૧૦ બિલિયન ડોલર

ભારતમાં જંગી મૂડીરોકાણ કરવા ગૂગલની મહત્ત્વાકાંક્ષી યોજના

Wednesday 15th July 2020 05:23 EDT
 
 

નવી દિલ્હીઃ કોરોનાના કકળાટ વચ્ચે ભારત માટે આર્થિક ક્ષેત્રે સારા સમાચાર છે. ટેક જાયન્ટ ગૂગલે ભારતમાં ૧૦ બિલિયન ડોલર (આશરે ૭૫ હજાર કરોડ રૂપિયા)નું જંગી મૂડીરોકાણ કરવાની જાહેરાત કરી છે. આ મૂડીરોકાણના ભાગરૂપે જ ગૂગલ દ્વારા રિલાયન્સ જિયોમાં પણ રોકાણ કરવા વાટાઘાટ ચાલી રહી હોવાના અહેવાલ છે. ઉલ્લેખનીય છે કે મુકેશ અંબાણીની માલિકીની આ કંપનીમાં છેલ્લા થોડાક મહિનાઓમાં જ એક ડઝનથી પણ વધુ દિગ્ગજ કંપનીઓએ મૂડીરોકાણ કર્યું છે.
સર્ચ એન્જિન ગૂગલ તથા આલ્ફાબેટના સીઈઓ સુંદર પિચાઈ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે સોમવારે કોરોના મહામારી, આધુનિક ટેકનોલોજીના આવિષ્કાર તેમજ કોરોના પછીના કાળમાં ઊભરી રહેલા નવા વર્ક કલ્ચર મુદ્દે વિસ્તૃત ચર્ચા થઇ હતી. આ દરમિયાન પિચાઈએ ભારતમાં ગૂગલ દ્વારા જંગી રોકાણની જાહેરાત કરી હતી. પિચાઈએ ગૂગલ ફોર ઈન્ડિયાની છઠ્ઠી વાર્ષિક બેઠકને વર્ચ્યુઅલ પણ સંબોધન કર્યું હતું.
પિચાઈએ જણાવ્યું હતું કે, હું ‘ગૂગલ ફોર ઈન્ડિયા ડિજિટલ ફંડ’ની જાહેરાત કરતા રોમાંચ અનુભવું છું. આ પહેલ અંતર્ગત અમે આગામી પાંચથી સાત વર્ષમાં ભારતમાં ૧૦ અરબ ડોલર એટલે કે આશરે રૂ. ૭૫ હજાર કરોડનું રોકાણ કરીશું.
તેમણે જણાવ્યું હતું કે, આ રોકાણ ભારતમાં મુખ્ય ચાર ડિજિટલ ક્ષેત્ર માટે હશે. ભારતીય જનતા સુધી ઉપયોગી અને સોંઘી ડિજિટલ સેવા - લાભો પહોંચે, ભારતની જરૂરિયાત પ્રમાણે નવા ઉત્પાદનો અને સેવાઓનું નિર્માણ, વ્યાવસાયિકોને ડિજિટલ પરિવર્તન માટે સશક્ત કરવા અને સ્વાસ્થ્ય, શિક્ષા તથા કૃષિ જેવા ક્ષેત્રોમાં સામાજિક ભલાઈ માટે આર્ટિફિશ્યલ ઈન્ટલિજન્સ (એઆઇ) અને ટેક્નોલોજીનો લાભ પહોંચે એ ગૂગલનો ધ્યેય રહેશે.

ટેક્નોલોજી ટ્રાન્સફરથી જીવન પરિવર્તન

વડા પ્રધાન મોદીએ સોમવારે પિચાઈ સાથેની વાતચીત પછી ટ્વિટ કર્યું હતું કે, આજે સવારે સુંદર પિચાઈ સાથે અનેક મુદ્દે ફળદાયી ચર્ચા કરવામાં આવી. ખાસ કરીને ટેક્નોલોજી દ્વારા ભારતના ખેડૂતો, યુવાનો અને ઉદ્યમીઓના જીવનને બદલવાના વિષયે વાતચીત કરી. વડા પ્રધાને જણાવ્યું કે, સુંદર પિચાઈ અને મેં કોરોનાના સમયમાં ઉભરેલી નવી કાર્ય સંસ્કૃતિ વિશે વાત કરી. રમતગમત સહિતના અનેક સેક્ટરમાં કોરોનાથી સર્જાયેલા વૈશ્વિક પડકારોનો મુદ્દો પણ ચર્ચાયો અને ડેટા સિક્યુરિટી તથા સાઈબર સિક્યુરિટીની પણ ચર્ચા કરી. શિક્ષણ, અભ્યાસ, ડિજિટલ ઈન્ડિયા, ડિજિટલ પેમેન્ટ તથા અન્ય ક્ષેત્રે ગૂગલની કામગીરી જાણીને આનંદ થયો.

આપનું વિઝન પ્રશંસનીય: સુંદર પિચાઇ

વડા પ્રધાન મોદીની ટ્વિટના જવાબમાં પિચાઈએ ટ્વિટ કર્યું હતું કે, ડિજિટલ ઈન્ડિયા અંગે આપનું વિઝન અને આશાવાદ પ્રશંસનીય છે. આ દિશામાં નવા કાર્યો ચાલુ રાખવા ઉત્સુક છું. આપનો બહુમૂલ્ય સમય ફાળવવા બદલ આભાર.
ટેક્નો જાયન્ટ માટે ભારત મહત્ત્વનું વિદેશી માર્કેટ
ટેક્નો-જાયન્ટ ગૂગલ માટે ભારત મહત્ત્વનું વિદેશી માર્કેટ છે. જ્યાં સર્ચ એન્જિન, યુટયૂબ અને એન્ડ્રોઈડ દ્વારા વિવિધ પ્રોડક્ટસ અને સેવાનો મોટાપાયે ઓનલાઈન ઉપયોગ થાય છે. ભારતમાં ૫૦ કરોડથી વધુ લોકો ૪૫ કરોડથી વધુ સ્માર્ટફોનનો ઉપયોગ કરી રહ્યા છે.

મૂડીરોકાણમાં ૪ મુદ્દા કેન્દ્રસ્થાને

સુંદર પિચાઈએ કહ્યું કે ભારતમાં ઇક્વિટી દ્વારા રોકાણ તેમજ વ્યૂહાત્મક ભાગીદારી દ્વારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર તેમજ ઈકો સિસ્ટમ માટે રોકાણ કરાશે. આધુનિક ભારત અને ડિજિટલ ઇકોનોમીને વેગ આપવા પ્રયાસો કરાશે. મૂડીરોકાણમાં ચાર મુદ્દા પર ફોકસ કરાશે.
• દરેક ભારતીય માટે તેની પોતાની ભાષા હિન્દી, તામિલ, પંજાબી કે માતૃભાષા સિવાયની અન્ય કોઈ પણ બીજી ભાષામાં માહિતી પૂરી પાડવાના પ્રયાસો કરાશે.
• ભારતની જરૂરિયાત મુજબ નવી પ્રોડક્ટ અને સેવા શરૂ કરાશે.
• ડિજિટલ ટ્રાન્સફોર્મેશન મુજબ બિઝનેસને વિકસાવાશે.
• હેલ્થ, એજ્યુકેશન, કૃષિ સહિતનાં ક્ષેત્રોમાં સામાજિક કલ્યાણ માટે આધુનિક ટેકનોલોજી અપનાવવી તેમજ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સનો ઉપયોગ કરવો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter