સુરક્ષિત - સમૃદ્ધ - સક્ષમ ભારતનું નિર્માણ અમારો નિર્ધારઃ મોદી

Wednesday 16th August 2017 06:14 EDT
 
 

નવી દિલ્હીઃ લાલ કિલ્લાની પ્રાચીર પરથી ચોથી વખત તિરંગો લહેરાવતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નૂતન ભારતના નિર્માણનો દૃઢ નિર્ધાર વ્યક્ત કરવાની સાથોસાથ ‘ભારત જોડો’નો નારો આપ્યો હતો. ક્વીટ ઇંડિયા મૂવમેન્ટ (ભારત છોડો ચળવળ)ના ૭૫ વર્ષ પૂરા થયા હોવાનો ઉલ્લેખ કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે ૧૯૪૨થી ૪૭ સુધી દેશવાસીઓએ પ્રચંડ સંઘર્ષ કર્યો અને અંગ્રેજો હિન્દુસ્તાન છોડવા માટે મજબૂર થઇ ગયા. તે વખતે ‘ભારત છોડો’નો નારો હતો અને હવે ‘ભારત જોડો’નો નારો છે. અમે ૨૦૨૨ સુધીમાં સુરક્ષિત, સમૃદ્ધ અને સક્ષમ નૂતન ભારતનું નિર્માણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ.
જમ્મુ અને કાશ્મીરનો સવિશેષ ઉલ્લેખ કરતા તેમણે લાગણીસભર શબ્દોમાં કહ્યું હતું કે ન ગાલી સે, ન ગોલી સે, પરિવર્તન હોગા ગલે લગાને સે... છેલ્લા લાંબા સમયથી અશાંત જમ્મુ અને કાશ્મીર રાજ્ય માટે ખાસ સંદેશ આપતા તેમણે કહ્યું હતું કે સમગ્ર દેશ કાશ્મીરની પ્રજા અને રાજ્ય સરકારની સાથે છે. કેટલાક મુઠ્ઠીભર પરિબળો કાશ્મીરમાં અશાંતિ ફેલાવવા સતત પ્રયત્નશીલ છે, પણ આપણે કાશ્મીરને ફરીથી સ્વર્ગ બનાવશું.
વડા પ્રધાને સ્વાતંત્ર્ય પર્વે કરેલા અત્યાર સુધીના સૌથી ટૂંકા ૫૬ મિનિટના સંબોધનમાં ગોરખપુર દુર્ઘટનાથી માંડીને દેશનો આર્થિક વિકાસ, નોટબંધીથી થયેલા લાભો, કાળું નાણું, સામાજિક પરિવર્તન અને મુસ્લિમ સમુદાયમાં ચર્ચાસ્પદ બનેલા ટ્રિપલ તલાક સહિતના મુદ્દાઓને આવરી લીધા હતા.
હાફ સ્લીવ કુર્તા અને ચુડીદાર પાયજામામાં સજ્જ મોદીએ રાજસ્થાની પાઘડી પહેરી હતી.

સુદર્શનધારીથી ચરખાધારી

મોદીએ કહ્યું કે આજે સમગ્ર દેશ સ્વતંત્રતા દિવસની સાથે સાથે જન્માષ્ટમીનો ઉત્સવ મનાવી રહ્યો છે. સુદર્શનચક્રધારી મોહનથી લઈને ચરખાધારી મોહન સુધીની આપણી વિરાસત છે. દેશની આઝાદી માટે દેશની આન બાન શાન માટે દેશના ગૌરવ માટે હજારો લોકોએ બલિદાન આપ્યાં. યાતનાઓ ઝીલી, એ તમામ મહાનુભવોને, માતા-બહેનોને સવાસો કરોડ દેશવાસીઓ તરફથી નમન કરું છું.
તેમણે કહ્યું કે ક્યારેક કુદરતી આફતો આપણા માટે પડકાર બની જાય છે. સારો વરસાદ વિકાસમાં ખુબ યોગદાન આપે છે, પરંતુ જળવાયુ પરિવર્તનના પરિણામે ક્યારેક ક્યારેક કુદરતી આફતો સંકટ બની જાય છે. છેલ્લા કેટલાક દિવસોમાં દેશના કેટલાક ભાગોમાં કુદરતી આફતોનું સંકટ આવ્યું, હાલમાં હોસ્પિટલમાં અનેક માસૂમ બાળકોના મોત થયા. આ સંકટની ઘડીમાં સવાસો કરોડ દેશવાસીની સંવેદના તેમની સાથે છે. હું દેશવાસીને ભરોસો અપાવવા માંગુ છું કે આ સંકટના સમયે જન સામાન્યની સુરક્ષા માટે કઈ પણ કરવામાં કોઈ કમી નહીં આવવા દઈએ.

નૂતન ભારતનો સંકલ્પ

વડા પ્રધાને કહ્યું કે વર્ષ ૨૦૨૨ને હજુ પાંચ વર્ષ બાકી છે. આઝાદીના દીવાનાઓના સપના પૂરા કરવા માટે આ સમય કામ આવી શકે છે. સવાસો કરોડ દેશવાસીઓના સંકલ્પથી, પુરુષાર્થથી, ત્યાગ અને તપસ્યાથી નૂતન ભારતનું નિર્માણ કરવું છે. 

તેમણે કહ્યું કે શાસ્ત્રોમાં કહેવાયું છે કે યોગ્ય સમય પર જો કોઈ કાર્ય પૂરું ન કરાય તો ધાર્યા પરિણામ મળતા નથી. આથી ટીમ ઈન્ડિયા માટે ન્યૂ ઈન્ડિયાના સંકલ્પનો આ જ યોગ્ય સમય છે. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં ગરીબો પાસે પાકા ઘર હોય, વીજળી હોય, પાણી હોય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં દેશના ખેડૂતો ચિંતામાં નહીં હોય, ચેનથી સૂતા હશે. આજે તેઓ જેટલું કમાઈ રહ્યાં છે તેનાથી બમણું કમાય. આપણે બધા મળીને એક એવું ભારત બનાવીશું જ્યાં યુવાઓ અને મહિલાઓને તેમના સપના પૂરા કરવા માટે ભરપૂર તકો મળે. એક એવું ભારત બનાવીશું જ્યાં આતંકવાદ, સંપ્રદાયવાદ, અને જાતિવાદથી તે મુક્ત હોય.

ધર્મના નામે હિંસા અયોગ્ય

લાલ કિલ્લા પરથી વડા પ્રધાને કહ્યું કે આસ્થાના નામે હિંસા યોગ્ય નથી. જાતિવાદનું ઝેર દેશનું ભલું કરી શકે નહીં. આપણે શાંતિ, એક્તા અને સદભાવ સાથે આગળ વધવાનું છે. દેશ શાંતિ અને સદભાવથી ચાલે છે. આ ગાંધી અને બુદ્ધની ભૂમિ છે. આસ્થાના નામ પર હિંસાનો રસ્તો આ દેશમાં ચાલી શકે નહીં.

નોટબંધીનો કર્યો ઉલ્લેખ

મોદીએ કહ્યું કે નોટબંધી બાદ ડેટાનું વિશ્લેષણ કરાયું તો ત્રણ લાખ કંપનીઓ એવી જોવા મળી જે માત્ર હવાલા કારોબાર કરતી હતી. તેમાંથી પોણા બે લાખ કંપનીઓને તાળા લાગ્યાં. કેટલીક એવી શેલ કંપનીઓ હતી જેમાં એક જ સરનામા પર અનેક કંપનીઓ ચાલતી હતી. સરકારે તેમના પર કાર્યવાહી કરી. દેશમાં હવે લૂંટ ચાલશે નહીં. જવાબ આપવો પડશે. ભ્રષ્ટાચાર અને કાળા નાણા વિરુદ્ધની અમારી લડાઈ આગળ પણ ચાલુ રહેશે. જીએસટીના કારણે હજારો કરોડની બચત થઈ છે, સમયની પણ બચત થઈ છે. ચેકપોસ્ટ ખતમ થયાં.
નોટબંધીથી ત્રણ લાખ કરોડ રૂપિયા બેંકિંગ સિસ્ટમમાં આવ્યાં, જે ક્યારેય નહતાં. બેન્કોમાં જમા કરાયેલા લગભગ બે લાખ કરોડ રૂપિયા શંકાસ્પદ છે, તેમણે જવાબ આપવો પડશે.

ટ્રિપલ તલાકનો ઉલ્લેખ

વડા પ્રધાને કહ્યું કે જે બહેનો ટ્રિપલ તલાકના કારણે પીડિત છે તેમણે આંદોલન શરૂ કર્યું. સમગ્ર દેશમાં ટ્રિપલ તલાક વિરુદ્ધ એક માહોલ બન્યો. આ આંદોલનને ચલાવનારી બહેનોનું હું હૃદયપૂર્વક અભિવાદન કરું છું. તેમની આ લડાઈમાં હિન્દુસ્તાન પૂરી મદદ કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter