નવી દિલ્હીઃ બ્રિક્સ સમિટ દરમિયાન ચીનના પ્રમુખ જિનપિંગ સાથે યોજાયેલી મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠકમાં વડાપ્રધાન મોદીએ સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશોના સંબંધોના વિકાસ માટે સરહદ પર શાંતિ અને સ્થિરતા જાળવવી અનિવાર્ય છે. સરહદ અંગેના વર્તમાન કરારોનું ચુસ્તપણે પાલન થવું પણ જોઈએ તથા મતભેદોને વિવાદમાં ન ફેરવવા જોઈએ.
ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર બંને નેતાઓએ પુનરોચ્ચાર કર્યો હતું કે બંને દેશોએ તેમના સંબંધો અંગે વ્યૂહાત્મક અને દીર્ઘકાલીન દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ અને મતભેદો વિવાદમાં ન ફેરવવા જોઈએ. આર્થિક ક્ષેત્રે મોદી અને જિનપિંગ એકબીજાની ચિંતા દૂર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમાં વેપાર અસંતુલન અને સપ્લાય ચેઈન સંબંધિત મુદ્દાઓ તેમજ અર્થપૂર્ણ અને આગોતરા અંદાજે કરી શકાય તેવા બજાર પ્રવેશને સરળ બનાવવાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે ભારત-ચીને સંબંધ આગળ વધારવામાં પરસ્પર સન્માન, પરસ્પર સંવેદનશીલતા અને પરસ્પર હિતના 3 માર્ગદર્શક સિદ્ધાંત બનાવવા જોઈએ.
‘ટેક્નોલોજી અને ક્રિટિકલ મિનરલ્સને શસ્ત્રો ન બનાવો’
બ્રિક્સ સમિટના બીજા દિવસે ઓપન સેશનમાં વડાપ્રધાન મોદીએ સભ્ય દેશોને ટેકનોલોજી તેમજ મિનરલ્સનો હથિયાર તરીકે ઉપયોગ નહીં કરવા અપીલ કરી હતી. ટેકનોલોજી અને મિનરલ્સનો શસ્ત્ર તરીકે ઉપયોગ કરવાથી દુનિયાની સર્વગ્રાહી પ્રગતિ પર માઠી અસર થાય છે એમ કહેતા વડાપ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે મહામારી, ક્લાઇમેટ ચેન્જને કારણે ઉદ્ભવતી આપદાઓ તેમજ સપ્લાય ચેનમાં અવરોધોએ આપણને સમજાવ્યું છે કે દુનિયાના દેશો એકબીજા સાથે જોડાયેલા છે. પરિણામે એક દેશ પર આવેલું સંકટ બીજા દેશોને પણ પ્રભાવિત કરે છે.


