‘કેગ’નો રિપોર્ટઃ રફાલ ડીલમાં યુપીએ કરતાં ૨.૮૬ ટકા સસ્તો સોદો

Thursday 14th February 2019 04:28 EST
 
 

નવી દિલ્હીઃ સંસદ સત્રના અંતિમ દિવસે રાજ્યસભામાં કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (‘કેગ’) દ્વારા રફાલની ખરીદી અંગે અહેવાલ રજૂ કરાયો છે. અહેવાલમાં જણાવાયું છે કે, કોંગ્રેસ સરકાર દ્વારા કરાયેલા ૧૨૬ વિમાનોના સોદાની સરખામણીએ વર્તમાન ભાજપ સરકાર દ્વારા કરાયેલો ૩૬ વિમાનનો સોદો સસ્તો છે. જૂના સોદાની સરખામણીએ નવો સોદો ૨.૮૬ ટકા સસ્તો છે, તેને કારણે ભારતના ૧૭.૦૮ ટકા નાણાં બચ્યા છે. ‘કેગ’ રિપોર્ટમાં એવું પણ જણાવાયું છે કે, યુપીએની સરખામણીએ એનડીએ દ્વારા કરાયેલા સોદામાં ૧૮ વિમાનોની ડિલિવરી પણ પૂર્વનિર્ધારિત સમય કરતાં વહેલી થશે. ભારતને ૧૮ વિમાન પાંચ મહિના વહેલાં મળી જશે. મહત્ત્વની વાત એ છે કે ‘કેગ’ના અહેવાલમાં વિમાનોની કિંમતનું વિશ્લેષણ રજૂ થયું છે, પરંતુ તેની મૂળ કિંમત અંગે રહસ્ય અકબંધ છે. રફાલ સોદાની વિગતો ‘કેગ’ના રિપોર્ટમાં જાહેર થયા બાદ ભાજપે કહ્યું હતું કે ‘સત્યનો વિજય’ થયો છે.

ભાજપ અને કોંગ્રેસ સામસામે

કોંગ્રેસે આરોપ મૂક્યો હતો કે, ‘કેગ’ના વડા રાજીવ મહર્ષિ રફાલની ડીલ સમયે ફાઇનાન્સ સેક્રેટરી હતા, તેના કારણે જ તેઓ પોતાના અહેવાલ દ્વારા સરકારને બચાવવાના પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસના આરોપ અંગે અરુણ જેટલીએ વળતો પ્રહાર કરતાં જણાવ્યું કે, કોંગ્રેસ જાણે છે કે, ૫૦૦ અને ૧,૬૦૦ કરોડ રૂપિયાની વાતો માત્ર કાલ્પનિક વાર્તા છે. ‘કેગ’નો અહેવાલ આવતાં પહેલાં આ વાર્તાના આધારે જ આરોપો મૂકાતા હતા. સત્યમેવ જયતે.
બીજી તરફ, કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલે ‘કેગ’ રિપોર્ટ સામે સવાલ ઉઠાવતાં જણાવ્યું કે, ‘ચોકીદાર ઓડિટર જનરલ’નો અહેવાલ ગેરમાર્ગે દોરતો છે, કારણ કે અહેવાલમાં રફાલની કિંમત જ દર્શાવવામાં આવી નથી.’

જોકે ખરીદ પ્રક્રિયા સામે સવાલ

રફાલ સહિત ભારતીય વાયુસેનાના કુલ ૧૧ ખરીદી સોદાની સમીક્ષા ‘કેગ’એ કરી હતી. ‘કેગ’ના અહેવાલમાં ૨૦૧૨થી ૨૦૧૭ દરમિયાન ભારતીય વાયુસેના દ્વારા થયેલા ૧૧ ખરીદ સોદાની સમીક્ષા કરતાં ઘણા સવાલો ઉઠાવાયા છે. ‘કેગ’ જણાવ્યું હતું કે, વાયુસેનાએ યોગ્ય પ્રક્રિયા અનુસરી ન હોવાથી વેન્ડર્સ આ માપદંડો ઉપર નબળા જણાયા હતા. ખરીદ પ્રક્રિયા દરમિયાન પણ વારંવાર ફેરફાર કરાયા હતા, તેને કારણે ટેક્નોલોજી અને કિંમતનાં મૂલ્યાંકનમાં મુશ્કેલીઓ પડી હતી અને પ્રતિસ્પર્ધી ટેન્ડરની ઇમાનદારી પણ પ્રભાવિત થઈ હતી. આમ ખરીદ પ્રક્રિયામાં વિલંબ થયો હતો.

રફાલ ડીલ અંગે ૧૦ જાણવા જેવી વાતો

• એનડીએ સરકારની રફાલ ડીલ યુપીએની ડીલ કરતાં ૨.૮૬ ટકા સસ્તી છે.
• ફ્લાયઅવે (તૈયાર વિમાન)ની કિંમત યુપીએ અને એનડીએની સરખી જ છે.
• ‘કેગ’ના રિપોર્ટમાં રફાલ વિમાનના ભાવ જણાવાયા નથી.
• ૩૬ વિમાનના સોદામાં ૧૨૬ વિમાનના સોદા કરતાં ૧૭.૦૮ ટકા નાણાં બચી ગયા.
• ગત સોદામાં રફાલ વિમાનની ડિલિવરી ૭૨ મહિનામાં થવાની હતી, નવા સોદામાં તે ૭૧ મહિનામાં થવાની છે, જે એક મહિનો વહેલી છે.
• પ્રારંભિક ૧૮ રફાલ વિમાનની ડિલિવરી ગત સોદાની સરખામણીએ પાંચ મહિના વહેલાં ભારતમાં આવી જશે.
• સીસીએસની સામે સપ્ટેમ્બર ૨૦૧૬માં સોવરીન ગેરન્ટી અને લેટર ઓફ કમ્ફર્ટ મૂકવામાં આવ્યા હતા. તેમાં નક્કી થયું હતું કે, માત્ર લેટર ઓફ કમ્ફર્ટ જ ફ્રાન્સના વડા પ્રધાન સામે મૂકાશે શે, તેમને કોઈ બેન્ક ગેરન્ટી અપાશે નહીં.
• આ સોદામાં મેક ઇન ઈન્ડિયા અભિયાન માટે ઓફસેટ પ્રાપ્ત કરવાનો પણ સમાવેશ કરાયો હતો.
• ૨૦૧૬માં કરાયેલા સોદામાં ક્યાંય ગેરન્ટી કે વોરન્ટીની વાત નહોતી.
• ૨૦૧૬ના સોદામાં ટેક્નોલોજી આપવા અંગે કશું જ કહેવાયું નથી. નક્કર ભાવ પર કિંમત ફાઇનલ નથી થઇ.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter