ગુજરાતી પાઇલટની હિંમત-સૂઝબૂઝ અને સાહસે 180 પ્રવાસીના જીવ બચાવ્યા

કોકપીટમાં જીવસટોસટની બાજી ખેલી પ્લેન હાઇજેકનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો અને 9/11 જેવો હુમલો ખાળી 180 પ્રવાસીના જીવ બચાવ્યા

Thursday 01st October 2026 11:50 EDT
 

દુબઇ, મુંબઇઃ વિમાન હજારો ફૂટની ઊંચાઈએ હતું, 180 લોકો તેમાં સવાર હતા અને અચાનક કોકપિટમાંથી બૂમાબૂમ અને ઝઘડાના અવાજો સંભળાવા લાગ્યા. થોડી જ વારમાં સ્થિતિ એટલી ગંભીર બની ગઈ કે વિમાનના મુસાફરોના જીવ જોખમમાં મુકાયા હતા, પરંતુ આ મુશ્કેલ ઘડીએ એક ગુજરાતી પાઇલટે પોતાની જાનની પરવા કર્યા વિના હિંમત બતાવી. હુમલામાં લોહીલુહાણ થવા છતાં તેમણે હિંમત ન હારી અને મુસાફરોની મદદથી હુમલાખોરને કાબૂમાં લીધો. આ બહાદુર પાઇલટ એટલે સ્મિત મચ્છર, જેઓ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણના વતની છે.

ફ્લાય દુબઈની ફ્લાઈટે બુધવારે યુએઈથી ઈઝરાયેલના તેલ અવીવની ઊડાન ભરી હતી. ઊંચે આકાશમાં વિમાન આગળ વધી રહ્યું હતું ત્યારે ઓમાનના વતની એવા કો-પાયલટે 9/11 (યુએસના ટ્વિન ટાવર પર થયો હતો) જેવો ભીષણ હુમલો કરવા અથવા આકાશમાં જ ફૂંકી મારવાના ઈરાદે વિમાનને હાઈજેક કરી લેવા પ્રયાસ કર્યો હતો. આ સમયે પાઇલટ સ્મિત મચ્છરે તેનો વિરોધ કર્યો હતો અને વિમાનને સ્થિર રાખવા પ્રયાસ કર્યો હતો. આથી રોષે ભરાયેલા કો-પાઇલટે ભારતીય મૂળના પાઇલટ સ્મિત મચ્છર પર છરીના સંખ્યાબંધ ઘા ઝીંકી દીધા હતા. છતાં સ્મિત મચ્છરે તેનો મક્કમતભેર સામનો કર્યો હતો.

180 પ્રવાસીઓના જીવ બચાવી લેનાર સ્મિત મચ્છરના આ સાહસની દુનિયાભરમાં ભરપૂર પ્રશંસા થઇ રહી છે. ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂથી લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ પાઇલટ સ્મિત મચ્છરના સાહસિક અભિગમને બિરદાવ્યો છે. ગુજરાત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્મિત મચ્છરના સાહસની પ્રશંસા કરતાં તેમને વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડથી સન્માનવાની જાહેરાત કરી છે. સ્મિત મચ્છરનો પરિવાર કેટલાક મુંબઇમાં વસે છે, પરંતુ તેઓ મૂળે ગુજરાતના વઢવાણના વતની છે અને સાવરકુંડલાના જમાઇ છે.

વઢવાણના વતની, સાવરકુંડલાના જમાઇ

પાયલટ સ્મિત મચ્છર મૂળ વઢવાણના વતની છે, પરંતુ તેમનો સમગ્ર પરિવાર કેટલાય વર્ષોથી મુંબઈમાં સ્થાયી થયો છે. તેમનો અભ્યાસ પણ મુંબઈમાં જ થયો છે. સસરા જયસુખભાઈ જોગીએ જણાવ્યું હતું કે સ્મિતના લગ્ન વર્ષ 2012માં થયા હતા. તેમના લગ્ન સાવરકુંડલાની સોનલ સાથે થયા છે. મુંબઈમાં લગભગ 11 વર્ષ નોકરી કર્યા બાદ તેઓ છેલ્લા કેટલાક સમયથી ફ્લાયદુબઈ સાથે જોડાયા હતા. જયસુખભાઈએ વધુમાં જણાવ્યું હતું કે પરિવાર હાલ ખૂબ જ ચિંતિત છે, પરંતુ સ્મિતના સાહસ પર સહુને ગર્વ છે.

બીજી તરફ, કૌટુંબિક સાળા હિરેનભાઈ જોગીએ જણાવ્યું હતું કે હાલમાં સ્મિતની સારવાર ચાલી રહી છે. તેમણે કહ્યું કે બુધવારની ઘટનામાં તેમણે જે રીતે હિંમતપૂર્વક મુસાફરોનો બચાવ કર્યો તે ખૂબ જ સરાહનીય છે. તેમણે ઉમેર્યું કે સ્મિત તેમના બનેવી થાય છે અને સમગ્ર પરિવારને તેમના પર ગર્વ છે.

ગુજરાતના મુખ્યમંત્રીએ સ્મિત મચ્છરની હિંમત-સાહસને બિરદાવતા જણાવ્યું હતું કે ઈઝરાયેલના નાગરિકોને બચાવનાર સ્મિત મચ્છરનું સાહસ પ્રેરણાદાયી અને સરાહનીય છે. હુમલામાં ઈજાગ્રસ્ત થવા છતાં સ્મિતે 174 યાત્રીઓનો જીવ બચાવ્યો અને ગુજરાત તથા દેશનું નામ રોશન કર્યું છે. ગુજરાત સરકાર દ્વારા સ્મિત મચ્છરને ‘વિશિષ્ટ ગુજરાત ગરિમા એવોર્ડ’થી સન્માનિત કરાશે. સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલાએ સ્મિતને ભારતનો બહાદુર સપૂત ગણાવતા કહ્યું કે તેઓ માત્ર પાઇલટ તરીકે નહીં, પરંતુ મુસાફરોના જીવ બચાવવા માટે પોતાની જાનની બાજી લગાવનાર વ્યક્તિ તરીકે સામે આવ્યા છે. તેમણે કહ્યું કે સ્મિત સાવરકુંડલાના જમાઈ છે અને તેમની કર્તવ્યનિષ્ઠા દેશના જવાનોની કર્તવ્યનિષ્ઠાનું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સ્મિત ઝડપથી સાજા થાય અને ફરી પોતાની ફરજ પર જોડાય તેવી શુભેચ્છા પાઠવી હતી. 

ગભરાટ વચ્ચે પ્રવાસીઓએ હિંમત બતાવી

ઈઝરાયેલ જઈ રહેલા વિમાનને હાઈજેક કરવાનો પ્રયાસ થયો હોવાનું પ્રવાસીઓને સમજાઈ ગયું હતું. નામા બેરશાડસ્કિ નામની મહિલાએ જણાવ્યું હતું કે, મૃત્યુ નજીક દેખાતુ હતું અને આંખો બંધ કરી સારા અંત માટે પ્રાર્થના કરી રહ્યા હતા. આ કપરી ઘડીમાં પણ કેટલાક લોકોએ વીડિયો રેકોર્ડિંગ કર્યું હતું. સોશિયલ મીડિયામાં ફરી રહેલા એક વીડિયોમાં પ્લેનના ફ્લોર પર લોહી રેડાયેલું છે અને બે માણસો ઘાયલ અવસ્થામાં છે. બે વ્યક્તિ ઘાયલોને સારવાર આપી રહ્યા છે, જ્યારે અન્ય બે લોકો કોકપિટની બહાર ચોકી કરવા ઊભા રહી ગયા છે. હિબ્રુ ભાષામાં એક વ્યક્તિ કહે છે કે, અમે પાઇલટનું રક્ષણ કરીએ છીએ. અન્ય એક વીડિયોમાં વિમાન ધ્રૂજવા માંડતા કેટલાક પ્રવાસીઓ રડતા દેખાય છે.

વિમાનની પાંખો તૂટી છતાં સલામત લેન્ડિંગ

યુનાઈટેડ એરલાઈન્સના પાઇલટ અને એવિએશન સેફ્ટી એક્સપર્ટ સ્ટીવ એર્રીયોએ દુબઈથી તેલ અવીવ જઈ રહેલી બોઇંગ 737ની ફ્લાઈટના સલામત લેન્ડિંગને મોટો ચમત્કાર ગણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, હવાના ઊંચા દબાણમાં વિમાન અનિયંત્રિત થઈ ગયું હતું અને તેના કારણે તેની પાંખો તૂટી ગઈ હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં વિમાનના ટુકડા થઈ જતા હોય છે, પરંતુ આ કિસ્સામાં વિમાને સફળ લેન્ડિંગ કરતા સુખદ આશ્ચર્ય થયું છે.

ઈઝરાયેલે ફાઈટર જેટ્સ તૈયાર કર્યા હતા

ઈઝરાયેલ પોતાના નાગરિકોના રક્ષણમાં ક્યારેય પીછેહઠ કરતું નથી. હજારો ફૂટ ઊંચે વિમાન હાઈજેક થયું હોવાની આશંકા જતાં ઈઝરાયેલની સેનાએ તરત જ રેસ્ક્યુ ઓપરેશન માટે ફાઈટર જેટ્સ તૈયાર કરી દીધા હતા. જોકે સાઉદીએ ઈઝરાયેલના ફાઈટર જેટ્સને પોતાની સીમામાં ઓપરેશન હાથ ધરવાની મંજૂરી આપવા ઈનકાર કર્યો હતો. ઈઝરાયેલ-સાઉદી વચ્ચે આ મામલે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે વિમાનના સફળ લેન્ડિંગથી રાહત અનુભવાઈ હતી.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter