સુકાન સોંપ્યું યુવા પેઢીનેઃ આકાશને ટેલિકોમ - ઇશાને રિટેલ - અનંતને ન્યૂ એનર્જી

રિલાયન્સની 45મી એજીએમમાં મુકેશ અંબાણીની જાહેરાતઃ દિવાળી સુધીમાં જિયો 5G

Wednesday 31st August 2022 06:01 EDT
 
 

નવી દિલ્હી: દેશના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે 45મી એજીએમમાં રૂ. 2.75 લાખ કરોડના રોકાણ સહિતની વિવિધ જાહેરાતો કરી છે. કંપનીએ સોમવારે યોજાયેલી વાર્ષિક સાધારણ સભા (એજીએમ)માં જાહેર કર્યું હતું કે 5G નેટવર્ક માટે રૂ. 2 લાખ કરોડનું રોકાણ કરશે અને આ હાઈ-સ્પીડ સર્વિસીઝ દિવાળી સુધીમાં મહત્વના શહેરોમાં શરૂ થઈ જશે, જે ડિસેમ્બર 2023 સુધીમાં સમગ્ર દેશને આવરી લેશે. દિવાળી સુધીમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ અને કોલકાતા સહિતના અગ્રણી શહેરોમાં સર્વિસ શરૂ થઈ જશે. 

RILના ચેરમેન મુકેશ અંબાણીએ આ સાથે જ ગ્રૂપનો સક્સેશન પ્લાન પણ સ્પષ્ટ કર્યો છે. તેમણે કહ્યું હતું કે જિયો ટેલિકોમનો બિઝનેસ આકાશ સંભાળશે, રિટેલ બિઝનેસ ઈશા સંભાળશે જ્યારે ન્યૂ એનર્જી બિઝનેસ અનંત સંભાળશે. જોકે તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેઓ નિવૃત્ત નથી થઈ રહ્યા અને અગાઉની જેમ જ કંપનીને નેતૃત્વ પૂરું પાડતા રહેશે. આ સાથે તેમણે રિલાયન્સ રિટેલ અને રિલાયન્સ જિયોના આઈપીઓ અંગે આવતા વર્ષની એજીએમમાં જાહેરાત કરાશે તેમ કહ્યું હતું.
3 સંતાનોને 3 બિઝનેસ
બિલિયોનેર મુકેશ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો સક્સેશન પ્લાન સ્પષ્ટ કરી દીધો છે. મુકેશ અંબાણીએ જાહેરાત કરતા કહ્યું હતું કે જિયો ટેલિકોમનો બિઝનેસ આકાશ સંભાળશે, રિટેલ બિઝનેસ ઈશા સંભાળશે અને ન્યૂ એનર્જી બિઝનેસ અનંત સંભાળશે. જોકે તેમણે
સ્પષ્ટતા કરી હતી કે તેઓ નિવૃત્ત નથી થઈ રહ્યા અને અગાઉની જેમ જ કંપનીને નેતૃત્વ પૂરું પાડતા રહેશે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ મીટિંગ (એજીએમ)માં સોમવારે મુકેશ અંબાણીએ કહ્યું હતું કે તેમણે કંપનીની જે પ્રકારે રચના જાહેર કરી છે તે મુજબ કંપની એક યુનિટ તરીકે, સુસંગઠિત રીતે અને સલામત ઈન્સ્ટિટ્યૂશન તરીકે ઊભરશે અને તેમાં નવા ગ્રોથ એન્જિન ઉમેરાતા રહેશે તેવી તેમને ખાતરી છે.
65 વર્ષીય મુકેશ અંબાણીએ સક્સેશન પ્લાન અંગે કહ્યું હતું કે ‘આકાશે જિયોમાં અને ઈશાએ રિટેલમાં લીડરશીપ ભૂમિકા સંભાળી લીધી છે. તેઓ ખંતપૂર્વક અમારા કન્ઝ્યુમર બિઝનેસ શરૂ થયા ત્યારથી તેમાં સક્રિય છે. અનંત પણ ન્યૂ એનર્જી બિઝનેસ ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ ગયા છે. તેઓ
તેમનો મોટાભાગનો સમય જામનગરમાં આપી રહ્યા છે.’
તેમણે કહ્યું કે ‘આ ત્રણેયને અમારા સ્થાપક (ધીરુભાઈ)ના માઈન્ડસેટ સંપૂર્ણપણે વારસામાં મળ્યા છે. તેઓ ત્રણેય રિલાયન્સની યુવા ટીમમાં કાર્યરત્ છે અને અદભુત કામગીરી કરી રહ્યા છે. અલબત્ત, તેમને મારા સહિત અમારા સીનિયર અધિકારીઓ અને બોર્ડ ઓફ ડિરેક્ટર્સના સભ્યો દરરોજ માર્ગદર્શન પણ આપતા રહીએ છીએ.”
30 વર્ષીય આકાશે જૂનમાં રિલાયન્સ જિયો ઈન્ફોકોમ લિમિટેડના ચેરમેન તરીકે હોદ્દો સંભાળી લીધો છે. એજીએમમાં મુકેશ અંબાણીએ તેમના 30 વર્ષીય પુત્રી ઈશાનો પરિચય રિટેલ બિઝનેસના લીડર તરીકે કરાવ્યો હતો અને ઈશાને ઈ-કોમર્સ યુનિટ વોટ્સએપ સાથે જોડવા અંગે અને કંપની એફએમસીજી સેક્ટરમાં પ્રવેશી રહી છે તે અંગે પ્રેઝન્ટેશન આપવા આમંત્રિત કર્યા હતા. ત્યારબાદ તેમણે કહ્યું હતું કે 26 વર્ષીય અનંત ન્યૂ એનર્જી બિઝનેસમાં કાર્યરત્ છે જેમાં સોલાર, બેટરી અને હાઈડ્રોજન ઈન્વેસ્ટમેન્ટ્સનો સમાવેશ છે.
મુકેશ અંબાણીની નેટવર્થ
94 બિલિયન ડોલરથી વધુ
રિલાયન્સના ત્રણેય બિઝનેસનું કદ ઓલમોસ્ટ એકસમાન છે. મુકેશ અંબાણીએ આ સાથે તેમના ત્રણેય સંતાનો વચ્ચે એકસમાન રીતે બિઝનેસની વહેંચણી સ્પષ્ટ કરી દીધી છે. મુકેશ અંબાણીની નેટવર્થ 94 બિલિયન ડોલરથી વધુ છે અને તેઓ હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના એમડી અને ચેરમેન છે. તેમના પત્ની 59 વર્ષીય નીતા અંબાણી પણ રિલાયન્સના બોર્ડમાં છે. કંપની ફાઈલિંગ મુજબ અંબાણી પરિવાર હાલમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 50.6 ટકા હિસ્સો ધરાવે છે, જે માર્ચ 2019માં 47.27 હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter