૧૦૦થી વધુ વિજ્ઞાની સતત ૭ દિવસ કાર્યરત રહ્યા, ઘરે ફોન પણ ના કર્યો

સપ્તાહનો સંઘર્ષ ઇસરોના ચેરમેન કે. સીવાનના શબ્દોમાં...

Wednesday 24th July 2019 05:42 EDT
 
 

પ્રથમ તબક્કામાં ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ગણતરીની મિનિટ પૂર્વે રદ થયા બાદ વિજ્ઞાનીઓએ ક્ષતિ સુધારવા કેવી આકરી જહેમત ઉઠાવી તેની વાત કરે છે ઇસરોના ચેરમેન કે. સીવાન...

‘૧૫ જુલાઈએ ચંદ્રયાન-૨નું લોન્ચિંગ ફક્ત ૫૬ મિનિટ ૨૪ સેકન્ડ પહેલા ટાળ્યા પછી અમે બધા કંટ્રોલ રૂમમાં એકત્ર થયા. નક્કી કર્યું કે, જ્યાં સુધી ટેક્નિકલ ખામી શોધીને તેને સુધારી નહીં લઈએ, ત્યાં સુધી કોઇ ઘરે નહીં જઈએ. આ પછી ૧૦૦થી વધુ વિજ્ઞાનીએ ૨૪ કલાકમાં માત્ર ખામી જ ના શોધી, પરંતુ તેને સુધારી પણ લીધી. ત્યાર બાદ ફરી લોન્ચિંગ માટેની તૈયારી શરૂ થઈ. વિજ્ઞાનીઓએ સાત દિવસ ચોવીસ કલાક કામ કર્યું. આ દરમિયાન કોઈ વિજ્ઞાનીએ ઘરે ફોન સુદ્ધાં ના કર્યો. રોકેટમાં જરૂરી સુધારો કરીને બીજા દોઢ દિવસમાં કેટલાક પરીક્ષણ કર્યા. આમાં સફળતા મળ્યા પછી લોન્ચિંગ માટે નવી તારીખ જાહેર કરી.
અમે ચંદ્ર પર લેન્ડિંગની તારીખ બદલવા નહોતા માગતા. આથી અમે ફરી ગણતરી કરી કે, કેવી રીતે ૭ ડિસેમ્બરે જ ત્યાં પહોંચી શકાય. નક્કી થયું કે, ચંદ્રયાન-૨ પૃથ્વીનું એક ચક્કર ઓછું કાપશે. પહેલાં તે પાંચ ચક્કર મારવાનું હતું, હવે ચાર લગાવશે. તેનાથી સમય બચશે. રોકેટમાં કરાયેલા સુધારાથી તેનું પર્ફોમન્સ ૧૫ ટકા સુધી સુધરી ગયું. લોન્ચિંગ ધાર્યા કરતા સારું રહ્યું. રોકેટે ૧૭ મિનિટ બાદ ચંદ્રયાન-૨ને પૃથ્વીની કક્ષામાં સ્થાપિત કર્યું, ત્યારે તે અગાઉ નક્કી કરેલી કક્ષા કરતા ૬૦૦ કિ.મી. ઉપર હતું.
ચંદ્રયાન હવે ૪૮ દિવસ પછી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરશે. હવે ઇસરો રુટિન પ્રક્રિયા હેઠળ આગામી મિશનની તૈયારીમાં જોતરાઈ ગયું છે. ચંદ્રયાન-૨ના લોન્ચિંગ પછી તુરંત જ અમે આગલા લોન્ચિંગની તૈયારી માટેની ચર્ચા કરી હતી. ચંદ્રયાન-૨ પછી ઇસરોએ આગામી વર્ષે સૌર મિશન લોન્ચ કરવાની યોજના ઘડી છે. સૂર્યના તેજ ચક્રના અધ્યયન માટે ૨૦૨૦ના મધ્યમાં આદિત્ય એલ-૧ને લોન્ચ કરાશે. સૂર્યનું તેજ ચક્રના હજારો કિમી સુધી ફેલાતા તેના બહારના પડને કહે છે.’

ચંદ્રયાન ટીમમાં નારીશક્તિ

નવી દિલ્હીઃ ચંદ્રયાન-૨ની ટીમમાં બે મહિલાએ પણ થાક્યા વગર અનેક મહિનાઓ સુધી કામ કર્યું હતું અને આ મિશનને પાર પાડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા અદા કરી હતી. ભારતમાં પહેલી વખત મહિલા વિજ્ઞાનીઓએ કોઈ યાનને અવકાશમાં તરતું મૂકવાની જવાબદારી સંભાળી હતી. આ મહિલાઓમાં પ્રોજેક્ટ ડિરેકટર મુથૈય્યા વનિતા અને મિશન ડાયરેક્ટર રિતુ કરિધાલનો સમાવેશ થાય છે. તેઓ ચંદ્ર પર યાનને નેવિગેશન આપશે. એક સિવિલ એન્જિનિયરના દીકરી એમ. વનિતા ઇસરોમાં ૩૨ વર્ષથી ફરજ બજાવી રહ્યા છે.
તેમણે ચેન્નઈમાં ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન્સ એન્જિનિયરીંગનો અભ્યાસ કર્યો છે. જ્યારે રિતુ કરિધાલ ૨૨ વર્ષથી એરોસ્પેસ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે.
વનિતા કહે છે કે ‘હું જુનિયર મોસ્ટ એન્જિનિયર તરીકે જોડાઈ હતી. મેં લેબમાં કામ કર્યું હતું. કાર્ટ્સમાં ટેસ્ટિંગ કર્યું હતું. હાર્ડવેર બનાવતી હતી અને એ પછી મેનેજરની પોસ્ટ પર પહોંચી હતી.’ એરોસ્પેસ એન્જિનિયર રિતુ કરિધાલ લખનૌ યુનિવર્સિટી તેમ જ ઇન્ડિયન ઇન્સ્ટિટયૂટ ઓફ સાયન્સ- બેંગલૂરુથી ગ્રેજ્યુએટ થયા છે. તેમણે ઇસરોના મંગલ યાનને મંગળ પર મોકલવામાં પણ મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી. હાલમાં તેઓ ચંદ્રયાન-૨ના મિશન ડિરેક્ટર છે. વનિતા અને રિતુ કરિધાલની જેમ અનેક મહિલાઓ પણ આ મિશન સાથે જોડાયેલી છે. ઇસરોમાં આશરે ૩૦ ટકા સ્ટાફ મહિલાઓનો છે.
ગયા અઠવાડિયે જે ખામીને કારણે ચંદ્રયાનનું ઉડ્ડયન અટકાવી દેવાયું હતું તે ક્રાયોજેનિક એન્જિનની ખામીને દૂર કરનાર એક મિકેનિકલ એન્જિનિયર ડો. એસ. સોમનાથ હાલમાં તિરુવનંતપુરમમાં વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટરના ડિરેક્ટર છે. તેમણે આ ખામી ગણતરીના કલાકોમાં દુર કરી હતી. ૫૮ વર્ષીય પી. કુન્હિકૃષ્ણન્ રોકેટ એન્જિયર છે.

અંતરિક્ષ વિજ્ઞાનમાં સંશોધનના નવા રસ્તા ખૂલશે...

• પાણી, ખનિજની શોધઃ ચંદ્રયાન-૨ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર મેગ્નશિયમ, કેલ્શિયમ અને આયર્ન જેવા ખનિજો શોધવાનો પ્રયાસ કરશે એ ચંદ્રના ઇતિહાસ વિશે પણ ડેટા એકઠો કરશે. જોકે એનું મખ્ય લક્ષ્ય પાણી શોધવાનું છે. જો ચંદ્રયાન ચંદ્રની ધરતી પર પાણી શોધી લે તો વિજ્ઞાન માટે આ વિરાટ પગલું હશે. દક્ષિણ ધ્રુવની ક્રેટર્સ પર સૂર્યનાં કિરણો પહોંચતાં નથી. આથી એમાં અબજો વર્ષથી પાણી જમા થયું હોવાની શક્યતા છે.
• બેઝ કેમ્પની સંભાવનાઃ ચંદ્રની ધરતી પર પાણી ન હોય તો અંતરિક્ષ યાત્રીઓ અહીં ઘણા દિવસો સુધી રહી શકે નહીં. જો ચંદ્રયાન અહીં બરફ શોધી શકે તો પાણીની સમસ્યા દૂર થશે. બરફમાંથી પીવાનું પાણી અને ઓક્સિજન મળી રહશે. આમ થવાથી ચંદ્ર પર બેઝ કેમ્પ પણ બાંધી શકશે. એમાં ચંદ્રને લગતી શોધખોળ થઈ શકશે અને અંતરિક્ષના રહસ્યોને જાણવા માટેના મિશની તૈયારી પણ કરી શકાશે.
• નવું લોન્ચ પેડ બનશેઃ મંગળ ગ્રહ સુધી પહોંચવા માટે ચંદ્રનો લોન્ચ પેડ તરીકે પણ ઉપયોગ કરી શકાશે. આ સિવાય એના પર જે મિનરલ્સ મળશે એનો ભવિષ્યનાં મિશનો માટે ઉપયોગ કરી શકાશે. આનાથી અંતરિક્ષ મિશનનો ખર્ચ પણ ઓછો આવશે. ચંદ્ર પરથી મંગળ પર પહોંચવામાં પણ ઓછો સમય લાગશે. આ રીતે બાકીના ગ્રહો માટે પણ મિશન લોન્ચ કરવામાં આસાની થશે.
• ઊર્જા પેદા કરી શકાશેઃ ચંદ્રના દક્ષિણ ધ્રુવમાં એક હિસ્સો એવો પણ છે જે વધારે ઠંડો કે વધારે અંધારામાં રહેતો નથી. અહીંના શેકલટન ક્રેટર્સ પાસેના હિસ્સામાં સૂર્ય લગાતાર ૨૦૦ દિવસ ચમકતો રહે છે. અહીં વિજ્ઞાનીઓને શોધકાર્યમાં વધારે મદદ મળી શકશે. અહીં સૂર્યનાં કિરણોનો ઉપયોગ કરીને ઊર્જાની આપૂર્તિ કરી શકાશે. આ ઊર્જા મશીનોને ચલાવવા અને અન્ય શોધકાર્ય માટે વાપરી શકાશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter