નવી દિલ્હીઃ બોક્સિંગ વિશ્વમાં ‘સુપર મોમ’ તરીકે વિખ્યાત એમ.સી. મેરિ કોમે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ટાઇટલની સિક્સર લગાવીને ઇતિહાસ રચ્યો છે.
પાટનગરના ઇંદિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં શનિવારે યોજાયેલી વિમેન્સ વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ત્રણ સંતાનોની માતા એવી મણિપુરની આ બોક્સરે ૪૮ કિલોગ્રામની કેટેગરીની ફાઈનલમાં યુક્રેનની હેના અખોટાને ૫-૦થી પછાડીને વિક્રમજનક ગોલ્ડ જીત્યો હતો. આ સાથે જ તે છ ગોલ્ડ અને એક સિલ્વર મેડલ જીતનાર વિશ્વની પ્રથમ મહિલા બોક્સર બની છે.
તો સાથોસાથ તેણે વર્લ્ડ ચેમ્પિયનશિપના ઇતિહાસમાં છ ટાઇટલ જીતવાના વિશ્વ વિક્રમની (મહિલા અને પુરુષ બન્ને વિભાગમાં) બરાબરી પણ કરી છે. ઉલ્લેખનીય છે કે આ સ્પર્ધા માટે મેરિ કોમની પસંદગી થઇ ત્યારે કેટલાક લોકોએ તેની ફિટનેસ સામે સવાલ ઉઠાવ્યા હતા.
ગોલ્ડ દેશને અર્પણ
મેરિ કોમે વિજય બાદ દર્શકોથી ખીચોખીચ સ્ટેડિયમ તરફ લાગણીભરી નજર ફેરવી હતી. આ પછી ત્રિરંગા સાથે સ્ટેડિયમમાં ફરીને મેરિકોમે લોકોને આભાર માન્યો હતો. તેણે જણાવ્યું હતું કે દેશના લોકોએ મારી ક્ષમતામાં વિશ્વાસ મૂક્યો તેની હું આભારી છું. હું મારો આ છઠ્ઠો ગોલ્ડ મારા દેશને સમર્પિત કરું છું. હું આ જીત માટે મારા તમામ પ્રશંસકોનો આભાર વ્યક્ત કરું છું. જે મને સમર્થન આપવા માટે અહીં પહોંચ્યા છે. મારા માટે આ મહાન પળ છે.
ઓલિમ્પિક પર નજર
મેરિ કોમે આ સિદ્ધિ સાથે આયર્લેન્ડની કેટી ટેલર (૨૦૦૬-૨૦૧૬)ના પાંચ ગોલ્ડ મેડલ જીતવાના રેકોર્ડને તોડ્યો છે. મેરિ કોમે જણાવ્યું હતું કે, મને આશા છે કે આપ સહુના સાથ, સમર્થન અને આશીર્વાદથી હું ૨૦૨૦ના ટોકિયો ઓલિમ્પિક માટે ક્વોલિફાય થઈ જઈશ. ચાર વર્ષ પહેલાં હું ક્વોલિફાય થઈ શકી નહોતી, પણ આ વખતે મને વિશ્વાસ છે કે, રિયો ઓલિમ્પિક જેવું કશું જ નહીં થાય. ટોકિયોમાં ભારતને ગોલ્ડ અપાવવો છે.
ઉલ્લેખનીય છે કે, આ ચેમ્પિયનશિપ પૂર્વે જ મેરિ કોમે જાહેરાત કરી હતી કે, તે સંપૂર્ણ ફિટ છે અને ૨૦૨૦ની ટોકિયો ઓલિમ્પિકમાં પણ રિંગમાં ઉતરશે. ટૂર્નામેન્ટ પહેલાં ખેલાડીઓની ફિટનેસ ચકાસવા ૧૦૦ મીટરની રેસ થાય છે તેમાં પણ મેરિ કોમે બીજું સ્થાન મેળવ્યું હતું. ૪૮ કિગ્રા વજન વર્ગના ફાઇનલ મુકાબલા માટે મેરિ કોમ રિંગમાં ઊતરી ત્યારે તેને વિશ્વાસ હતો કે, તે છઠ્ઠી વખત ગોલ્ડન પંચ લગાવવામાં સફળ થશે જ અને નવ મિનિટ બાદ જ્યારે રેફરીએ બ્લૂ કોર્નરનો હાથ ઉઠાવ્યો ત્યારે વર્લ્ડ ચેમ્પિયન મેરિ કોમ હતી.
ભારત માટે ગર્વની ક્ષણ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મેરિ કોમને આ સિદ્ધિ બદલ અભિનંદન આપતા કહ્યું હતું કે ભારતીય રમત માટે ગર્વની ક્ષણ. વર્લ્ડ બોક્સિંગ ચેમ્યિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર મેરિ કોમને ઘણી ઘણી શુભેચ્છાઓ. મેરિ કોમે જે પ્રકારે કઠોર પરિશ્રમ કરીને વિશ્વ સ્તરીય સ્પર્ધાઓમાં ઉત્કૃષ્ટતા હાંસલ કરી છે તે પ્રેરણાદાયી છે. તેમની આ જીત વિશેષ છે.