સિક્કિમના નાકુલામાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી

Wednesday 27th January 2021 02:17 EST
 
 

નવી દિલ્હીઃ ચીની સૈનિકોએ ફરી એક વખત સરહદી ક્ષેત્રમાં અવળચંડાઇ કરી છે. જોકે આ વખતે પણ બહાદુર ભારતીય જવાનો સામે તેમનો ગજ વાગ્યો નહોતો અને તેમને પીછેહઠ કરવા ફરજ પડી હતી.
ચીની સૈનિકોએ ૨૦ જાન્યુઆરીએ સિક્કિમના નાકુલામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. જોકે ભારતીય જવાનોએ તેમને પાછા ખદેડ્યા હતા. આ સમયે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે થયેલી ઝપાઝપીમાં ચીનના ૨૦ સૈનિકોને ઈજા થઈ છે જ્યારે ભારતના ૪ જવાનો ઘાયલ થયા છે.
ભારતના સતર્ક જવાનોએ ભારતીય સરહદમાં ઘૂસણખોરી કરવાના ચીનના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. ચીનની સેનાએ આ વિસ્તારમાં સ્ટેટસ ક્વો બદલવા પ્રયાસ કર્યો હતો. જોકે ભારતનાં જવામર્દ જવાનોએ ચીનના સૈનિકોને ખદેડી મૂક્યા હતા.
સિક્કિમમાં નાકુલ ક્ષેત્ર ૧૯ હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. ચીનના કેટલાક સૈનિકો ગયા બુધવારે ઘૂસણખોરી કરવાનાં ઈરાદાથી ભારતની સીમામાં આવવા કોશિષ કરી રહ્યા હતા. આ સમયે ભારતના સૈનિકોએ તેમને પડકાર્યા હતા. આમ છતાં પણ તેઓ પીછેહઠ કરવા તૈયાર ન થતાં ભારતીય જવાનોએ વળતો હુમલો કરીને તેમને ખદેડી મૂક્યા હતા. ચીની સેનાએ પૂર્વ લદાખમાંથી તેના ૧૦,૦૦૦ જવાનોને હટાવી લીધા છે. પૂર્વ લદાખ ઉપરાંત સિક્કિમ સહિત અનેક વિસ્તારોમાંથી પણ ચીને સેનાને હટાવી છે. આમ છતાં કેટલાક જવાનો હજી ત્યાં તહેનાત છે.
દરમિયાન રવિવારે ભારત અને ચીન વચ્ચે મોલ્ડો ખાતે કમાન્ડર સ્તરની મંત્રણાનો નવમો રાઉન્ડ યોજાયો હતો, જેમાં કોઈ નક્કર નિર્ણયો લેવાયા ન હતા. મે મહિનાથી પૂર્વ લદાખના વિવાદિત પોઈન્ટ પર બંને દેશના સૈનિકો સામસામે મોરચો માંડીને બેઠા છે તે નોંધનીય છે.
ચીને જંગી માત્રામાં હથિયારો અને લશ્કરી શસ્ત્રસરંજામ ખડક્યો હોવાથી ભારતે પણ તેની સેના અને આધુનિક હથિયારો અને ફાઈટર જેટ ગોઠવવા ફરજ પડી છે. બીજી બાજુ, ભારતની વેક્સિન ડિપ્લોમસીથી દક્ષિણ એશિયામાં ખૂણામાં ધકેલાયેલા ચીને તેની સામે ઝેર ઓકવાનું શરૂ કર્યું છે અને ભારતની વેક્સિનક્ષમતા પર સવાલો ઉઠાવ્યા છે.

સામાન્ય ઝપાઝપી: ભારત

ભારતીય સેનાએ એક સત્તાવાર નિવેદનમાં સિક્કિમ સરહદી ક્ષેત્રમાં ચીનના જવાનો સાથે થયેલા ઘર્ષણને સામાન્ય ઝપાઝપી ગણાવી હતી.
આ નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે બંને દેશની સેનાના સ્થાનિક કમાન્ડરો દ્વારા સ્થિતિને થાળે પાડવામાં આવી હતી. સરહદી ક્ષેત્રમાં સ્થિતિ તંગદિલીભરી પરંતુ સ્થિર હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

ઝપાઝપી નથી થઇઃ ચીન

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સે સિક્કિમનાં નાકુલા ખાતે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ૨૦ જાન્યુઆરીએ ઝપાઝપીની કોઇ ઘટના બની હોવાનો ઈનકાર કર્યો છે. તેણે લખ્યું છે કે ચીનની પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા આવી કોઈ ઘટના બની હોવાની નોંધ લેવાઈ નથી. ઉલ્લેખનીય છે કે પીપલ્સ લિબરેશન આર્મી દ્વારા પણ આ ઘર્ષણ અંગે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.
ગ્લોબલ ટાઇમ્સે પૂણેના સીરમ ઈન્સ્ટિટયૂટ ખાતે ફાટી નીકળેલી આગના બનાવને ઢાલ બનાવીને જથ્થાબંધ વેક્સિન ઉત્પન્ન કરવાની ભારતની ક્ષમતા પર પણ સવાલ ઉઠાવ્યો હતો. અખબારી અહેવાલમાં એવો વાહિયાત દાવો કરાયો હતો કે ચીનમાં વસતા ભારતીયો ભારતની વેક્સિનની સરખામણીએ ચીનની વેક્સિનને પસંદ કરી રહ્યા છે.

કોંગ્રેસના સવાલ

સિક્કિમ સરહદી ક્ષેત્રમાં ભારત-ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ થયાના અહેવાલ બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજયસિંહે ટ્વિટ કર્યું હતું કે, શું હજી પણ આનાથી વધારે પુરાવા આપવાની જરૂર છે? કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આક્ષેપ કર્યો કે સરકાર દેશને નબળો પાડતી નીતિઓ ઘડી રહી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter