૪૬ વર્ષે માતા-પુત્રીનું પુનર્મિલન

‘ડસ્ટબિન બેબી’ની બમ્બૈયા ફિલ્મ જેવી રિયલ લાઇફ સ્ટોરી

Wednesday 17th June 2015 06:28 EDT
 
 

લંડન: તમે ઘણી હિન્દી ફિલ્મોમાં એવું સ્ટોરી નિહાળી હશે, જેમાં નબળી પળે માતૃત્વ ધારણ કરી લેનારી યુવતીને સંજોગોને વશ થઇને તેના નવજાત સંતાનને લાવારિસ તરછોડી દેવાની ફરજ પડી હોય. વર્ષોના વીતવા સાથે તેમનું પુનર્મિલન થાય અને પરિવારમાં આનંદ-ઉલ્લાસનું મોજું ફરી વળે...
તમે ભલે ફિલ્મીપરદે આવી કહાણી નિહાળી હોય, અહીં લંડનની ધરતી પર બમ્બૈયા ફિલ્મ જેવો સાચુકલો કિસ્સો નોંધાયો છે. એન્જી સ્મિથ નામની એક મહિલાએ પોતાની બાળકીને જન્મ આપ્યાના થોડા જ સમય બાદ કચરાપેટીમાં નાંખી દીધી હતી. સમયના વહેવા સાથે માતા એન્જીએ તો કઠણ કાળજે વાતને હૃદયમાં ભંડારી દીધી હતી, પણ ૪૬ વર્ષ બાદ પુત્રી મિશેલ રૂનિએ તેને તરછોડનાર માતાને શોધી કાઢી અને તેમનું પુનર્મિલન થયું.
નોર્થ-ઇસ્ટ લંડનના વોલ્ધેમસ્ટોની ૧૬ વર્ષની ટીનેજર એન્જી સ્મિથ ૧૭ નવેમ્બર, ૧૯૬૮ના રોજ પોતાની નવજાત બાળકીને એક લોન્ડ્રી બેગમાં મૂકીને ડસ્ટબિનમાં નાખી દઇને ત્યાંથી જતી રહી. એન્જીએ લગ્ન કર્યાં હતાં, પણ ડિવોર્સ લીધા બાદ તે પ્રેગ્નન્ટ બની હતી. આથી તેણે પરિવારજનોથી પોતાની પ્રેગ્નન્સીની વાત છુપાવી અને બાળકીને એકલા હાથે જન્મ આપીને ડસ્ટબિનમાં તરછોડી દીધી. જોકે બાદમાં આ બાળકીને એક નર્સે ડસ્ટબિનમાંથી ઊઠાવી લીધી અને તેની સારસંભાળ લીધી. બાદમાં એક પરિવારે આ બાળકીને દત્તક લીધી અને તેણે બાળકીનું પાલનપોષણ કરીને ઉછેરી.
ડસ્ટબિન બેબી તરીકે ખ્યાતિ
આ બાળકીને જ્યારે પોલીસ કર્મચારીએ દત્તક લીધી ત્યારે આ કિસ્સો સ્થાનિક મીડિયામાં બહુ જ ચગ્યો હતો અને મીડિયાએ તેને ‘ડસ્ટન બેબી’ નામ આપ્યું હતું. દત્તક લેનાર પરિવારે બાદમાં બાળકીને ‘મિશેલ’ નામ આપ્યું. જોકે મિશેલથી એ વાત છુપાવવામાં આવી હતી કે તેને જન્મ બાદ તેની માતાએ ડસ્ટબિનમાં ફેંકી દીધી હતી.
૨૧ વર્ષની વયે હકીકતનો ખ્યાલ
જ્યારે મિશેલ ૨૧ વર્ષની થઇ ત્યારે તેણે પોતાની બાળપણની તસવીર એક જૂના અખબારમાં નિહાળી. સાથોસાથ તેણે એ સમયે ‘ડસ્ટબિન બેબી’ તરીકે જે આર્ટિકલ્સ છપાયા હતા તે પણ વાંચ્યા અને તેનું હૃદય જાણે ભાંગી ગયું.
જોકે તેણે કદાચ મનમાં એક ગાંઠ વાળી લીધી હતી કે ગમે તે ભોગે મારા માતા-પિતાને શોધી કાઢીશ અને મને તરછોડી કેમ દીધી તેનું કારણ પણ પૂછીશ. તેણે પ્રયાસ શરૂ કર્યા. ઘાસની ગંજીમાંથી સોય શોધવા જેટલું આ કપરું કામ હતું, પણ તે હિંમત ન હારી. મહેનત શરૂ કરી અને આજે માતા તેની સાથે છે.
અને મિશેલે જાતે પિતા-માતાને શોધ્યા
મિશેલે આજે ૪૬ વર્ષની વયે માતા એન્જીને શોધી કાઢી છે, જ્યારે પિતા જ્હોન ગુડને તો તેણે ગયા વર્ષે - તે ૪૫ વર્ષની હતી ત્યારે - જ શોધી લીધા હતા. જોકે પિતા સાથે મિલન થયું તેનાં એક વર્ષમાં જ તેમનું નિધન થઇ જતાં પિતાનું સુખ ન મળ્યું. તેણે માતાની શોધ માટે અખબારોમાં જાહેરાત આપી, પણ ક્યાંયથી કોઇ ભાળ ન મળી. બાદમાં માતાને પરત આવવા માટે ઓનલાઇન અપીલ કરી, જે માતા એન્જી સ્મિથની નજરે પડી.
બાદમાં માતા એન્જીએ પુત્રીને એક ઇ-મેલ કર્યો અને સાથે પોતાની તસવીર તથા એડ્રેસ મોકલ્યા. આમ માતા-પુત્રીનું મિલન થયું.
‘હું તેને રોજ યાદ કરતી હતી...’
માતા એન્જીને પણ નવજાત દીકરીને ત્યજી દીધા બાદ બહુ અફસોસ થયો હતો, પરંતુ પછી તેની પાસે પુત્રીનો કોઇ અતોપતો નહોતો. માતા-પુત્રીનું મિલન થયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં એન્જીએ પોતે આવું પગલું કેમ ભર્યું હતું તેની માંડીને વાત કરી હતી.
એન્જી કહે છે કે ‘હું ૧૬ વર્ષની નાની વયે બે દીકરાની માતા બની ગઇ હતી અને વળી પાછા મેં ડિવોર્સ લીધા હતા. મારા આવા કરતૂતોથી ત્રાસી ગયેલી માતાએ એવી ચીમકી આપી હતી કે હવે જો તેં કોઇ શરમજનક કામ કર્યું છે તો હું એવું પગલું ભરીશ કે તું માતા તરીકે જવાબદારી નિભાવવા ગેરલાયક ઠરીશ અને તારા બન્ને દીકરા પણ તારાથી દૂર થઇ જશે. આ દરમિયાન હું મિલ્કમેન જ્હોન ગુડના સંપર્કમાં આવી. અમારો સંબંધ થોડોક સમય જ રહ્યો, પણ હું પ્રેગનન્ટ થઇ ગઇ...

...આ વાતની જાણ થતાં જ હું ફફડી ગઇ હતી કેમ કે મને મારી માતાની ચીમકી યાદ હતી. હું તેની આ વાતથી બહુ ડરેલી હતી. મારા બન્ને પુત્રો તો મારી નજર સામે હતા અને હું તેમને બહુ જ પ્રેમ કરતી હતી, જ્યારે પેટમાં ઉછરી રહેલા સંતાનનું તો મેં મોઢું પણ જોયું ન હોવાથી તેના માટે આવું કોઇ લાગણીભર્યું બંધન નહોતું. આથી સંતાન પેટમાં હતું ત્યારે જ મેં તેને તરછોડવાનો નિર્ણય કરી લીધો હતો...
...મારી પુત્રીને મેં તરછોડી તો દીધી હતી, પણ એવો એકે ય દિવસ નહોતો કે મેં તેને યાદ ન કરી હોય. હું તેને શોધવા માગતી હતી, પણ એ ખ્યાલ નહોતો કે તેને કેવી રીતે શોધું. વળી, મનમાં એવો ભય પણ હતો કે કદાચ તે મળી જશે તો પણ મને માતા તરીકે તો નહીં જ અપનાવે, કેમ કે મેં તેને ડસ્ટબિનમાં નાખી દીધી હતી.’
જોકે એન્જીની આશંકા ખોટી પુરવાર થઇ. મિશેલે માતાને શોધી એટલું જ નહીં, તેને આ કૃત્ય બદલ માફ પણ કરી દીધી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter