‘મેં કદી કશું જ માગ્યું નથી. હું તો સંઘ-જનસંઘ-ભાજપાનો અદનો કાર્યકર્તા છું. પક્ષે મને ઘણું આપ્યું, પરિષદનો કાર્યકર્તા હતો, રાજકોટ મહાનગરપાલિકામાં પાર્ષદ બન્યો, મેયરની જવાબદારી નિભાવી, ધારાસભ્ય અને રાજ્યસભાનો સાંસદ... હવે ગુજરાતના મુખ્ય મંત્રી પદની જવાબદારી સોંપવામાં આવી છે, તે હું સ-જાગ અને સ-ભાન રહીને એક ‘કોમનમેન’ તરીકે વહન કરતો રહીશ...’
આ શબ્દો છે વિજયભાઈ રૂપાણીના. ગાંધીનગરમાં રાજભવનથી ડાબી બાજુએ છેલ્લું નિવાસસ્થાન સીએમઆર (ચીફ મિનિસ્ટર્સ રેસિડેન્સ) છે, તેની રમણીય લોંજમાં આ નવા મુખ્ય મંત્રી ‘ગુજરાત સમાચાર’ માટે વિશેષ રીતે વાત કરી રહ્યા હતા. દિવસ ૨૦ સપ્ટેમ્બર, મંગળવારની સવાર.
મુખ્ય મંત્રી નિવાસે...
‘હું પહેલી વાર અહીં તમને મુખ્ય મંત્રી તરીકે જોઉં છું...’ એમ કહ્યું તો, બોલ્યાઃ ‘પણ આ પહેલાં બીજા ઘણા મુખ્ય મંત્રીઓને તો અહીં મળવાનું થયું જ હશે...’ તેમની વાત એક રીતે સાચી હતી. ગાંધીનગર સ્થાપના પછીના બાબુભાઈ જ. પટેલ, માધવસિંહ સોલંકી, અમરસિંહ ચૌધરી, ચીમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ, સુરેશ મહેતા, દિલીપ પરીખ અને...
બેશક શંકરસિંહ વાઘેલા તેમ જ નરેન્દ્ર મોદી અને થોડાક જ મહિના પૂર્વે શ્રીમતી આનંદીબહેન પટેલ ‘મુખ્ય મંત્રીનાં નિવાસસ્થાન’ પર મળેલા, તેનું સ્મરણ થઈ આવ્યું... લોંજમાં નજર નાખી તો લીલાં ઘાસ પર મોર ટહેલતા હતા... દરેક મુખ્ય મંત્રી નૂતન ગુજરાતના નકશા સાથે અહીં રહ્યા અને શક્તિમતિ પ્રમાણે કામ કર્યું, તેમાં હવે વિજય રૂપાણીનો ઉમેરો થયો છે.
પહેલાં સંગઠન અને હવે શાસન. આ તેમની ૨૦૧૬નાં વર્ષની રસપ્રદ સફર છે. શાસનની વાત કરતાં તેમણે કહ્યુંઃ ‘જુઓ, તમે પૂછયું કે મારી પાસે આગામી ચૂંટણી સુધીનો ‘રોડમેપ’ શો છે? તો હું એ વાતમાં એકદમ દૃઢ છું કે મારે ભ્રષ્ટાચાર સામે પગલાં લેવાં છે તેની શરૂઆત કરી છે. ૪૦ દિવસમાં ૫૭ નિર્ણયો એવા લીધા કે જેનાથી સામાન્ય માણસને તેની સીધી ઉત્તમ અસર થાય. જુઓ, આ ટાઉન પ્લાનિંગમાં મકાન બાંધવા એનઓસી લેવા, એન.એ. કરાવવા ૨૩ જગ્યાએ અરજદારને ધક્કા ખાવા પડતા હતા. ૧૨૦૦ વર્ગ ફૂટના મકાન માટે આટલી પળોજણ શાની? આર્કિટેક્ટના નકશા પ્રમાણે જ કેમ નહીં? હવે આવો નિર્ણય લેવાયો છે...’
હમણાં વિવિધ વિભાગોમાં ઉચ્ચ હોદ્દા પરની એકસામટી બદલીઓ થઇ તે વિશે કહ્યુંઃ તમામ સ્તરે રાજ્યના વિકાસ અને શુદ્ધ વહીવટ માટે તત્પર રહેવું પડશે એ હેતુ મુખ્ય છે તેમાં પારદર્શકતા પણ લાવવાની છે. આવા પગલાંથી અનેક સ્તરે શિથિલતા ઓછી થઈ અને ભ્રષ્ટાચારના નાના મોટા દરવાજા બંધ થઈ ગયા છે.
રાજકોટની વિશેષતા
પક્ષ અને સંગઠન વિશેની તેમની અ-વિચલ શ્રદ્ધાનું મુખ્ય કારણ તળેટીથી ટોચ સુધીના અનુભવો છે. મ્યાંમાર (બર્મા)માં જન્મેલા વિજય રૂપાણીનું મુખ્ય કાર્યક્ષેત્ર રાજકોટ રહ્યું. જનસંઘ-સંઘના ગુજરાતમાં પ્રારંભથી રાજકોટ મહત્ત્વનું ‘ભૂ-રાજકીય’ (જિયો-પોલિટિકલ) કેન્દ્ર રહ્યું છે. રાજકોટે સંઘ પરિવારના બધા ક્ષેત્રો (જનસંઘ, ભાજપ, વિશ્વ હિન્દુ પરિષદ, મઝદૂર સંઘ, વિદ્યાર્થી પરિષદ, સરકારી ક્ષેત્ર)માં મહત્ત્વનો ભાગ ભજવ્યો અને બધાં ક્ષેત્રોમાં નેતૃત્વ પણ પૂરું પાડ્યું. રાજકોટે ગુજરાતમાં ભાજપ સરકાર બની ત્યારે કેશુભાઈ પટેલની પ્રથમ મુખ્ય મંત્રી તરીકે રાજકીય ભેટ આપી હતી. અરવિંદ મણિયાર અને ચીમનભાઈ શુકલ તેમજ વજુભાઈ વાળા - ત્રણે નામ પણ હોઠ પર આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વર્ષો સુધી પ્રાંત સંઘચાલક રહેલા ડો. પી. વી. દોશી પણ રાજકોટ નિવાસી હતા.
વિજય રૂપાણીને નેતૃત્વ - કાર્યકર્તા બન્નેનો લાભ મળ્યો. અમદાવાદમાં વિદ્યાર્થી પરિષદનું કામ કરતા અને એક સ્કૂટર પર વિદ્યાર્થી સંગઠન માટેની જવાબદારી લીધી હતી. એ દરમિયાન જ અમદાવાદમાં તેમનાં લગ્ન - એક બીજાં છાત્ર કાર્યકર્તા અંજલિ સાથે - થયાં. રાજકોટમાં વિજય રૂપાણી જનસંઘ-ભાજપમાં અનેક મોરચે સક્રિય રહ્યા અને વજુભાઈ વાળાના સ્થાને ધારાસભ્ય બન્યા. પછી મંત્રી, પ્રદેશ પ્રમુખ અને હવે...
વિજયભાઈ કહે છેઃ ‘આવું માત્ર જનસંઘ - ભાજપમાં જ થઈ શકે કે સામાન્ય કાર્યકર્તાની શક્તિનો યે ઉપયોગ થાય. બીજા પક્ષોમાં આવું નથી. મારો તો જન-આંદોલન સાથેનો સીધો સંઘર્ષ રહ્યો છે...’ એમ કહીને જય પ્રકાશ નારાયણનું સ્મરણ કર્યુંઃ ‘૧૯૭૪ના એ દિવસો. છાત્ર આંદોલને ગુજરાતને ધમધમતું કર્યું હતું. જેપીની સાથે રહેવાનો, સમજવાનો અને સાથે જાહેર ભાષણ કરવાનો યે મોકો મળ્યો. નવનિર્માણ આંદોલનને વેગવંતુ બનાવ્યું, ભ્રષ્ટાચારી કોંગ્રેસ સરકાર બરખાસ્ત કરવી પડી અને જનતા મોરચો રચાયો. જનસંઘે પહેલી વાર રાજ્યારોહણ કર્યું. કેશુભાઈ સહિત કેટલાકને રાજ્ય સરકારમાં પ્રધાન પદની જવાબદારી અપાઈ...’
કટોકટીમાં થયું ઘડતર
ભૂતકાળની વાત તાજી કરતા વિજય રૂપાણી પોતાની રાજકીય સફરનાં ઘડતર-ચણતરની વાત કરી રહ્યા હતા... હસીને કહેઃ ‘...અને કટોકટી આવી. અમે યુવા વયે વડોદરાની જેલમાં. ત્યાં ચીમનભાઈ, શંકરસિંહ વાઘેલા, બાબુભાઈ પટેલ, વિષ્ણુભાઈ...નું સાનિધ્ય. સાથે ભોજન - પ્રાર્થના - શાખા - વિચાર વિનિમય અને વાંચન!’ વિજય રૂપાણી આ વાત કરી રહ્યા હતા ત્યારે મારા ચહેરા પર એટલા માટે સ્મિત આવી ગયું કે રશિયન નવલકથાકાર એલેકઝાંડર સોલ્ઝેનિત્સિને સામ્યવાદી રશિયા પર લખેલી નવલકથા ‘ગુલાગ આર્કીપિલેગો’નો આસ્વાદ - પરિચય આ અટકાયતી સાથીદારોને કરવાનું કામ મારા ભાગે આવ્યું હતું!
ફરી અમે વર્તમાન ગુજરાતની સમસ્યાઓ પર આવ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી જે નાના-મોટા બનાવો બન્યા તેની જિકર કરતાં તેમણે કહ્યુંઃ આવું કઈ પહેલી વાર બન્યું નથી. સમસ્યાઓ તો આવે છે. તેનાથી વિપક્ષે હરખાઈ જવાની જરૂર નથી.’ મેં એક શબ્દ વચ્ચે ઉમેર્યોઃ ‘કેલ્યુલેટિવ ગુજરાત.’ તેમણે કહ્યુંઃ ‘હા. ગુજરાતી નાગરિક એકદમ ગણતરીપૂર્વક વર્તે છે. તે ફસાતો નથી. અમે સકારાત્મક દૃષ્ટિકોણથી દરેક સમસ્યાનું નિવારણ કરવા માગીએ છીએ, તેમ કરવા સક્રિય છીએ તે પણ ગુજરાત આખું અનુભવી રહ્યું છે...’
તેમણે સાર્વજનિક ઇરાદાને સ્પષ્ટ કર્યોઃ ‘હું જાણું છું કે આ ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ છે... મારી જવાબદારી મોટી છે. રાજ્યનું મંત્રીમંડળ એક ટીમ તરીકે કામ કરી રહ્યું છે. કેન્દ્રીય નેતૃત્વની અપેક્ષા અને આશીર્વાદ બન્ને છે. હું ગરીબલક્ષી યોજના પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યો છું... પ્રજાકીય ઇરાદાની અમારી નિયત છે અને શ્રદ્ધા બળ પૂરું પાડે છે. કેટલાક નિર્ણયો જાહેર થયા છે, બીજા પણ અમલીકરણ સાથે આવશે.’
રસ્તો બદલાયો
‘તમારા રાજકીય-સાંસ્કૃતિક જીવનમાં આદર્શો તરીકે કોને સ્થાપિત કર્યા છે?’ ‘ગુજરાત સમાચાર’ના પત્રકાર-મિત્ર નીલેશ પરમારના આ સવાલના જવાબમાં તેમણે ત્રણ નામો ગણાવ્યાંઃ સ્વામી વિવેકાનંદ, પરમ પૂજનીય શ્રી ગુરુજી અને દીનદયાળ ઉપાધ્યાય. તેમણે એક વાતની સ્મૃતિ તાજી કરી કન્યાકુમારીમાં વિવેકાનંદ શિલા સ્મારક થઈ રહ્યું હતું. એકનાથજી રાનડે દેશભરમાંથી તેને માટે સમર્પિત યુવકોની ટીમ તૈયાર કરી રહ્યા હતા. મારી પણ પસંદગી થઈ અને કન્યાકુમારી જવું નક્કી થયું હતું! પછી પરિસ્થિતિ બદલાઈ અને વિદ્યાર્થી પરિષદમાંથી જનસંઘમાં જવાબદારી સોંપવામાં આવી.
બ્રિટિશ ગુજરાતીઓની સંવેદના અને સમસ્યાથી તેઓ સંપૂર્ણ પરિચિત છે. (‘સી.બી. પટેલને તો હું વર્ષોથી જાણું છું. બ્રિટિશ ગુજરાતીઓના પ્રશ્નો પર સક્રિય રહીને આ બે અખબારો - ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઇસ’ ચલાવે છે, તે હું વાંચતો આવ્યો છું.’) તેમણે લંડનમાં ગાંધીપ્રતિમા સ્થાપિત થઈ તેનો આનંદ વ્યક્ત કર્યો. ‘ગુજરાતી ક્રાંતિકાર પંડિત શ્યામજી કૃષ્ણવર્માનું ક્રાંતિતીર્થ ‘ઇન્ડિયા હાઉસ’માં ઊભું છે, ત્યાં કોઈ રીતે સ્મારક થઈ શકે કે કેમ તેની જાણકારી મેળવીને જરૂર આપણે આગળ વધીશું’ એમ પણ તેમણે કહ્યું.
દરિયાપારના ગુજરાતીઓ
દરિયાપારના દેશોમાં વસતાં ભારતીયો, ગુજરાતીઓનો વતન સાથેનો નાતો વધુ ઘનિષ્ટ બનાવવા શા પગલાં લેવાઇ રહ્યા છે? તેઓ કહે છેઃ એનઆરઆઇ અને એનઆરજીએ વિદેશમાં હાંસલ કરેલી સફળતા ગૌરવપ્રદ છે. બ્રિટનમાં ગુજરાતીઓ તમામ ક્ષેત્રે ટોચના સ્થાને પહોંચી રહ્યા છે તે ગુજરાતનાં ગૌરવની મોટી પહેચાન છે... સિદ્ધિના શીખરો સર કરવા બદલ હું તેમને અભિનંદન પાઠવું છે. આજે નરેન્દ્રભાઇએ ભારતીયોને દુનિયાભરમાં પ્રતિષ્ઠા અપાવી છે - ખાસ તો વિદેશવાસી ભારતીયોને. સમસ્ત વિશ્વમાં ભારત અને ભારતીયો માટે સારો માહોલ બન્યો છે. મેઇક ઇન ઇંડિયાનો નારો માત્ર ઔદ્યોગિક વિકાસ પૂરતો સીમિત નથી, પ્રજાના વિકાસની વાત પણ તેમાં જોડાયેલી છે. તેમાં દેશવિદેશના ભારતીયોને એકતાંતણે બાંધવાની વાત છે - અને અમે આ દિશામાં કામ કરી રહ્યાં છીએ. તેમના દિલમાં ભારત માટેનો પ્રેમ તો હતો જ, પરંતુ હવે જે માહોલ બન્યો છે તેનાથી તેમનો ઉત્સાહ વધ્યો છે.
વાઇબ્રન્ટ ગુજરાત-૨૦૧૭માં બ્રિટન, અમેરિકા સહિત અનેક દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હોવાનો ઉલ્લેખ કરતા વિજયભાઇ કહે છે કે ‘વિદેશવાસી ભારતીયોને વાઇબ્રન્ટ ગુજરાતમાં આવવાનું ખાસ આમંત્રણ છે. અમે વિદેશવાસી ભારતીયોને કહીએ છીએ કે તમે અહીં આવો અને દેશના વિકાસમાં તમારા જ્ઞાન, કૌશલ્ય, ટેક્નોલોજીનો લાભ આપો. આવો... આપણે સહુ સાથે મળીને કામ કરીએ, અને સબકા સાથ, સબકા વિકાસના સૂત્રને સાકાર કરીએ.’
ગુજરાતના વિકાસમાં વિદેશવાસી ભારતીયો, ગુજરાતીઓ કઇ રીતે પ્રદાન આપી શકે? ‘વિદેશમાં રહ્યે રહ્યે પણ આ સમુદાય વતનના વિકાસમાં સહયોગ આપતો જ રહ્યો છે. તેમનું પ્રદાન પ્રશંસનીય છે, પરંતુ રાજ્યમાં શિક્ષણ, આરોગ્ય સહિતના ક્ષેત્રે તેમનો સહયોગ આવકાર્ય છે. ગુજરાતમાં ક્યા ક્ષેત્રે ક્યા પ્રકારની કામગીરી થઇ રહી છે તેની વિદેશવાસી ભારતીયોને વિશદ્ જાણકારી મળી રહે તે માટે એનઆરજી વિભાગ દ્વારા વાયબ્રન્ટ ગુજરાત દરમિયાન એક પ્રદર્શનનું પણ આયોજન થઇ રહ્યું છે.
સરહદી ગુજરાતઃ પાકિસ્તાનથી સાવધાની
છેલ્લો મુદ્દો પાકિસ્તાન વિશેનો હતો... ગુજરાત એક સરહદી રાજ્ય છે, પાકિસ્તાનનાં બે આક્રમણો ભોગવી ચૂક્યું છે તેનો જડબાતોડ જવાબ પણ આપ્યો છે. અટલજીનાં નેતૃત્વમાં કચ્છ સત્યાગ્રહ થયેલો તેનું સ્મરણ કર્યું. ઉરી-ઘટના પછી તુરંત રાજ્યના ગૃહ વિભાગ તેમ જ સુરક્ષાકર્મીઓની સાથે પ્રદીપસિંહ જાડેજાએ મુલાકાત કરી હતી. આપણે ક્યાંય ગફલતમાં રહેવું પોસાય નહીં. તેનો બરાબર ખ્યાલ છે.
‘મુખ્ય મંત્રી તરીકે કેવી અનુભૂતિ થાય છે?’
આનો જવાબ આપતાં પૂર્વે થોડી વાર મૌન રહ્યા, પછી કહ્યુંઃ આવડી જવાબદારી મને સોંપાઈ તેનો આનંદ અને આશ્ચર્ય તો છે જ. મારામાં વિશ્વાસ મૂકવામાં આવ્યો તેની ખુશી છે. દેશમાં જે વડા પ્રધાન છે - નરેન્દ્રભાઈ - તેમના અનુગામી મુખ્ય મંત્રી પદે આવવું એટલે વધુ સજ્જ તો બનવું જ પડે. પણ ખાતરી રાખજો - શ્યામાપ્રસાદ મુખરજી, ડો. રઘુવીર, પંડિત દિનદયાળ ઉપાધ્યાયની શહાદતથી સિંચાયેલા પક્ષ અને વિચાર સાથેની પ્રતિબદ્ધતા, અમને શક્તિ અને સફળતા અપાવશે...’
... પર્વ કે લિયે
મંગળવારની સવારે, સચિવોની દોડધામ વચ્ચે, એકદમ સ્વાભાવિકતાથી, અને સહજતાથી વાર્તાલાપ થયો તેની સમાપન વેળાએ એક ગીત પંક્તિ હોઠ પર આવી ગઈ. વિજય રૂપાણી ગીત-સંગીતના ચાહક છે. રાજ્યસભામાં હતા ત્યારે હેમા માલિનીને કહ્યું કે તમારી તમામ ફિલ્મો જોઈ છે. દેવ આનંદ તેમના પ્રિય અભિનેતા રહ્યા. સંઘ-ગીત ગવડાવવાનું આવે તો વિજયભાઈ તૈયાર જ હોય! ‘શ્રી ગુરુજીના હાથનો પ્રેમાળ ધબ્બો મને હજુ યાદ છે...’ જતાં જતાં આ વાત કહી અને પેલી પંક્તિ - ગુજરાતની અસ્મિતાના સંદર્ભે - યાદ આવી ગઈઃ
‘નવીન પર્વ કે લિયે, નવીન પ્રાણ ચાહિયે!’
થોડીક અલગ અને અલગારી વાતો...
• મેં કદી માગ્યું નથી...
• સામાન્ય કાર્યકર્તા મુખ્ય પ્રધાન થાય એ ભાજપમાં જ થઇ શકે...
• સંગઠનનો જીવ છું... શાસન પણ સંભાળીશ
• ચાળીસ દિવસમાં ૫૧ નિર્ણયનો અમલ