૩૬માંથી ૧૫ પ્રધાનને નબળું કામ નડ્યુંઃ ૭ને નવી જવાબદારી મળશે

Wednesday 05th June 2019 05:53 EDT
 
 

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ૫૭ પ્રધાનોએ શપથ લીધા. તેમાં ૩૬ જૂના પ્રધાનોને ફરીથી તક મળી છે જ્યારે ૨૧ નવા ચહેરાને પહેલી વખત જગ્યા મળી છે. મોદી સરકારના પહેલા કાર્યકાળમાં અંતિમ સમયે ૭૬ પ્રધાન હતા. તેમાંથી ૩૬ પ્રધાનોને બીજી સરકારમાં તક મળી નથી. તેમાં સુષમા સ્વરાજ, સુરેશ પ્રભુ, જે. પી. નડ્ડા, મેનકા ગાંધી, ઉમા ભારતી, સત્યપાલ સિંહ, મહેશ શર્મા, રાજ્યવર્ધનસિંહ રાઠોડ, જયંત સિંહા જેવાં નામનો સમાવેશ થાય છે.
આ વખતે જે ૩૬ પ્રધાનોને પ્રધાનમંડળમાં જગ્યા નથી મળી તેમાંથી ૪ને ખરાબ સ્વાસ્થ્ય, અંદાજે ૧૫ને સારો દેખાવ નહીં કરવાના કારણે, પાંચને ચૂંટણી હારવાના કારણે, ૭ને પક્ષમાં સંભવિત નવી જવાબદારી આપવા માટે પ્રધાનમંડળમાંથી હટાવાયા છે. ૪ને પ્રધાનમંડળના આગામી વિસ્તરણમાં જગ્યા મળવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. એકે યોગ્ય પદ ન મળવાથી પ્રધાનમંડળમાં સામેલ થવાનો ઇનકાર કરી દીધો છે.
બીજી બાજુ કેબિનેટમાં ૨૪ પ્રધાનોમાંથી ૬ નામ એવાં છે જે સીધા આવ્યા છે. ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીએ તો સરકારની રચના પૂર્વે જ મોદીને પત્ર લખીને પ્રધાનમંડળમાં તેમનું નામ સામેલ ન કરવા અનુરોધ કર્યો હતો.

સુષ્માને સ્વાસ્થ્યની સમસ્યા

સુષ્મા સ્વરાજે ખરાબ સ્વાસ્થ્યને કારણ ગણાવીને ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો હતો. સુષ્માએ ટ્વિટ કરીને પાંચ વર્ષ સુધી વિદેશ પ્રધાન તરીકે સેવા કરવાની તક આપવા બદલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માન્યો હતો અને નવી સરકારને શુભેચ્છા પાઠવી.

રાજ્યવર્ધન પ્રદેશ અધ્યક્ષ બનશે?

રાજ્યવર્ધનસિંહ રાઠોડને પણ પ્રધાનમંડળમાં જગ્યા નથી મળી. તેની પાછળનું કારણ રાજસ્થાનનું રાજકારણ હોવાનું જણાવાય છે. રાજ્યવર્ધનને રાજસ્થાનમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ બનાવાઈ શકે છે. હકીકતમાં રાજસ્થાનમાં ભાજપ યુવા ચહેરાને આગળ કરવા માગે છે, કારણ કે કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાઈલટ યુવા ચહેરો છે.

રાધામોહનને જીભ નડી ગઇ

મોદી સરકારના બીજા કાર્યકાળમાં બિહારમાંથી છ પ્રધાન બનાવાયા છે. જોકે, પૂર્વી ચંપારણમાંથી સાંસદ અને પહેલા કાર્યકાળમાં કૃષિ પ્રધાન રહેલા રાધામોહન સિંહને જગ્યા નથી મળી. રાધામોહન બિહાર ભાજપના દિગ્ગજ નેતાઓમાંથી એક છે. રાધામોહનને હટાવવા પાછળ ખેડૂતો પર તેમનાં વિવાદાસ્પદ નિવેદન અને વિભાગીય કામમાં ઢીલાશને કારણ મનાઈ રહ્યું છે.

મેનકા લોકસભા અધ્યક્ષ?

૧૭મી લોકસભાના સૌથી વરિષ્ઠ સાંસદ અને મોદી સરકારના પહેલા કાર્યકાળમાં કેન્દ્રીય મહિલા અને બાળવિકાસ પ્રધાન રહેલાં મેનકા ગાંધીને પણ નવી સરકારમાં જગ્યા નથી અપાઈ. જોકે, તેમના અંગે કહેવાય છે કે તે લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજનનું સ્થાન લઈ શકે છે. તે પ્રોટેમ સ્પીકર પણ બની શકે છે.

અનુપ્રિયાનો ઇન્કાર

અનુપ્રિયા પટેલ ઉત્તર પ્રદેશમાં અપના દળનાં અધ્યક્ષ છે. મોદીના પહેલા કાર્યકાળમાં તેમને રાજ્યપ્રધાન બનાવાયા હતા. આ વખતે પણ તેમને રાજ્યપ્રધાન બનવાના હતાં. જોકે તેમણેઆ પદ લેવાનો ઇનકાર કરી દીધો. તે કેબિનેટ અથવા રાજ્યપ્રધાન તરીકે સ્વતંત્ર હવાલો ધરાવતું મંત્રાલય ઇચ્છતા હતા. ઉત્તર પ્રદેશમાં તેમના પક્ષના ૨ સાંસદો ચૂંટાઈને આવ્યા છે. અપના દલ રાજ્ય સરકારમાં પણ સહયોગી છે.

સરકારમાં જેડી (યુ) નહીં

નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના શપથ લે તે પહેલાં જ જનતા દળ (યુ) અને ભાજપ વચ્ચે તકરાર શરૂ થઇ હતી. મોદી સરકારના નવા પ્રધાનમંડળમાં અપના દળ અને જનતા દળ (યુ) બન્ને સામેલ નથી. જેડી (યુ)ને આશા હતી કે તેને બે કેબિનેટ દરજ્જા અને એક રાજ્યકક્ષાના પ્રધાનપદ મળશે. જોકે ભાજપે તેનેને માત્ર એક કેબિનેટ પ્રધાનપદની ઓફર કરતાં તેણે ઓફર ફગાવીને સરકારની બહાર રહેવા નિર્ણય લીધો હતો. સુત્રોના જણાવ્યા મુજબ નીતીશ કુમાર ઇચ્છતા હતા કે આર.સી.પી. સિંહ અને લલ્લન સિંહને કેન્દ્રીય પ્રધાનપદ અને સંતોષ કુશવાહાને રાજ્ય પ્રધાનપદ અપાય. નીતીશ કુમાર વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં જાતિગત સમીકરણ બેસાડવા આમ ઇચ્છતા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter