સ્ટેચ્યુ ઓફ યુનિટીઃ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ

Thursday 01st November 2018 07:11 EDT
 
 

કેવડિયા કોલોનીઃ ભારતની એકતા માટે સમર્પિત વિરાટ વ્યક્તિત્વને આઝાદીથી અત્યાર સુધીમાં યોગ્ય સ્થાન નહોતું મળ્યું, એટલે સતત અધુરપનો અહેસાસ થતો હતો. આજે સરદાર વલ્લભભાઈ પટેલ જેવા વિરાટ વ્યક્તિત્વને યોગ્ય સ્થાન આપીને ઇતિહાસના સ્વર્ણિમ પૃષ્ઠને ઉજાગર કરવાનું કામ થયું છે તે વાતનો આનંદ છે. ૩૧ ઓક્ટોબરે સરદાર વલ્લભભાઇ પટેલની ૧૪૩મી જન્મજયંતીએ વિશ્વમાં ઊંચામાં ઊંચી પ્રતિમા રાષ્ટ્રને સમર્પિત કરતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ શબ્દો ઉચ્ચાર્યા હતા.
વડા પ્રધાને બુધવારે સરદાર પટેલની ૧૪૩મી જન્મજયંતી - રાષ્ટ્રીય એકતા દિને કેવડિયા કોલોની નજીક, નર્મદા નદી તટે વિંધ્યાચળ અને સાતપુડાની ગિરીકંદરાઓના સાનિધ્યમાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ રાષ્ટ્રને સમર્પિત કરી હતી. વડા પ્રધાને ઇતિહાસના સુવર્ણપૃષ્ઠને ઉજાગર કરતાં કહ્યું હતું કે, ભારતે ભવિષ્યની પેઢીને એકતા-અખંડતાની પ્રેરણા મળતી રહે તે માટે ગગનચુંબી આધાર તૈયાર કર્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલની આ પ્રતિમા સરદારના પ્રણ, પ્રતિભા, પુરુષાર્થ અને પરમાર્થની ભાવનાનું જીવતું જાગતું પ્રગટીકરણ છે. રાષ્ટ્રીય એકતા પ્રતિ સમર્પણ અને ભારત ભક્તિની તાકાતથી મનમાં મિશન સાથે ગુજરાતે આ કામ ઐતિહાસિક સમયમાં પૂર્ણ કર્યું છે.
પ્રતિમાના લોકાર્પણને પોતાનું સૌભાગ્ય ગણાવતાં તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જયારે મેં આ મહાન પ્રતિમાના નિર્માણની કલ્પના કરી હતી ત્યારે મને અહેસાસ નહોતો કે આ પ્રતિમાનું પ્રધાનમંત્રી તરીકે રાષ્ટ્રાર્પણ કરવાની પણ મને તક મળશે.

જાતિ-વર્ગ ભૂલવા પડશે

વડા પ્રધાને કહ્યું હતું કે, સરદાર પટેલે દેશની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વની વિરાસત આપણને સોંપી છે તેને પૂરી તાકાતથી સાચવવાની સાથે ભાવિ પેઢીમાં પણ સરદારના સંસ્કાર ઉતારવા પુરુષાર્થ કરવો પડશે. વડા પ્રધાને કહ્યું હતું કે, સરદાર કહેતા કે દરેક ભારતીયએ ભૂલવું પડશે કે તે કઇ જાતિ કે વર્ગનો છે. તેણે તો માત્ર તે ભારતીય છે એટલું જ યાદ રાખવું પડશે.

ગુજરાતના આશીર્વાદ

આ પ્રસંગે મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતની જનતા વતી આપેલા અભિનંદન પત્રને-સન્માનપત્રને આશીર્વાદ તરીકે સ્વીકારતા તેમણે કહ્યું કે, મા પોતાના બાળકની પીઠ પર હાથ રાખે તો બાળકની તાકાત, ઉત્સાહ અને ઊર્જા હજારગણા વધી જતાં હોય છે. આજે, ગુજરાતની જનતાએ આપેલા સન્માનપત્રમાં હું એ આશીર્વાદની અનુભૂતિ કરી રહ્યો છું.

રાજકીય ટીકા અયોગ્ય

સરદાર પટેલની પ્રતિમાને વિવાદોમાં ઢસડી જવાના થઇ રહેલા પ્રયાસોની આડકતરી ટીકા કરતાં મોદીએ કહ્યું કે, સરદાર પટેલના એકતા અને અખંડિતતાની વિરાસતને અમે જનસુખાકારી માટેની અનેકવિધ યોજનાઓ થકી આગળ વધારવાના પ્રયાસો કરી રહ્યા છીએ. આની સાથોસાથ ભારતનિર્માણ સાથે સંકળાયેલા સરદાર પટેલ ઉપરાંતના નાયકોને સન્માનિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જોકે અમારા આ પ્રયાસો, સપૂતોને રાષ્ટ્રીય સન્માન આપવાના પ્રયાસોને દેશના જ કેટલાક લોકો રાજકીય ચશ્માથી જોવાનું દુ:સાહસ કરી રહ્યા છે. ‘જાણે અમે કોઇ અપમાન કરી રહ્યા હોઇએ એવું કહેવાય છે. શું સપૂતોને રાષ્ટ્રીય સન્માન આપવું અપમાન છે?’ એવો પ્રશ્ન તેમણે પૂછ્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter