સીબીઆઇ વિ. સીબીઆઇઃ બે અધિકારી વચ્ચે ધમાસાણ

Wednesday 24th October 2018 06:47 EDT
 
 

નવી દિલ્હીઃ દેશની સૌથી મોટી ઇન્વેસ્ટિગેશન એજન્સી સેન્ટ્રલ બ્યૂરો ઈન્ટેલિજન્સ (સીબીઆઇ)માં બે ઉચ્ચ અધિકારી વચ્ચે શરૂ થયેલી ચડસાચડસી ચરમસીમાએ પહોંચી છે. એજન્સીએ સોમવારે પોતાના જ એક સિનિયર અધિકારીની લાંચના આરોપસર ધરપકડ કરતાં સનસનાટી મચી ગઇ છે.
સીબીઆઈએ લાંચ કેસના મુખ્ય આરોપી અને નંબર-ટુ અધિકારી રાકેશ અસ્થાનાને રિપોર્ટ કરતા ડીએસપી દેવેન્દ્ર કુમારની સોમવારે ધરપકડ કરી છે. માંસના નિકાસકાર પાસેથી લાંચ લેવાના કેસમાં આ પહેલી ધરપકડ છે. સીબીઆઈનો આરોપ છે કે દેવેન્દ્ર કુમારે તપાસમાં ગેરરીતિ આચરી છે. તેણે ખોટું નિવેદન આપીને સીબીઆઈ સાથે સેટિંગનો દાવો કર્યાનો આરોપ તપાસ સંસ્થાએ મૂક્યો છે. સીબીઆઈએ લાંચ કેસમાં નોંધેલી એફઆઈઆરમાં આરોપી નંબર-વન રાકેશ અસ્થાના છે. તેમના પર આરોપ છે કે તેમણે મીટ એક્સપોર્ટર મોઈન કુરેશીના મામલામાં સતીશ સાના નામના શખ્સ પાસેથી રૂ. બે કરોડની લાંચ માંગી છે.
સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે, લાંચ-રુશ્વત કેસના તાર છેક દુબઈ સુધી અડેલા છે. બીજી તરફ, અસ્થાનાએ આ કેસમાં પોતાની ધરપકડ થઇ શકે છે તેવી આશંકાના પગલે દિલ્હી હાઇ કોર્ટમાં ધા નાખીને આવા કોઇ પણ પગલાં સામે મનાઇહુકમ માગ્યો હતો. મંગળવારે આ અરજીની સુનાવણી કરતાં કોર્ટે હાલ તુર્ત આ કેસમાં સ્ટેટસ ક્વો જાળવવા આદેશ આપ્યો છે.

વડા પ્રધાનની દરમિયાનગીરી

એક અન્ય ઘટનાક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીબીઆઈના વડા આલોક વર્મા સાથે આ મામલે બંધબારણે મીટિંગ કર્યાનું સૂત્રોએ કહ્યું છે. સીબીઆઈના ઓફિસરોએ સોમવારે ડીએસપી દેવેન્દ્ર કુમારના નિવાસ અને બ્યૂરોની ઓફિસમાં દરોડા પાડ્યા હતા અને આઠ મોબાઈલ જપ્ત કર્યા છે. સમગ્ર ઘટનાક્રમના પગલે સીબીઆઈના વડા આલોક વર્મા અને નંબર-ટુ રાકેશ અસ્થાના વચ્ચે સામસામે આરોપ-પ્રતિ આરોપ શરૂ થયા છે. ઉલ્લેખનીય છે કે બન્ને વચ્ચે લાંબા સમયથી ખટરાગ ચાલી રહ્યો છે.

સામસામા આક્ષેપો

અસ્થાનાએ વર્માએ પોતાના ફસાવ્યા હોવાનો આરોપ મૂકતો પત્ર ચીફ સેક્રેટરીને લખ્યો છે. તો સીબીઆઈએ દેવેન્દ્ર કુમાર અને મનોજપ્રસાદ, દલાલ સોમેશ પ્રસાદ અને અન્ય અજાણ્યા અધિકારીઓ સામે પણ કેસ નોંધ્યો છે. તમામ સામે ભ્રષ્ટાચાર નિરોધક કાયદાની વિવિધ કલમો અંતર્ગત ફરિયાદ નોંધાઈ છે. સીબીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે આ પ્રકારની કલમો અંતર્ગત કોઈ પણ અધિકારી સામે તપાસ શરૂ કરવા સરકાર પાસેથી કોઈ પરવાનગી લેવાની હોતી નથી.

સીબીઆઇનું પોતાના જ બોસ સામે આરોપનામું

સીબીઆઇએ પોતાના જ નંબર-ટુ બોસ સ્પે. ડાયરેક્ટર રાકેશ અસ્થાના પર બે કરોડ રૂપિયાની લાંચ લીધાનો આરોપ મુક્યો છે. આરોપ છે કે, મીટ એક્સપોર્ટર મોઇન કુરેશી સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ અને ભ્રષ્ટાચારનો એક કેસ પતાવવાના બદલામાં આ લાંચ લેવાઇ હતી. સીબીઆઇના ડાયરેક્ટર આલોક વર્મા પછી અસ્થાના બીજા સૌથી મોટા અધિકારી છે. આ મામલે નિવેદન અંગે બન્નેનો સંપર્ક થઈ શક્યો નથી. અસ્થાના ગુજરાત કેડરના ૧૯૮૪ની બેન્ચના આઇપીએસ અધિકારી છે.
સીબીઆઈ ટીમ દ્વારા અસ્થાના કેસ સાથે સંકળાયેલી વિગતો મેળવવા અને પૂછપરછ માટે સીબીઆઈ હેડ ક્વાર્ટરમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. અસ્થાનાની ખૂબ જ નજીકના ગણાતા બે અધિકારીઓ ટાર્ગેટ પર છે. સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટર મનોહર સાંઈ તથા અન્ય એક અધિકારી મીનાની કેબિનમાં તપાસ હાથ ધરાઇ છે.

કુરેશીએ કતલખાનામાંથી ૨૫ કંપની બનાવી

સમગ્ર મામલાનો મુખ્ય આરોપી માંસનો વ્યાપારી મોઈન કુરેશી છે, જ્યારે બીજું નામ તેનો સાથીદાર ગણાતો સતીશ સના છે. કુરેશીનું પૂરું નામ મોઈન અખ્તર કુરેશી છે. દિલ્હીની સ્ટિફન કોલેજમાં ભણેલા કુરેશીએ ૧૯૯૩માં ઉત્તર પ્રદેશમાં એક નાના કતલખાનાથી વ્યાપાર શરૂ કર્યો હતો. બાદમાં વ્યાપાર વધતો ગયો અને ભારતનો સૌથી મોટો માંસ નિકાસકર્તા બની ગયો. બાદમાં અન્ય વ્યાપાર સાથે સંકળાયેલી આશરે ૨૫ જેટલી કંપનીઓ શરૂ કરી. આઈટીએ કુરેશી વિરુદ્ધ ટેક્સ ચોરીની કાર્યવાહી શરૂ કરી હતી.

સના કર્મચારીમાંથી અનેક કંપનીઓનો ડાયરેક્ટર

સીબીઆઈએ મોઈન કુરેશીની ધરપકડ કરી તે સાથે અન્ય એક શખ્સ પણ સકંજામાં આવ્યો જેનું નામ છે સતીશ સના. સતીશ સના એક ઈલેક્ટ્રીસિટી બોર્ડનો કર્મચારી હતો. નોકરી છોડીને હૈદરાબાદ આવ્યો. રાજનેતાઓ સાથે સંબંધો બનાવ્યા બાદ અનેક કંપનીઓનો ડાયરેક્ટર બની ગયો. મોઈન કુરેશીના કેસમાં સતીશ સનાનું નામ પણ સામે આવ્યું. સનાએ કુરેશી માટે મધ્યસ્થી તરીકે કામ કરવાનું શરૂ કર્યું હતું, બાદમાં તેની પણ પૂછપરછ સીબીઆઈએ કરી હતી. સીબીઆઈના અધિકારીઓએ તેની પાસેથી લાંચની માગ કરી હોવાનો દાવો તેણે કર્યો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter