‘ભારતીય મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાઇ રહ્યા છે’ઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી

Monday 23rd December 2019 13:22 EST
 
 

નવી દિલ્હીઃ સિટિઝન એમેન્ડમેન્ટ એક્ટ (સીએએ) મુસ્લિમોના નાગરિકત્વ માટે ખતરારૂપ હોવાની અફવા વચ્ચે ભારતભરમાં હિંસક વિરોધ પ્રદર્શન ચાલે છે ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે આ મુદ્દે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાઇ રહ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે એક્ટથી દેશમાં કોઈની નાગરિકતા છિનવાઇ જવાની નથી. કાયદા સાથે મુસ્લિમોને કોઈ લેવાદેવા નથી. દેશમાં વસતા ૧૩૦ કરોડ ભારતીયને કાયદા સાથે કોઈ નિસ્તબત નથી. આ કાયદો નાગરિકતા છિનવી લેવા નહીં, નાગરિકતા આપવા માટે છે. રામલીલા મેદાનમાં રવિવારે ભાજપ દ્વારા યોજિત રેલીને સંબોધતા તેમણે વિપક્ષ પર ટીકાની ઝડી વરસાવી હતી.

વડા પ્રધાને ૧૦૦ મિનિટના સંબોધનમાં સીએએને દેશ-હિતમાં ગણાવી હિંસક વિરોધીઓને સલાહ આપી હતી કે જો તમને મારાથી નફરત હોય તો મારાં પૂતળાંને જૂતાં મારો, સળગાવો પરંતુ ગરીબોની ઓટો રિક્ષા ના સળગાવો, જાહેર સંપત્તિ ના સળગાવો.
વડા પ્રધાને આશ્વાસન આપ્યું હતું કે, આ કાયદાનો કોઈ નવા શરણાર્થીને લાભ નહીં મળે. અમે સંસદમાં નાગરિકતા સુધારા કાયદો પસાર કર્યો છે. આ માટે સંસદને માન આપવું જોઈએ. જનતાએ સંસદ અને ચૂંટાયેલા સાંસદોને માન આપવું જોઈએ.
સીએએ પર બોલતા મોદીએ વિપક્ષની ટીકાની ઝડી વરસાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખોટા વીડિયો, અફવા અને જુઠ્ઠાણા ફેલાવાઇ રહ્યાં છે. વિપક્ષો અલગ અલગ પ્રકારના જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. અમે તેમને પૂછવા માગીએ છીએ કે શું અમે નાગરિકોને એવો સવાલ કરીએ છીએ કે તમે કોને મત આપ્યો? અમે દિલ્હીમાં ગેરકાયદે કોલોનીઓને નિયમિત કરવાનો ખરડો પસાર કર્યો ત્યારે તેમના ધર્મ અંગે પૂછયું હતું? અમે આ કોલોનીઓના રહેવાસીઓ પાસે કોઈ દસ્તાવેજી પુરાવા માગ્યા? ના. કારણ કે અમે સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસમાં માનીએ છીએ. વડા પ્રધાને વિપક્ષોને સવાલ કર્યો હતો કે, શું અમે ઉજ્જવલા સહિતની કલ્યાણ યોજનાના લાભાર્થીઓને તેમના ધર્મ અને જાતિ પૂછીએ છીએ? ૫૦ કરોડ લોકોને મફત સારવાર આપતી આયુષમાન યોજનામાં અમે કોઈને તેના ધર્મ અંગે પૂછયું નથી. વિપક્ષે મુસ્લિમોને ગેરમાર્ગે દોરવાનું બંધ કરી દેવું જોઈએ. તેમણે યાદ રાખવું જોઈએ કે અમે યોજનાઓના લાભાર્થીઓને કોઈ દસ્તાવેજોની ફરજ પાડતાં નથી. અમે ધર્મ અને જાતિના ભેદભાવ વિના ગરીબોના લાભ સુનિશ્ચિત કરવા કામ કરી રહ્યાં છીએ. અમે ક્યારેય તેમને પૂછતાં નથી કે તેઓ મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કે ચર્ચમાં જાય છે તો પછી વિપક્ષો શા માટે ધર્મના આધારે રાજનીતિ કરી રહ્યો છે?

એનઆરસી મુદ્દેય અફવા

વડા પ્રધાને જણાવ્યું હતું કે, નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી) મુદ્દે પણ અફવા ફેલાવાઇ રહી છે. સુપ્રીમ કોર્ટના આદેશ પછી આસામમાં એનઆરસી અમલી બન્યું હતું. દેશવ્યાપી એનઆરસી માટે હજુ નિયમો ઘડાયા નથી. એનઆરસી કોંગ્રેસ શાસનકાળમાં જ લાવવામાં આવ્યું હતું. શું તે સમયે કોંગ્રેસના નેતાઓ સૂઈ રહ્યાં હતાં? અમે સંસદ કે કેબિનેટમાં એનઆરસી લાવ્યાં જ નથી.
મહાત્મા ગાંધીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનમાં વસતા હિંદુ અને શીખને હંમેશાં ભારત આવકારશે. ૧૯૪૭માં ભારત સરકારે આપેલા વચન પ્રમાણે આ કાયદો ઘડાયો છે. અમે દાયકાઓ પહેલાં આપેલા વચનને પૂરું કરી રહ્યાં છીએ. શા માટે તેનો વિરોધ થઈ રહ્યો છે? પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ, આસામના પૂર્વ મુખ્ય પ્રધાન સહિત કોંગ્રેસના સંખ્યાબંધ મુખ્ય પ્રધાન પણ એનઆરસીની તરફેણ કરી ચૂક્યાં છે. તો પછી હવે કોંગ્રેસના નેતાઓના પેટમાં ચૂંક કેમ આવી રહી છે?

ડિટેન્શન સેન્ટર જૂઠ હૈ... જૂઠ...

વડા પ્રધાન મોદીએ આરોપ મૂક્યો હતો કે, શહેરી નક્સલો અને કોંગ્રેસ મુસ્લિમો માટે ડિટેન્શન સેન્ટરના જુઠ્ઠાણા ફેલાવી રહ્યાં છે. ભ્રમ અને ભય ફેલાવી રહ્યાં છે. તેઓ એમ કહી રહ્યાં છે કે, તમામ મુસ્લિમોને ડિટેન્શન સેન્ટરોમાં ધકેલી દેવાશે. તમારા જ્ઞાનનું સન્માન કરો. ડિટેન્શન સેન્ટર જૂઠ હૈ... હૈ... જૂઠ હૈ... નાગરિકતા સુધારા કાયદો અને એનઆરસી શું છે તે જરા વાંચો. તમે લોકો ભણેલાગણેલા છો. નાગરિકતા સુધારા કાયદો ફક્ત એ લોકો માટે છે કે જે નિરાશ્રિતો વર્ષોથી ભારતમાં વસવાટ કરી રહ્યાં છે. તેનાથી કોઈ નવા નિરાશ્રિતને લાભ થવાનો નથી.
વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, નિરાશ્રિતો અને ઘૂસણખોરોમાં તફાવત છે. ઘૂસણખોર ક્યારેય તેની ઓળખ છતી કરતો નથી જ્યારે નિરાશ્રિત તેની ઓળખ ક્યારેય છુપાવતો નથી. આજે એ જ ઘૂસણખોરો કાગારોળ મચાવી રહ્યાં છે.

વિવિધતામાં એકતા જ વિશેષતા

વિવિધતામાં એકતા એ જ ભારતની વિશેષતા છે. આમ કહીને વડા પ્રધાને વિવિધતામાં એકતા, ભારતની વિશેષતાના નારા લગાવડાવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, મોદીને ગાળો આપો, વિરોધ કરો, મોદીનાં પૂતળાં સળગાવો, પરંતુ દેશની સંપત્તિ ન સળગાવો, ગરીબની રિક્ષા ન સળગાવો. ભારતને આંતરરાષ્ટ્રીય સ્તરે બદનામ કરવાનું કાવતરું ઘડાયું છે.
મોદીએ જણાવ્યું હતું કે, મને રસ્તામાંથી હટાવવા માટે સતત કાવતરા ઘડાતા રહે છે. કોંગ્રેસ અને તેના સહયોગીઓ આજે પણ એ વાતથી પરેશાન છે કે, મોદીને આંતરરાષ્ટ્રીય સ્તરે અને મુસ્લિમ બહુલ દેશોને આટલું સમર્થન કેમ મળી રહ્યું છે? શા માટે આ દેશો મોદીને આટલા પસંદ કરે છે? સાઉદી અરબ, બહેરિન, યુએઇ સાથે ભારતના સંબંધો ઘણા ગાઢ છે.

દીદી કોલકાતાથી યુએન પહોંચ્યા: મોદી

વડા પ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, મમતા દીદી નાગરિકતા સુધારા કાયદાના મુદ્દે કોલકાતાથી સીધા યુનાઇટેડ નેશન્સ (યુએન) પહોંચી ગયાં છે પરંતુ થોડા વર્ષ પહેલાં આ જ મમતા દીદી સંસદમાં ઊભા થઈને બોલી રહ્યાં હતાં કે, બાંગ્લાદેશમાંથી આવતા ઘૂસણખોરોને અટકાવવામાં આવે અને ત્યાંથી આવેલા પીડિત શરણાર્થીઓને મદદ કરો. દીદી તમને શું થઈ ગયું છે? તમે આટલાં બદલાઈ કેમ ગયાં છો? શા માટે અફવા ફેલાવી રહ્યાં છો? ચૂંટણી અને સત્તા તો આવતી જતી રહે છે, પરંતુ તમે આટલા ડરો છો શા માટે?

ગૂગલ સર્ચ કરોઃ કોંગ્રેસ

કોંગ્રેસે જણાવ્યુ હતું કે, દેશમાં ક્યાંય ડિટેન્શન સેન્ટર ન હોવાના વડા પ્રધાન મોદીના દાવાને ખોટો ઠેરવવા માટે ફક્ત ગૂગલ પર સર્ચ કરવાની જરૂર છે. શું મોદી એમ માને છે કે ભારતીયો તેમના જુઠ્ઠાણાને પકડી પાડવા માટે ગૂગલ સર્ચ કરી શક્તાં નથી? કોંગ્રેસે કરેલા ટ્વિટમાં ૩ મીડિયા રિપોર્ટ્સ પોસ્ટ કરાયાં છે જેમાંના એકમાં કેન્દ્રીય પ્રધાન નિત્યાનંદ રાયને એમ કહેતાં ટાંકવામાં આવ્યા છે કે, આસામમાં આવેલા ડિટેન્શન સેન્ટરોમાં ૨૮ ગેરકાયદેસર સ્થળાંતરીઓનાં મોત થયાં છે.
ડિટેન્શન સેન્ટર સંદર્ભે મોદીની ટિપ્પણીનો જવાબ આપતાં મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, મેં જે કહ્યું છે તે જનતા જાણે છે અને તમે જે કહો છો તે પણ જનતા સાંભળી રહી છે. વડા પ્રધાન મોદી જાહેરમાં ગૃહ પ્રધાન અમિત શાહના સંસદમાં આપેલા નિવેદનને જ ખોટું ઠેરવી રહ્યાં છે. કોણ ભારતના મૂળ વિચારને વિભાજિત કરવાનો પ્રયાસ કરી રહ્યું ? કોણ સાચું અને કોણ ખોટું એ જનતા નક્કી કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter