૨૨ વર્ષ પછી એક મંચ પર બાપા, બાપુ અને મોદી...

Wednesday 03rd January 2018 05:24 EST
 
 

પ્રસંગ હતો ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના શપથ ગ્રહણનો પરંતુ સૌથી વધુ ચર્ચા થઈ રહી છે આ તસવીરની. જેમાં એક જ ફ્રેમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના બે માજી મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા અને કેશુભાઈ પટેલ દેખાય છે. કહેવાય છે કે એક તસવીર હજારો શબ્દોથી વધુ બોલતી હોય છે પરંતુ આ તસવીર તો ગુજરાતના રાજકારણમાં લાખ શબ્દો બરાબર છે.
૧૯૯૫ પછી આ ત્રણે એક મંચ પર એક સાથે આટલા ઉત્સાહથી મળ્યા હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે. ૧૯૯૫માં વાઘેલાએ કેશુભાઈની સરકાર તોડી પાડી હતી અને ત્યાર બાદ ભાજપ છોડી દીધું હતું. તો ૨૦૦૨માં મોદીના ઉદય સાથે જ કેશુભાઈ પણ પડદા પરથી અદૃશ્ય થઈ ગયા હતા. જોકે વચ્ચે વચ્ચે અલગ અલગ રીતે ત્રણે મળતા રહેતા હતા, પરંતુ એક સાથે ૨૨ વર્ષ બાદ જોવા મળ્યા. હજારો લોકોની હાજરીમાં મોદીએ શંકરસિંહ સાથે જોશભેર હાથ મેળવીને કેટલીક ક્ષણો સુધી વાતચીત કરી હતી. તેમની બાજુમાં કેશુબાપા પણ હતા. મોદીએ થોડીક ક્ષણો સુધી બાપુનો હાથ પકડી રાખ્યો હતો. બાપુ હવે કોઈ પક્ષમાં નથી.
સરકાર તરફથી પ્રદીપસિંહ જાડેજા તેમને રૂબરૂ આમંત્રણ આપવા ગયા હતા. બીજી બાજુ રૂપાણીએ પણ ખાસ ફોન કરીને બાપુને હાજર રહેવા આગ્રહ કર્યો હતો. પણ આંતરિક સૂત્રોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં બાપુના પુત્ર મહેન્દ્રસિંહ ભાજપમાં જોડાઈને લોકસભાની ચૂંટણી લડે તો નવાઈ નથી. આ પ્રસંગના કારણે રાજકીય વર્તુળોમાં શપથવિધિ બાદ તેની જ ચર્ચા જોવા મળી હતી. હવે જોવાનું છે કે આ મુલાકાત કેવા અને કેટલા સકારાત્મક પરિણામ ભાજપ માટે લાવી
શકે છે.
ત્રણ વર્ષ અગાઉ વડા પ્રધાન બનીને જ્યારે મોદી ગુજરાત વિધાનસભામાં આવ્યા હતા ત્યારે પોતાના વિદાય ભાષણ બાદ શંકરસિંહ વાઘેલાને કાનમાં કંઈ કહ્યું હતું. ત્યાર બાદ વિધાનસભાના તાત્કાલીન અધ્યક્ષ વજુભાઈ વાળાએ મજાક મજાકમાં કહ્યું હતું કે ‘આ બન્ને એક જ મગના બે ફાડિયા છે.’ હવે જોવાનું એ છે કે એક જ મગના બે ફાડિયા જે ૨૧ વર્ષ અગાઉ અલગ થયા હતા તે ક્યારે એક થશે?


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter