નવી દિલ્હીઃ ભારતમાં છાશવારે આતંકવાદી હુમલા કરાવનારા કાયર પાકિસ્તાનને ઘરમાં ઘૂસીને પાઠ ભણાવનારા ભારતીય સૈન્યના પરાક્રમને સમગ્ર વિશ્વએ પુરાવા સાથે નિહાળ્યું છે. ભારતીય સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ અન્વયે પાકિસ્તાન અને પાકિસ્તાન કબજાગ્રસ્ત કાશ્મીર (પીઓકે)માં આવેલી 9 આતંકવાદી છાવણીઓ તબાહ કરી દીધી હોવાનું જગજાહેર છે.
100 આતંકી, 40 પાક. જવાન ઠાર
ભારતીય સેનાના ડીજીએમઓએ રવિવારે પત્રકાર પરિષદમાં આતંકવાદી છાવણીઓ અને એરફિલ્ડ્સ નષ્ટ કર્યાના નક્કર પુરાવા રજૂ કર્યા હતાં. ભારતીય સેનાએ 100 આતંકવાદીઓ ઉપરાંત પાકિસ્તાની સેનાના 40 જેટલા જવાનોને પણ ઠાર માર્યા હતા.
પાકિસ્તાનની નાપાક હરકતોનો જડબાતોડ જવાબ આપવાનો નિર્ધાર વ્યક્ત કરતાં સેનાએ ‘ઓપરેશન સિંદૂર’ ચાલુ જ રાખવાનું એલાન કર્યું છે. ડાયરેક્ટર જનરલ ઓફ મિલિટરી ઓપરેશન (DGMO) લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈ સાથે એર માર્શલ એ.કે. ભારતી, વાઈસ એડમિરલ એ.એન. પ્રમોદ અને મેજર જનરલ એસ.એસ. શારદાએ પત્રકાર પરિષદમાં ‘ઓપરેશન સિંદૂર’માં મળેલી સફળતાને પુરાવા સાથે રજૂ કરી હતી અને પાકિસ્તાનને નહીવત હાનિ પહોંચી હોવાના દાવાઓને જૂઠ્ઠા ઠેરવ્યા હતા.
ડીજીએમઓ ઘાઈએ કહ્યું હતું કે, પાકિસ્તાની સૈન્યના 35-40 જવાન અને અધિકારીને ઠાર મરાયા છે જ્યારે ભારતે પાંચ વીર યોદ્ધા ગુમાવ્યા છે. શનિવારે પાકિસ્તાનના ડીજીએમઓનો સામેથી કોલ આવ્યો હતો અને હુમલા રોકવા વિનંતી કરી હતી, જેના પગલે બપોરે બંને દેશના ડીજીએમઓ ફાયરિંગ તથા સૈન્ય કાર્યવાહી રોકવા સંમત થયા હતા.’
‘ઓપરેશન સિંદૂર’નું સમાપન થયું હોવાના અહેવાલોને નકારી કાઢતાં ભારતીય હવાઇદળે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ હજુ ચાલુ જ છે. તેને સોંપવામાં આવેલી જવાબદારીનું વહન કરવામાં ભારતીય હવાઈ દળ સફળ રહ્યું છે.
ભારતના તમામ પાયલટ્સ સલામત
એક પ્રશ્નના જવાબમાં ભારતીય વાયુ દળના એર માર્શલ એ કે ભારતીએ કહ્યું હતું કે પાકિસ્તાની સેનાના વિમાનો ચોકક્સપણે તોડી પડાયા છે. ભારતની સરહદમાં ઘૂસવા પ્રયાસ કરી રહેલા પાકિસ્તાનના ફાઈટર જેટ્સને રોકવા માટે હુમલા કરવા પડ્યા હતા, જેથી કેટલાક પ્લેન તૂટ્યા હતા. ભારતીય સરહદમાં પાકિસ્તાની વિમાનો ઘૂસ્યા નહોતા, જેથી તેમનો કાટમાળ કાટમાળ પાકિસ્તાનની સરહદમાં પડ્યો છે. રાફેલ સહિત ભારતના ફાઈટર જેટ્સ પાકિસ્તાને તોડ્યા હોવાના વિદેશી અહેવાલો અંગે એર માર્શલ ભારતીએ કહ્યં હતું કે, હાલની સ્થિતિ યુદ્ધ જેવી છે અને યુદ્ધમાં નુકસાન થતું હોય છે. જો કે આપણે નિર્ધારિત લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળ રહ્યા છીએ અને આપણા તમામ પાયલટ્સ પરત ફર્યા છે.
પાક.ને ખબર છે, તેની શું હાલત થશે
પાકિસ્તાન દ્વારા 10-11મેની રાત્રે શસ્ત્ર વિરામ સમજૂતિનો ભંગ થતાં ચીફ ઓફ આર્મી સ્ટાફ દ્વારા આર્મી કમાન્ડરને સાથે રાખીને સ્થિતિની સમીક્ષા કરાઇ હતી. પાકિસ્તાની સૈન્ય દ્વારા સમજૂતીનો કોઈ પણ રીતે ભંગ થાય તો આર્મી ચીફ જનરલ
ઉપેન્દ્ર દ્વિવેદીએ પોતાના કમાન્ડરને યોગ્ય કાર્યવાહી હાથ ધરવાની સંપૂર્ણ સત્તા આપી છે. વાઈસ એડમિરલ એ એન પ્રમોદે કહ્યું હતું કે, પાકિસ્તાન આ વખતે કોઈ દુઃસાહસ કરશે તો તેને ખબર છે, ભારતીય દળો તેની સાથે શું કરશે.
પાક.નાં 11 એરફિલ્ડ્સને નુકસાન
પાકિસ્તાની આતંકી હુમલાના વળતાં જવાબમાં ભારતીય સેનાએ કરેલા હુમલામાં પાકિસ્તાની વાયુ સેના માટે અત્યંત મહત્વના ગણાતા ઈસ્લામાબાદમાં આવેલા ચકાલા એરબેઝ તથા સરગોધા સહિત 11 એરફિલ્ડને ભારે નુકસાન થયું છે. ભારતના હુમલામાં પાકિસ્તાનના એફ-16 સ્ટેશન્સ, ટ્રેઈનિંગ ઈન્સ્ટીટ્યૂટ, એર ડિફેન્સ સિસ્ટમ તથા કમાન્ડ સેન્ટરને ટાર્ગેટ કરી તેને નુકસાન પહોંચાડ્યું હોવાની ભારતીય સેનાએ પુષ્ટી કરી હતી. ‘ઓપરેશન સિંદૂર’ અંગે જાણકારી આપતાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, સામા પક્ષના સ્પષ્ટ સંદેશો આપવાનો આ જ યોગ્ય સમય હતો. અમે ચકાલા, રફી, સરગોધા સહિતના તેમના એરબેઝીસ, કમાન્ડ સેન્ટર્સ તથા મિલિટરી સુવિધાઓને ચોકસાઈપૂર્વક અને અત્યંત કુશળતાથી ટાર્ગેટ કર્યાં હતાં. અમે એફ-16 યુદ્ધવિમાનો માટેના તેમના અત્યંત મહત્વના મનાતા સરગોધા એરફીલ્ડને પણ લક્ષ્યાંક બનાવ્યું હતું તેમ તેમણે જણાવ્યું હતું.