નવી દિલ્હીઃ ‘આપ’ના સાત સાંસદોના ભાજપપ્રવેશને રાજ્યસભાના ચેરમેન સી.પી. રાધાક્રિષ્નને સોમવારે સત્તાવાર મંજૂરી આપી તે સાથે જ ઉપલા ગૃહમાં અરવિંદ કેજરીવાલના પક્ષના સાંસદોની સંખ્યા ઘટીને ત્રણ રહી ગઈ છે. જ્યારે ભાજપના રાજ્યસભા સાંસદોની સંખ્યા 113 અને એનડીએની સભ્યસંખ્યા 148 થઈ છે. ‘આપ’ના જે સાંસદોનો ભાજપમાં વિલય થયો છે તેમા રાઘવ ચઢ્ઢા, અશોક મિત્તલ, હરભજનસિંઘ, વિક્રમજીત સાહની, સ્વાતિ માલીવાલ અને રાજિન્દર ગુપ્તાનો સમાવેશ થાય છે.
‘આપ’ સાથે છેડો ફાડનાર આ સાતેય સાંસદોએ શુક્રવારે રાજ્યસભાના ચેરમેનને વિનંતી કરી હતી કે તેમને વિલય પછી ભાજપના સભ્ય તરીકે મંજૂરી આપવામાં આવે. રાજ્યસભાના ચેરમેને તેમની માંગ સ્વીકારી લીધી હતી. આ પહેલા ‘આપ’એ સાતેય સાંસદ સામે કાર્યવાહી કરવાની માંગ કરી અઘોષિત કરવા માંગ કરી હતી.
ગયા શુક્રવારે આમ આદમી પાર્ટી (‘આપ’)ને ત્યારે ઝાટકો લાગ્યો હતો જ્યારે તેના રાજ્યસભાના સાત સાંસદે પક્ષ છોડી ભાજપમાં ભળવાની જાહેરાત કરી. આ નેતાઓએ આરોપ લગાવ્યો હતો કે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળો પક્ષ તેના મૂળ સિદ્ધાંતો અને મૂલ્યો પરથી ભટકી ગયો છે. રાઘવ ચઢ્ઢાએ જણાવ્યું હતું કે દસમાંથી સાત સાંસદોએ પક્ષ છોડ્યો હોવાથી તેમને પક્ષપલટા ધારો લાગુ પડતો નથી.
પક્ષ હવે રસ્તો ભટકી ગયો છેઃ રાઘવ ચઢ્ઢા
‘આપ’ સાથે છેડો ફાડનાર રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આમ આદમી પાર્ટીને મેં 15 વર્ષ સુધી મારા ખૂન -પસીનાથી સિંચી છે. પાર્ટી હવે રસ્તો ભટકી ગઈ છે. મેં મારી યુવાનીનાં 15 વર્ષ પાર્ટીને આગળ લાવવા માટે ખર્ચ્યા હતા. પાર્ટી હવે તેનાં મૂલ્યો - સિદ્ધાંતો અને નૈતિકતાથી રસ્તો ભટકી ગઈ છે. પાર્ટી હવે દેશનાં હીતમાં કામ કરતી નથી. પોતાના અંગત ફાયદા માટે તે કામ કરે છે. છેલ્લા કેટલાક વર્ષોથી મને લાગી રહ્યું હતું કે હું ખોટી પાર્ટીમાં રહીને કામ કરતો યોગ્ય વ્યક્તિ છું. આથી આજે હું મારી જાતને પાર્ટીથી અલગ કરવાની જાહેરાત કરું છું અને જનતાની વધારે નજીક આવી રહ્યો છું,
કેજરીવાલની મનમાનીથી નેતાઓમાં ગુસ્સો
પાર્ટીના સાંસદોના બળવા માટે દિલ્હીની ચૂંટણીમાં પાર્ટીનો પરાજય મહત્વનું કારણ બન્યો છે. દિલ્હીમાં હાર પછી કેજરીવાલે મનમાની શરૂ કરી હતી. સંદીપ પાઠકને હાંસિયામાં ધકેલી દીધા હતા. 2022થી 2024 સુધી તમામ ચૂંટણીમાં પાઠક જ મહત્વની ભૂમિકા નિભાવતા હતા. આ
પછી તેમને છત્તીસગઢનાં પ્રભારી બનાવી દેવાયા હતા. આ ઉપરાંત નાણાકીય વ્યવહાર પણ તેઓ જ સંભાળતા હતા. અન્ય નેતાઓને વિશ્વાસમાં લેતા નહોતા.
‘આપ’ઃ ક્યા સે ક્યા હો ગયા...
દેશમાં કોંગ્રેસશાસિત યુપીએ સરકારના સમયમાં ભ્રષ્ટાચારવિરોધી આંદોલનમાંથી 14 વર્ષ પહેલાં આમ આદમી પાર્ટી (‘આપ’)નો ઉદય થયો. ત્યાર પછી ‘આપ’ને અનેક નાના-મોટા ફટકા પડયા હતા, પરંતુ એકસાથે સાત રાજ્યસભા સાંસદોના રાજીનામાએ ‘આપ’ને અત્યાર સુધીનો સૌથી મોટો ફટકો આપ્યો હતો. નવી દિલ્હીમાં વર્ષ 2012માં ભ્રષ્ટાચાર સામે રસ્તા પર દેખાવો અને નાગરિકોના ગુસ્સાના પગલે નવેમ્બરમાં આમ આદમી પાર્ટીની સ્થાપના કરાઈ હતી. ભ્રષ્ટાચારના આંદોલનમાંથી ઊભા થયેલા પક્ષે દિલ્હીની ચૂંટણીઓમાં એક પછી એક વિજયો મેળવ્યા. 2013માં પહેલો, પછી 2015માં વિધાનસભા ચૂંટણીઓ જીતી અને 2020માં પંજાબમાં પણ પક્ષે સત્તા મેળવી. જોકે, ‘આપ’ની સ્થાપનામાં મહત્વનું યોગદાન આપનારા એક્ટિવિસ્ટ્સ, પ્રોફેશનલ્સ અને પહેલી વખત રાજકારણમાં કૂદનારી સેલિબ્રિટીઓ થોડાક જ સમયમાં એક પછી એક પક્ષથી દૂર થવા લાગી. જેમાં સૌથી પહેલાં વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણ, એક્ટિવિસ્ટ યોગેન્દ્ર યાદવે પક્ષ છોડયો હતો. ત્યાર પછી ધીમે ધીમે કુમાર વિશ્વાસ સહિત પક્ષના સ્થાપક સભ્યોમાંથી અનેક લોકો ‘આપ’થી દૂર થઈ ગયા.
જોકે, છેલ્લા 14 વર્ષમાં ‘આપ’ છોડનારા લોકોએ એક-એક કરીને પક્ષ છોડયો હતો.
પરંતુ રાઘવ ચઢ્ઢાના નેતૃત્વમાં એક સાથે સાત સાંસદોએ ‘આપ’માંથી રાજીનામું આપી દીધું. પરિણામે હવે રાજ્યસભામાં પક્ષની સ્થિતિ નબળી થઈ ગઈ છે. વધુમાં એક સાથે સાત સાંસદોના રાજીનામાએ પક્ષની અંદરની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે.
એક સમયે સામૂહિક નેતૃત્વ અને વિકેન્દ્રીત પ્રકૃતિ આમ આદમી પાર્ટીની ઓળખ હતી, પરંતુ સમય જતાં હવે પક્ષ માત્ર અરવિંદ કેજરીવાલના નેતૃત્વ પર કેન્દ્રીત થઈ ગયો છે. વધુમાં સાત સાંસદોના રાજીનામાનો સમય ખૂબ મહત્વપૂર્ણ છે. આગામી વર્ષની શરૂઆતમાં પંજાબ અને ત્યાર પછી ગોવા તથા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. ‘આપ’ હાલમાં દિલ્હી બહાર પોતાને મજબૂત કરવાના પ્રયત્નો કરી રહ્યો છે ત્યારે આ રાજીનામાઓએ તેના આ પ્રયાસનો ફટકો પહોંચાડયો છે.
પક્ષ સાચા રસ્તે હોત તો આવું
ના બન્યું હોતઃ અણ્ણા હજારે
એક સાથે સાત સાંસદોએ રાજીનામું આપતાં પક્ષમાં રહેલો આંતરકલહ સામે આવી ગયો છે. આ કિસ્સામાં સમાજસેવક અણ્ણા હજારેની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમના ભ્રષ્ટાચારવિરોધી આંદોલન પછી જ આમ આદમી પાર્ટીનું સર્જન થયું હતું. જોકે અણ્ણા હજારે રાજકીય પક્ષની રચના સાથે સહમત નહોતા. અણ્ણા હજારેનું કહેવું છે કે સાંસદોએ પક્ષ છોડ્યો તેનો અર્થ એટલો જ નીકળે કે પક્ષમાં બધું ઠીક નથી ચાલી રહ્યું. લોકશાહીમાં પોતાની વાત મુકવાનો તમામને અધિકાર છે. ચઢ્ઢા અને અન્ય લોકોને કોઇક મુશ્કેલી તો પડી જ હશે. તેથી જ તેમણે પક્ષ છોડ્યો હશે. પક્ષ સાચા રસ્તે ચાલ્યો હોત તો તે લોકો પક્ષથી બહાર ના જાત. અન્ય કારણો પણ હોઈ શકે છે. પરંતુ લોકશાહીમાં તો દરેકને અધિકાર છે કે વ્યક્તિ ઈચ્છે તો કોઈપણ પક્ષમાં રહી શકે છે કે તેને છોડી શકે છે.


