૧૦ હજાર ફૂટ ઊંચે એન્જિનિયરિંગની અજાયબીઃ મનાલી-લેહને જોડતી વિશ્વની સૌથી ટનલનું લોકાર્પણ

Thursday 08th October 2020 06:14 EDT
 
 

મનાલી તા. ૨૪: ભારતીય નિષ્ણાતોએ ૧૦ હજાર ફૂટ ઊંચે દુર્ગમ પહાડોમાં વિશ્વની સૌથી લાંબી ટનલનું નિર્માણ કરીને એન્જિનિયરિંગની અજાયબી સર્જી છે. મનાલી-લેહને જોડતી ૯.૨ કિમી લાંબી આ ટનલનું શનિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે લોકાર્પણ કર્યું હતું. આ ટનલ સાથે પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીનું નામ જોડાયેલું છે.
હિમાચલ પ્રદેશના મનાલીને લદાખના લેહ સાથે જોડતી અટલ ટનલથી ૪૬ કિમીનું અંતર ઘટશે અને ૪થી ૬ કલાકનો સમય બચશે. સાથોસાથ મનાલી-લેહ વચ્ચેનો રસ્તો શિયાળામાં બંધ થઈ જતો હતો એ પ્રશ્ન પણ હલ થઇ ગયો છે. ટનલ ખુલ્લી મુકાતા પ્રવાસીઓને તો મોટો લાભ થશે જ. પરંતુ લદ્દાખ સરહદે સૈન્ય અને શસ્ત્રસરંજામનું પરિવહન પણ ઝડપી અને સુગમ બનશે. આ ટનલને તૈયાર કરવામાં ૧૦ વર્ષનો સમય લાગ્યો છે.

કોંગ્રેસે કરી સુરક્ષાની ઉપેક્ષા

આ પ્રસંગે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તત્કાલીન કોંગ્રેસ સરકારના અભિગમની આકરી ટીકા કરતા કહ્યું હતું કે કોંગ્રેસની સરકાર ૨૦૦૪થી ૨૦૧૪ સુધી સત્તામાં હતી, પરંતુ તેમણે રાષ્ટ્રની સુરક્ષાને ક્યારેય પ્રાધાન્ય આપ્યું જ નહોતું, આથી ટનલ પણ તૈયાર થવા ન દીધી. તત્કાલીન વડા પ્રધાન અટલ બિહારી વાજયેપીના ૨૦૦૨માં આ ટનલની કામગીરીનું ખાતમૂહુર્ત થયું હતું. આ પછી કોંગ્રેસ સરકાર સત્તામાં રહી ત્યાં સુધીમાં ટનલનું માંડ ૧૩૦૦ મીટર કામ થયું હતું. મોદીએ કહ્યું હતું કે આ જ ઝડપે કોંગ્રેસની સરકારે ટનલ બનાવી હોત તો કામ ૨૦૪૦માં પુરું થયું હોત.
સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આ ટનલનું વ્યુહાત્મક મહત્ત્વ સમજાવતા કહ્યું હતું કે સરહદે ફરજ બજાવતા સૈનિકોને ઝડપથી ખોરાક-પાણીનો પુરવઠો મોકલી શકાશે.

વિપરિત હવામાન પડકાર

આ ટનલ ભારતીય સંરક્ષણ વિભાગના બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા તૈયાર કરાઇ છે. પ્રોજેક્ટ ડાયરેક્ટર કર્નલ પરીક્ષિત મેહરા કહે છે કે, આ ટનલનું નિર્માણ આમ તો ૬ વર્ષમાં પૂર્ણ થઇ જવાનું હતું, પરંતુ પ્રતિકૂળ હવામાનને કારણે એમાં વિલંબ થયો. લેહને જોડવાનું અમારું સપનું હતું અને કનેક્ટિવિટી મજબૂત કરવાની દિશામાં આ પ્રથમ પગલું છે. આ ટનલ એક પડકારજનક પ્રોજેક્ટ રહ્યો, કેમ કે અમે માત્ર બે છેડેથી કામ કરી રહ્યા હતા. ટનલનો બીજો છેડો ઉત્તરમાં રોહતાંગ પાસ ખાતે હતો. વિપરિત હવામાનના કારણે વર્ષમાં માત્ર પાંચ મહિના જ અહીં કામ થઈ શકતું હતું.’
મનાલીથી લેહ જતો રસ્તો પડકારજનક હોવા છતાં પ્રવાસીઓમાં ભારે લોકપ્રિય છે. આ રસ્તા પર બરફ જામી જતો હોવાથી દર શિયાળામાં ચારથી છ મહિના રસ્તો બંધ રાખવો પડતો હતો. જોકે આ ટનલ બારેમાસ કામ આપે એવી છે, એટલે હવે અવિરત પ્રવાસ કરી શકાશે. ટનલને કારણે મનાલી-લેહ વચ્ચેનું અંતર પણ ઘટશે, અને સમય પણ બચશે.

અટલ ટનલનું વડોદરા કનેક્શન

લાહોલ વિસ્તારના તાશી ડોભે ગામના વતની અને વાજપેયીના મિત્ર અર્જૂન ગોપાલના સૂચન પછી વડા પ્રધાન વાજપેયીએ આ ટનલનો નિર્ણય લીધો હતો. જોકે આ બન્નેની મિત્રતાના મૂળમાં ગુજરાત છે. અર્જૂન ગોપાલના પુત્રો અમરસિંહ અને રામદેવ કહે છે કે અમારા પિતાએ વાજપેયીજીને લેહ-મનાલીને જોડતી ટનલ માટે સૂચન કર્યું હતું. બન્ને ભાઇઓ કહે છે કે અમારા પિતા અર્જૂન ગોપાલ વાજપેયીજીને આઝાદી પહેલાથી ઓળખતા હતા. ૧૯૪૨માં જ્યારે વડોદરામાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો કેમ્પ હતો ત્યારે યુવાનીમાં પ્રવેશી રહેલા વાજપેયી અને અર્જૂન ગોપાલની પ્રથમ વાર મુલાકાત થઈ હતી. આ પરિચયમાંથી સર્જાયેલી દોસ્તી આજીવન જળવાઈ હતી. વડા પ્રધાન બન્યા પછી અટલ બિહારી વાજપેયીએ અર્જૂન ગોપાલનું સૂચન સ્વીકારને ટનલ પ્રોજેક્ટ શરૂ કરાવ્યો હતો.

એક નજરમાં અટલ ટનલ

• કુલ રૂ. ૩૩૦૦ કરોડનો ખર્ચ • કુલ ૧૪,૫૦૮ મેટ્રિક સ્ટીલનો ઉપયોગ • ૨,૩૭,૫૯૬ મેટ્રિક ટન સિમેન્ટ • ૧૪ લાખ ઘનમીટર ભેખડોનું ખોદકામ • વિશ્વના અન્ય દેશોમાં ૧૦ હજાર ફૂટ ઊંચે હાઈવે ટનલો તો છે, પરંતુ આ ટનલ સૌથી લાંબી (૯.૨ કિમી) છે • ટનલનો દક્ષિણ છેડો મનાલીથી ૨૫ કિમી દૂર છે તો ઉત્તર છેડો લેહમાં લાહોલ વેલી નામની ખીણના સિસ્સુ ગામ પાસે છે • ટનલની પહોળાઇ ૧૦.૫ મીટર અને ઊંચાઇ ૧૦ મીટર છે • વાહન ચલાવવા ૨૬ ફૂટ પહોળો હાઈવે ઉપરાંત બન્ને બાજુ ફૂટપાથ • દર ૫૦૦ મીટરના અંતરે ઇમર્જન્સી એક્ઝિટ • ૧૫૦ મીટરના અંતરે નેટ સાથે ફોનની સુવિધા • ૬૦ મીટરના અંતરે સીસીટીવી કેમેરા • ટનલમાં તાજી હવાની અવરજવર માટે વેન્ટિલેશન સિસ્ટમ, મેડિકલ સુવિધા ઉપરાંત ટનલની નીચે એક એસ્કેપ ટનલ પણ છે. એસ્કેપ ટનલ પ્રમાણમાં નાની છે, જેનો ઉપયોગ કટોકટીના સંજોગોમાં બહાર નીકળવા માટે કરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter