‘અમ્મા’ની અલવિદા

Wednesday 07th December 2016 05:15 EST
 
 

ચેન્નઈઃ તામિલનાડુનાં મુખ્ય પ્રધાન જે. જયલલિતાનું સોમવારે મોડી રાત્રે નિધન થયું છે. ‘અમ્મા’ના હુલામણા નામે તામિલ પ્રજાના દિલ પર રાજ કરતાં ૬૮ વર્ષનાં આ લોકનેતાના નિધનના સમાચાર વહેતા થતાં જ રાજ્યમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. સમર્થકો અને પ્રસંશકો હોસ્પિટલ સંકુલ બહાર હૈયાફાટ રુદન કરવા લાગ્યા હતા. મંગળવારે સાંજે મરીના બીચ ખાતેના એમજીઆર મેમોરિયલ ખાતે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમની અંતિમવિધિ થઇ ત્યારે સમર્થકોના ‘અમ્મા અમર રહો’ના નારાથી આસમાન ગાજી ઉઠ્યું હતું. જયલલિતાના પાર્થિવ દેહને રાજકીય ગુરુ એમ.જી. રામચંદ્રનની બાજુમાં જ ચંદનના તાબૂતમાં દફનાવાયો હતો. તામિલનાડુમાં ૭ દિવસના રાજકીય શોકની જાહેરાત થઇ છે. રાજ્યના તમામ શાળા સ્કૂલોમાં ૭ દિવસ માટે બંધ રાખવાના આદેશ થયા છે. જયલલિતાના અનુગામી તરીકે તેમના વિશ્વાસુ પનીરસેલ્વમે સોમવારે મોડી રાત્રે શપથ લીધા હતા.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શોકસંવેદના પાઠવતાં કહ્યું કે જયલલિતાનાં અવસાનથી રાજકારણને ખોટ પડી છે. જયલલિતા લોકો, ખાસ કરીને ગરીબો અને મહિલાઓ સાથે સીધા સંકળાયેલાં હતાં. તેઓ પ્રેરણારૂપ બની રહ્યાં છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી, ગૃહ પ્રધાન રાજનાથ સિંહ, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ સહિતના રાજકીય આગેવાનોએ ‘અમ્મા’ને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પૂર્વે જયલલિતાના પાર્થિવ દેહને લોકોના દર્શનાર્થે રાજાજી હોલ ખાતે મૂકાયો હતો, જ્યાં લાખો સમર્થકોએ તેમને ભાવભીની અંજલિ અર્પી હતી. જેમાં પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયા, ફિલ્મસ્ટાર રજનીકાંત સહિતના મહાનુભાવોએ પુષ્પાંજલિ અર્પીને તેમના પ્રદાનને બિરદાવ્યું હતું. આ પૂર્વે મંગળવારે સવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી ચેન્નઇ પહોંચ્યા હતા અને જયલલિતાને અંજલિ આપી હતી. રાષ્ટ્રપતિ પ્રણવ મુકરજી પણ અંતિમવિધિમાં હાજરી આપવા ચેન્નઇ પહોંચવા રવાના થયા હતા, પણ વિમાનમાં ટેક્નિકલ ખામી સર્જાતા તેમને અધવચ્ચે જ દિલ્હી પરત ફરવું પડ્યું હતું.

૭૫ દિવસથી હોસ્પિટલમાં

છેલ્લા ૭૫ દિવસથી એપોલો હોસ્પિટલમાં સારવાર લઈ રહેલાં જયલલિતાને રવિવારે કાર્ડિયાક એરેસ્ટ બાદ એન્જિયોપ્લાસ્ટી કરાઇ હતી. આ પછી તેમને એડવાન્સ લાઇફ સપોર્ટિંગ સિસ્ટમ પર રખાયાં હતાં. સોમવારે એપોલો હોસ્પિટલે યાદીમાં જાહેર કર્યા અનુસાર કાર્ડિયાક એરેસ્ટને કારણે જયલલિતાનું નિધન થયું છે. જયલલિતા ૨૨ સપ્ટેમ્બરથી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે કેટલાક વિરોધાભાસી અહેવાલોના કારણે સોમવારે ભારે અસમંજસભરી સ્થિતિ સર્જાઇ હતી.
 એક તબક્કે ત્રણ સ્થાનિક ટીવી ચેનલોએ જયલલિતાના નિધનના અહેવાલો જારી કરતાં જ એઆઈએડીએમકેનાં મુખ્ય મથકે પાર્ટીનો ધ્વજ અડધી કાઠીએ ફરકાવાયો હતો. જોકતે બાદમાં એપોલો હોસ્પિટલે જયલલિતા ગંભીર હાલતમાં જીવિત હોવાનું નિવેદન જારી કરતાં ધ્વજ ફરી યથાસ્થાને ફરકાવાયો હતો.

‘લોહમહિલા નથી રહ્યાં’

જયલલિતાની સ્થિતિ ગંભીર હોવાના સમાચારો વહેતા થતાં રવિવાર રાતથી જ ચેન્નઇની એપોલો હોસ્પિટલ ખાતે હજારોની સંખ્યામાં જયલલિતાના પ્રશંસકો ઊમટી પડયાં હતાં. એપોલો હોસ્પિટલ જતાં તમામ માર્ગો પર એટલો વિશાળ માનવ મહેરામણ ઊમટયો હતો કે તેમને નિયંત્રણમાં રાખવા રેપિડ એક્શન ફોર્સ સહિતની પોલીસ ટુકડીઓનો વિશાળ કાફલો બંદોબસ્ત માટે મૂકવો પડ્યો હતો. તેમના નિધનના સમાચાર મળતાં જ મહિલાઓ, પુરુષોની આંખોમાંથી ચોધાર આંસુ વહી રહ્યાં હતાં. પુરાત્ચી થલૈવી અમર રહો અને શતાયુ બનોના નારા હવામાં ગુંજી રહ્યા હતા. એઆઇએડીએમકેએ કહ્યું હતું કે ભારતના લોહમહિલા હવે આપણી વચ્ચે નથી રહ્યાં.

પુરાતચ્ચી થલાઈવી

એક સમયે પોતાના ખજાનામાં સેંકડો જોડી ચંપલ, હજારો સાડીઓ અને તમામ લક્ઝરી વસ્તુઓ રાખવાનાં શોખીન જયલલિતા આજે પ્રજાના જ નહીં, પ્રધાનોનાં પણ મા સમાન છે. આથી જ તેમના ફોટો વગરની કેબિનેટ બેઠક પણ થતી નથી, તેમની ખુરશી પર કોઈ બેસતું નથી. ભ્રષ્ટાચારના આરોપસર જેલમાં જઈ આવેલાં જયલલિતાની ‘અમ્મા’ની છાપ એટલી ઊંડી હતી કે ૨૦૧૬ની વિધાનસભાની ચૂંટણીમાં તે જીતીને ફરી સત્તા પણ આવી ગયાં છે.
પોતાના જીવન પરની એક ચર્ચામાં જયલલિતાએ જણાવ્યું હતું કે મારી જિંદગીના એક તૃતિયાંશ હિસ્સા પર માતાનો અને બીજા એક તૃતિયાંશ હિસ્સા પર એમજીઆરનો પ્રભાવ રહ્યો હતો. મારી જિંદગીનો એક તૃતિયાંશ હિસ્સો જ મારો રહ્યો છે. જેમાં મારે તમામ જવાબદારી અને કર્તવ્ય પૂરાં કરવાના છે. એઆઈડીએડીએમકેના સાંસદ વિધાયક, નેતા અને સમર્થક જયલલિતાને અમ્મા અને પુરાતચ્ચી થલાઈવી એટલે કે ક્રાંતિકારી નેતા તરીકે સંબોધે છે.

પનીરસેલ્વમ્ બન્યા અનુગામી

એઆઈએડીએમકેએ તાકીદની સ્થિતિમાં જયલલિતાના ઉત્તરાધિકારી નીમવા માટે એપોલો હોસ્પિટલ ખાતે જ પક્ષના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી. બેઠકમાં ઉત્તરાધિકારીનો કળશ જયલલિતાના અત્યંત વફાદાર મનાતા પનીરસેલ્વમ્ પર ઢોળવામાં આવ્યો હતો. ધારાસભ્યોએ પનીરસેલ્વમને મુખ્ય પ્રધાનપદે સમર્થન આપતાં સોગંદનામા પર હસ્તાક્ષર કર્યા હતા. જયલલિતાના નિધનની જાહેરાત પછી એઆઈએડીએમકેના ધારાસભ્યોએ પનીરસેલ્વમને વિધાનસભા પક્ષના નેતા પદે પસંદ કર્યા હતા. બાદમાં તેઓ પક્ષના વરિષ્ઠ નેતાઓ સાથે રાજયપાલને મળ્યા હતા.
પનીરસેલ્વમને ૨૦૦૧માં થોડા મહિના માટે રાજ્યના મુખ્ય પ્રધાન બનાવાયા હતા. આ પછી ૨૦૧૪માં અપ્રમાણસર સંપત્તિના કેસમાં અદાલતનો ચુકાદો જયલલિતાની વિરુદ્ધ આવતાં તેમણે જયલલિતા વતી મુખ્ય પ્રધાન તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો. ૨૦૦૧માં મુખ્ય પ્રધાન બન્યા ત્યારે પનીરસેલ્વમ્ મુખ્ય પ્રધાનની ખુરશીની બાજુમાં બેસીને રાજ્યનો વહીવટ ચલાવતા હતા.
મારવાર જાતિના પનીરસેલ્વમે ૧૯૮૦ના દાયકામાં પોતાના વતન થેન જિલ્લામાં ચાની કીટલી શરૂ કરી હતી. તેઓ એમજીઆરના પ્રશંસક હતા. એમજીઆરનાં વિધવા જાનકી સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. ૧૯૯૯માં શશિકલાના ભાણેજને ચૂંટણી જીતવામાં મદદ કર્યા બાદ પનીરસેલ્વમ્ જયલલિતાની વધુ નજીક આવ્યા હતા. ૨૦૦૧માં તેમને કેબિનેટ કક્ષાના પ્રધાન બનાવાયા હતા.

ફક્ત પાંચને પ્રવેશની પરવાનગી

છેલ્લા ૭૫ દિવસથી એપોલો હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા જયલલિતાના રૂમમાં ફક્ત પાંચ લોકોને પ્રવેશની પરવાનગી હતી. તેમની કાળજી લેતી નર્સ પોતાની સાથે ફોન પણ રાખી શક્તી નહોતી. જયલલિતાની સારવાર કરતા ડોક્ટર અને કર્મચારી તેમના અંગે કોઇ વાત કરવા તૈયાર થતા નથી. એપોલોના દરેક કર્મચારીના ફોન ઇન્ટેલિજન્સ સેવાઓના સર્વેલન્સ પર મૂકી દેવામાં આવ્યાં હતા. જયલલિતાની બીમારી અંગે માહિતી આપનાર ચાર કર્મચારીને નોકરીથી હાથ ધોવા પડયાં હતાં. તેમના રૂમમાં જયલલિતાની સખી શશિકલા, ફેમિલી ડોક્ટર શિવ કુમાર, ગવર્નર અને અન્ય બે વ્યક્તિને જ પ્રવેશની પરવાનગી હતી. તેમનું મૃત્યુ થતાં એપોલો હોસ્પિટલ બહાર સન્નાટો ફેલાઇ ગયો હતો. એપોલો હોસ્પિટલથી તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં તેમનાં નિવાસસ્થાન પોએસ ગાર્ડન લઇ જવામાં આવ્યો હતો. મૃતદેહને અંતિમ દર્શન માટે ચેન્નઇના રાજાજી હોલમાં મૂકાયો હતો.

આઘાતથી બેનાં મૃત્યુ

જયલલિતાને કાર્ડિયાક એરેસ્ટ થયાના સમાચાર જાણીને આઘાતમાં સરી પડેલાં બે સમર્થકોના મૃત્યુ થયા હતા. કોઇમ્બતુરમાં એઆઇએડીએમકેના જનરલ સેક્રેટરી તરીકે કામ કરતાં ૬૨ વર્ષીય પલનિયામ્મલે રવિવારે રાત્રે જયલલિતાની સ્થિતિ અંગે જાણવાનો પ્રયાસ કર્યો હતો. જયલલિતાને કાર્ડિયાક એરેસ્ટ થયાનું જાણી સ્ટ્રોકને કારણે તેમનું મૃત્યુ થયું હતું. આ જ રીતે જયલલિતાની બીમારીના સમાચાર મળતાં કુડ્ડાલોર જિલ્લામાં પક્ષના કાર્યકર નેલાગંડનનું આઘાતથી મૃત્યુ નીપજ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ ઓક્ટોબરમાં જયલલિતાનાં આરોગ્ય અંગેની અફવાથી એઆઇએડીએમકેના ૪૭ વર્ષીય કાર્યકરનું કોઇમ્બતૂરમાં મૃત્યુ થયું હતું. જયલલિતા તેમના પ્રશંસકોનાં હૃદયમાં ભગવાન તરીકે પૂજાય છે. જયલલિતા માટે જીવ આપવા તેમના હજારો પ્રશંસકો ખડે પગે તૈયાર રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter