેલી મુદતમાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહને હવે સંરક્ષણ મંત્રાલય મળ્યું છે. મતલબ કે આંતરિક સલામતીની જગ્યાએ તેઓ સરહદ પર સલામતીની જવાબદારી સંભાળશે. સંરક્ષણ નિષ્ણાત સૈયદ અતા હસનૈન કહે છે કે ગૃહ પ્રધાન તરીકે રાજનાથે ઘણું સારું કામ કર્યું. ખાસ કરીને ‘આફસ્પા’ અને ઈસ્લામિક સ્ટેટને ભારતમાં વધતા રોકવાની દિશામાં. આથી સૈન્ય સાથે સંકળાયેલા લોકોને તેમની પાસેથી ઘણી આશા છે.

વિદેશ સચિવ રહી ચૂકેલા એસ. જયશંકરને વિદેશ મંત્રાલય સોંપાયું છે. તેઓ આ પદ માટે સૌથી યોગ્ય વ્યક્તિ મનાઈ રહ્યા છે. તેઓ વર્ષ ૨૦૧૨માં મોદી સાથે ચીનના પ્રવાસે ગયા હતા ત્યારથી મોદીની નજીક છે. જયશંકર માટે પોતાની નિપુણતા પુરવાર કરવાનું પડકારજનક રહેશે.

જોકે આ બધામાં સૌથી પહેલા અને સૌથી મોટા પડકારનો સામનો નાણાંપ્રધાન નિર્મલા સીતારામને કરવાનો છે. એક મહિનાથી ઓછા સમયમાં તેમણે સામાન્ય બજેટ રજૂ કરવાનું છે. ભારતના પ્રથમ મહિલા સંરક્ષણ પ્રધાન બનવાનું બહુમાન ધરાવતાં નિર્મલા સીતારામન હવે દેશના પ્રથમ મહિલા નાણાંપ્રધાન બન્યાં છે.

સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ

દેશમાં જ હથિયાર બનાવવાને પ્રાથમિકતા

પડકારોઃ સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળોમાં માળખાગત ફેરફાર રાજનાથ સિંહનો પહેલો પડકાર હશે. સંરક્ષણ મંત્રાલય ખર્ચ અને નવાં સાધનોની ખરીદી સાથે સંકળાયેલી સમસ્યાનો સામનો કરી રહ્યું છે. અનેક ખરીદી લાંબા સમયથી અટકી પડી છે. જેમ કે વાયુદળને ઓછામાં ઓછા ૧૦૦ ફાઈટર વિમાનોની જરૂર છે. નૌકાદળને સબમરીનની જરૂર છે. બીજો પડકાર ડિફેન્સ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે.

શું થઈ શકે? રાજનાથ સિંહ સંરક્ષણ બજેટને બે ટકા વધારવાનો પ્રયાસ કરી શકે છે. અત્યારે સરકાર તેના કુલ ખર્ચમાં ૧૬ ટકા ખર્ચ સંરક્ષણ માટે કરે છે. જ્યાં સુધી સુરક્ષા રણનીતિનો સવાલ છે, તો રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ પહેલા જ તેના પર કામ કરી રહ્યા છે. ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ)ની નિમણૂક પણ સૂચિત છે. સીડીએસ સરકાર માટે સંરક્ષણ બાબતોમાં સલાહકાર તરીકે કામ કરી શકશે. તેની દરખાસ્ત લગભગ એક વર્ષ પહેલાં વડા પ્રધાન કાર્યાલયને મોકલી દેવાઈ છે. સંરક્ષણ નિષ્ણાત સૈયદ અતા હસનૈન કહે છે કે રાજનાથ સિંહ પહેલા કેબિનેટ સંરક્ષણ સમિતિના સભ્ય રહી ચૂક્યા છે તેથી તે આ દરખાસ્ત અંગે જાણે છે અને તેના પર કામ કરી શકે છે. ભારત-ચીન સરહદ પર ૨૦૦૬માં ૭૩ રસ્તા બનાવવાને મંજૂરી મળી હતી. અત્યારે ૨૭ માર્ગ પૂરા થઈ ગયા છે, બાકીના ૨૦૨૨ સુધીમાં પૂરા કરવાનું લક્ષ્ય છે. આ માર્ગો સૈન્ય અને સાધનસરંજામને ઝડપથી લાવવા - લઈ જવા માટે જરૂરી છે. હથિયારોની આયાત ઘટાડવા માટે રાજનાથ સિંહે દેશમાં જ નિર્માણને પ્રોત્સાહન આપવા માટે પગલાં ઉઠાવવા પડશે.

ગૃહ પ્રધાન અમિત શાહ:

જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણી મોટો પડકાર

પડકારોઃ ગૃહ પ્રધાન અમિત શાહ સામે જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી, નાગરિક સુધારા વિધેયક, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન (એનઆરસી) અને આતંકી સંગઠન આઈએસ વગેરે જેવા પડકારો હશે. આતંક પ્રભાવિત રાજ્ય જમ્મુ-કાશ્મીર વિધાનસભાની ચૂંટણી ઝડપથી કરાવવાની જરૂરિયાત છે. ત્યાં કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવાના મુદ્દા પણ છે. છત્તીસગઢના દંતેવાડામાં ભાજપના ધારાસભ્યની હત્યા પછી મધ્ય ભારતમાં માઓવાદી વધુ ચિંતાનો વિષય બન્યા છે.

શું થઈ શકે? અમિત શાહ જમ્મુ-કાશ્મીરમાં અમરનાથ યાત્રા પૂરી થતાં જ વિધાનસભા ચૂંટણી કરાવવાનો પ્રયાસ કરી શકે છે. જોકે કેટલાક કાનૂનવિદો કહે છે કે કલમ ૩૭૦ અને ૩૫એ હટાવવી મુશ્કેલ લાગી રહ્યું છે કારણ કે, વિધાનસભામાં જો ભાજપને બહુમતી નહીં મળે તો તેને ખતમ કરવાની કાર્યવાહી કેવી રીતે થશે? રાષ્ટ્રપતિશાસન દરમિયાન સંસદના માધ્યમથી તેને અંજામ આપી શકાય છે, પરંતુ એ માટે વિધાનસભા ચૂંટણી અગાઉ નિર્ણય લેવો પડશે.

એનઆરસી મુદ્દે નિષ્ણાતો કહે છે કે સાથી પક્ષ - અસમ ગણ પરિષદ (એજીપી)ની અસહમતિ પછી ભાજપે આ મુદ્દા પરથી પાછીપાની કરી છે. રોહિંગ્યા શરણાર્થીના મામલે સુપ્રીમ કોર્ટે કોઈ સ્ટે નથી આપ્યો. છતાં તેમને દેશ બહાર કાઢવાની નક્કર પ્રક્રિયા શરૂ નથી થઈ. નાગરિકતા સુધારા બિલ આ વખતે ભાજપ પસાર કરાવી શકે છે. શ્રીલંકામાં થયેલા હુમલા પછી આઈએસ પણ ચિંતાનો વિષય છે. રામમંદિર મુદ્દે, ન્યાયિક પ્રક્રિયામાં વિલંબ થતાં ભારત સરકાર અધ્યાદેશ કે સંસદમાં કાયદા થકી રામમંદિર માટે જમીન ફાળવણી કરી શકે છે.

વિદેશ પ્રધાન એસ જયશંકર

ચીન પર લગામ, અમેરિકા-ઈરાન સાથે તાલમેલ જરૂરી

પડકારોઃ વિદેશ પ્રધાન એસ. જયશંકર માટે સૌથી મોટો પડકાર ચીન બનશે. ચીન આપણા કરતાં અર્થતંત્ર, સૈન્યશક્તિ અને ટેક્નોલોજીમાં ઘણું આગળ વધી રહ્યું છે. ચીન અને પાકિસ્તાન વચ્ચે સારા સંબંધો પણ સમસ્યારૂપ રહેશે. મતલબ કે ચીનનો પ્રભાવ ઘટાડવો પહેલો પડકાર હશે. બીજો અમેરિકા-ઈરાન સાથે સામંજસ્ય બનાવવાનો હશે. ભારત ભલે અમેરિકાની નજીક મનાય, પણ વેપાર સાથે સંબંધિત વિવાદ મુશ્કેલી બની શકે છે. ત્રીજો પડકાર, આંતરરાષ્ટ્રીય મંચો પર ભારતનાં હિતોનું રક્ષણ કરવાનો હશે.

શું થઈ શકેઃ ચીનનો સામનો કરવા માટે જરૂરી છે કે ભારત તેનાં હિતોની રક્ષા માટે લડે. સાથે સાથે જ સંયુક્ત હિતોને પ્રોત્સાહન આપવાનું પણ જરૂરી છે. ચીન સાથે મુકાબલા માટે ભારતે અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ-પૂર્વ એશિયાના દેશો સાથે સંબંધો મજબૂત કરવા પડશે. બીજી બાજુ, ક્રૂડ એટલે કે ઊર્જા સુરક્ષાની દૃષ્ટિએ ખાડી દેશોની સાથે સંબંધો પર ધ્યાન આપવું પણ પ્રાથમિક્તા હશે. ભારતીય ઉપમહાદ્વીપમાં સુરક્ષાની દૃષ્ટિએ ભારત માટે પડોશી દેશ મહત્ત્વપૂર્ણ છે. જયશંકર અમેરિકામાં ભારતના એમ્બેસેડર રહી ચૂક્યા છે અને તેમણે અમેરિકા સાથે સિવિલ ન્યુક્લિયર ડીલ અને દેવયાની ખોબરાગડે જેવા જટિલ મુદ્દા ઉકેલ્યા છે. તેથી તે અમેરિકા સાથે વાટાઘાટો માટે સૌથી યોગ્ય વ્યક્તિ મનાય છે.

નાણાં પ્રધાન નિર્મલા સીતારામન્

ઘટતો જીડીપી સૌથી મોટી ચિંતા, દર વર્ષે ૮૧ લાખ નવી નોકરીનો પડકાર

પડકારોઃ નિર્મલા સીતારામને નાણાં મંત્રાલય સંભાળતા જ જીડીપીના આંકડા જાહેર થયા, જે આવનારા સમયનો મોટો પડકાર છે. એપ્રિલ ૨૦૧૮થી માર્ચ ૨૦૧૯ વચ્ચે ભારતનું અર્થતંત્ર ૬.૮ ટકાના દરથી વધ્યું, પરંતુ જાન્યુઆરીથી માર્ચ ૨૦૧૯નો ત્રિમાસિક વધારો ફક્ત ૫.૮ ટકા હતો. આ વધારો છેલ્લાં પાંચ વર્ષમાં સૌથી ઓછો હતો. વર્લ્ડ બેન્ક પ્રમાણે ભારતમાં દર વર્ષે રૂ. ૮૧ લાખ નવી નોકરીની જરૂર છે. બેન્કો બેડલોનનો સામનો કરી રહી છે. ઔદ્યોગિક ઉત્પાદન ઓછું છે. ઔદ્યોગિક ઉત્પાદન સૂચકાંક ડિસેમ્બર ૨૦૧૮ ત્રિમાસિકમાં ૩.૬૯ ટકા હતો. ખાનગી રોકાણ વધારવું પણ જરૂરી છે. ૨૦૧૮-૧૯ના નાણાં વર્ષમાં પાછલાં ૧૪ વર્ષમાં સૌથી ઓછી રોકાણ અરજી આવી છે. ચાઈનીઝ માલના ડમ્પિંગથી ઉદ્યોગોને નુકસાન થઈ રહ્યું છે.

શું થઈ શકે? નાણાં પ્રધાન નિર્મલા સીતારામન સામે જાહેર ક્ષેત્રની બેન્કોને નવેસરથી મૂડી આપવાનો પડકાર રહેશે. ભારતીય રિઝર્વ બેન્ક વ્યાજદરો ઘટાડે, નોન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓ માટે બેકઅપ ફંડ બનાવીને તેને ડૂબતી બચાવવી પડશે. રોકાણોને પ્રોત્સાહન આપવામાં આવતી મુશ્કેલીઓને દૂર કરવાની રહેશે. બેન્કોની વિશ્વસનીયતા વધારવાની જરૂર છે. સરકારે એ માટે સમિતિ બનાવી હતી, પરંતુ તે ધીમી ગતિએ કામ કરે છે. સરકારી બેન્કોમાં સ્પર્ધા વધારવાની જરૂર છે. બેન્કોમાં નવી મૂડી નાંખવી પડશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter