હાથી અને ડ્રેગનની મિત્રતા વૈશ્વિક સંતુલન માટે નિર્ણાયક

Wednesday 03rd September 2025 05:58 EDT
 
 

તિયાન્જિનઃ યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર કરાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો તાજેતરના સમયમાં તળિયે પહોંચ્યા છે ત્યારે લાંબા સમયથી ખરાબે ચઢેલા ભારત અને ચીનના સંબંધો સુધરી રહ્યા છે. આવા સમયે સાત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શાંઘાઈ સહયોગ સંગઠન (SCO)ની બેઠક માટે ઉત્તરીય ચીનના તિયાન્જિન પહોંચ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે દ્વિપક્ષીય બેઠક વેળા કહ્યું કે, માનવતાના કલ્યાણ અને વૈશ્વિક સંતુલન માટે હાથી અને ડ્રેગનની મિત્રતા નિર્ણાયક છે. બીજી બાજુ જિનપિંગે પણ કહ્યું કે, મિત્ર બનવું, સારા પડોશી બનવું અને ડ્રેગન તથા હાથીનું સાથે આવવું ખૂબ જ જરૂરી છે.
કોરોના મહામારી અને ગલવાન હિંસાના કારણે ભારતના ચીન સાથે સંબંધો વણસ્યા હતા, પરંતુ વર્ષ 2023 અને 2024માં રશિયાના કઝાનમાં બ્રિક્સ શિખર મંત્રણામાં પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે બેઠકો થયા પછી બંને દેશના સંબંધોમાં આવેલી કડવાશ ઓછી થઈ હતી. હવે ઉત્તરીય ચીનના તિયાન્જિનમાં એસસીઓની બેઠક સાથે દ્વિપક્ષીય બેઠકના ભાગરૂપે વડાપ્રધાન મોદીએ રવિવારે ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથે લગભગ એક કલાક સુધી વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
ટૂંક સમયમાં સીધી હવાઇ સેવા
આ બેઠકમાં વડાપ્રધાન મોદીએ દ્વિપક્ષીય સંબંધોમાં તાજેતરમાં થયેલી પ્રગતિ પર ભાર મૂક્યો હતો. તેમણે સરહદ વિવાદ પર વિશેષ પ્રતિનિધિઓ વચ્ચે થયેલી સમજૂતી, કૈલાસ માનસરોવર પ્રવાસને મંજૂરી અને બંને દેશો વચ્ચે સીધી વિમાની સેવા શરૂ થવાની બાબતનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ગયા વર્ષે કઝાનમાં આપણી ખૂબ જ સાર્થક ચર્ચા થઈ હતી. આપણા સંબંધોને સકારાત્મક દિશા મળી હતી, સરહદ પર ડિસએન્ગેજમેન્ટ પછી શાંતિ અને સ્થિરતા છે.
 મોદીએ કહ્યું કે, કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ કરાઈ છે. બંને દેશો વચ્ચે સીધી ફ્લાઈટ ફરી શરૂ થવા જઈ રહી છે. બંને દેશોના 2.8 બિલિયન લોકોના હિત આપણા સહયોગ સાથે જોડાયેલા છે. આ સંપૂર્ણ માનવતાના કલ્યાણનો પણ માર્ગ છે. આપણે પરસ્પર વિશ્વાસ, સંવેદનશીલતા અને સન્માનના આધારે પોતાના સંબંધોને આગળ વધારવા માટે કટિબદ્ધ છીએ.
તેમણે ઉમેર્યું કે, ભારત અને ચીન વિકાસના સાથી છે, પ્રતિસ્પર્ધી નહીં. બંને દેશો વચ્ચે સંબંધોની પ્રગતિ માટે સરહદીય ક્ષેત્રોમાં શાંતિ અને સ્થિરતા અનિવાર્ય છે. ભારત અને ચીન બંને પોતાની રણનીતિક સ્વાયત્તતાનું પાલન કરે છે અને તેમના સંબંધોને કોઈ ત્રીજા દેશની દૃષ્ટિથી જોવા જોઈએ નહીં. બંને નેતાઓએ આતંકવાદ અને નિષ્પક્ષ વેપાર જેવા મુદ્દાઓ પર સહયોગ વધારવા પર પણ ચર્ચા કરી હતી. પીએમ મોદીએ ચીનના પ્રમુખ શી જિનપિંગને ભારતમાં 2026ના બ્રિક્સ શિખર સંમેલનમાં આવવા માટે આમંત્રણ આપ્યું હતું.
પ્રમુખ શી જિનપિંગે રવિવારની મુલાકાતને ઐતિહાસિક ગણાવતા કહ્યું કે, દુનિયા અત્યારે મોટા પરિવર્તનોના સમયમાંથી પસાર થઈ રહી છે. ચીન અને ભારત માત્ર બે સૌથી પ્રાચીન સભ્યતાઓ જ નથી, પરંતુ દુનિયાના સૌથી વધુ વસતીવાળા દેશ પણ છે અને વૈશ્વિક સાઉથનો ભાગ છે. તેમણે ઉમેર્યું કે, ભારત અને ચીનનું સાથે આવવું ખૂબ જ જરૂરી છે. મિત્ર બનવું, સારા પડોશી બનવું અને ડ્રેગન તથા હાથીનું એક સાથે આવવું ખૂબ જ જરૃરી છે. બંને નેતાઓએ પારસ્પરિક વેપાર ખાધ ઘટાડવા અને રોકાણ વધારવા પર ભાર મૂક્યો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter