હું લોકોનું દિલ જીતવા આવ્યો છુંઃ કલમ 370ની નાબૂદી બાદ પહેલીવાર મોદી કાશ્મીર પહોંચ્યા

Thursday 14th March 2024 17:15 EDT
 
 

શ્રીનગરઃ વડાપધાન નરેન્દ્ર મોદી જમ્મુ-કાશ્મીરમાંથી 2019માં કલમ 370 નાબૂદ કરાયા બાદ સાતમી માર્ચે પહેલીવાર કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરના બક્ષી સ્ટેડિયમમાં ‘વિકસિત ભારત, વિકસિત જમ્મુ-કાશ્મીર’ કાર્યક્રમમાં 6400 કરોડ રૂપિયાના કુલ 52 વિકાસકાર્યોનો શુભારંભ લોકાર્પણ કર્યા હતા.
મોદીએ વિશાળ જનમેદનીને સંબોધતા કહ્યું કે જમ્મુ-કાશ્મીર માત્ર એક સ્થળ નથી, જમ્મુ-કાશ્મીર ભારતનું મસ્તક છે અને ઊંચું માથું વિકાસ તથા આદરનું પ્રતીક છે. એટલા માટે વિકસિત જમ્મુ- કાશ્મીર વિકસિત ભારતની પ્રાથમિકતા છે. આજે જમ્મુ-કાશ્મીર એક મોટી બાન્ડ છે અને પ્રવાસનના તમામ રેકોર્ડ તોડી રહ્યું છે, વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે, કારણ કે તે આજે મુક્તપણે શ્વાસ લઈ રહ્યું છે. પ્રતિબંધોથી આ સ્વતંત્રતા કલમ 370 નાબૂદ થયા પછી આવી છે. આ એક નવું જમ્મુ-કાશ્મીર છે કે જેની આપણે સૌ દાયકાઓથી રાહ જોતા હતા. આ એ નવું જમ્મુ-કાશ્મીર છે કે જેના માટે ડો. શ્યામાપ્રસાદ મુખરજીએ બલિદાન આપ્યું હતું. આ નવા જમ્મુ-કાશ્મીરની આંખોમાં ભવિષ્યની ચમક છે અને તેના ઇરાદાઓમાં પડકારોને પાર કરવાનો જુસ્સો છે.
કાર્યક્રમ દરમિયાન બક્ષી સ્ટેડિયમ ખીચોખીચ ભરેલું હતું અને લોકોએ ‘મોદી તેરે જાન નિસાર, બેશુમાર બેસુમાર'ના નારાથી વાતાવરણ ગજવ્યું હતું. જમ્મુ-કાશ્મીરના લોકોના સ્નેહ માટે તેમનો આભાર વ્યક્ત કરતાં મોદીએ કહ્યું હતું કે, મોદી આ સ્નેહનું ઋણ અદા કરવામાં કોઈ કસર નહીં છોડે. હું આ બધી મહેનત તમારા દિલ જીતવા માટે કરી રહ્યો છું અને હું માનું છું કે હું સાચા રસ્તે છું. હું તમારા દિલ જીતવાના મારા પ્રયત્નો ચાલુ રાખીશ. આ મોદીની ગેરંટી છે અને તમે બધા જાણો છો કે મોદીની ગેરંટી એટલે ગેરંટી પૂરી કરવાની ગેરંટી.
અહીં ઠેર ઠેર કમળ જ કમળ
વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીંના સરોવરોમાં ઠેર ઠેર કમળ જ કમળ જોવા મળે છે. 50 વર્ષ અગાઉ બનેલા જમ્મુ-કાશ્મીર ક્રિકેટ એસોસિએશનના લોગોમાં પણ કમળ છે. આ સુખદ સંયોગ કે પછી કુદરતનો કોઈ ઇશારો છે કે ભાજપનું ચિહ્ન પણ કમળ છે. જમ્મુ-કાશ્મીરનો તો કમળ સાથે ગાઢ નાતો છે.
શંકરાચાર્ય ટેકરીને નમન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીનગરમાં હેલિપેડ પર ઉતર્યા કે તરત જ શંકરાચાર્ય ટેકરીને દૂરથી નમન કર્યા હતા. શંકરાચાર્ય ટેકરી શ્રીનગર શહેરની વચ્ચોવચ સ્થિત છે. સુપ્રસિદ્ધ શંકરાચાર્ય મંદિર આ ટેકરી પર જ આવેલું છે.

જમ્મુ-કાશ્મીરમાં લગ્ન સમારંભ યોજો
વડાપ્રધાને ‘વેડ ઇન ઇન્ડિયા’નો ઉલ્લેખ કરીને કહ્યું કે ધનિક ભારતીયોએ લગ્ન સમારંભ માટે વિદેશ જવાના બદલે જમ્મુ-કાશ્મીરમાં આવવું જોઈએ અને અહીં પૈસા ખર્ચવા જોઈએ. જાન જોડીને અહીં આવો. ત્રણ-ચાર દિવસ ધામધુમથી ખર્ચ કરો. તેનાથી અહીંના લોકોને રોજીરોટી મળશે.

ઉદ્યોગસાહસિક સાથે સેલ્ફી
મોદીએ જમ્મુ-કાશ્મીરના ઉદ્યોગસાહસિક અને સરકારી લાભાર્થી નાઝિમ નઝીર સાથે સેલ્ફી માટે પોઝ આપ્યો હતો. આ અંગે તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે ‘મારા મિત્ર નાઝિમ સાથે એક યાદગાર સેલ્ફી... તે જે સારું કામ કરે છે તેનાથી હું પ્રભાવિત થયો હતો. જાહેરસભામાં તેણે સેલ્ફી લેવાની વિનંતી કરી અને તેને મળીને ખુશ થયો. તેના ભવિષ્યના પ્રયાસો માટે મારી શુભેચ્છાઓ.’ ઉલ્લેખનીય છે કે પુલવામાના નાઝિમે સરકારી સહાયથી મધમાખી ઉછેરનો વ્યવસાય શરૂ કર્યો છે. આજે તેનો મધનો બિઝનેસ જંગી ટર્નઓવર ધરાવે છે અને અનેકને રોજી પૂરી પાડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter