નવી દિલ્હીઃ દેશના પ્રજાસત્તાક દિવસની મુખ્ય પરેડની થીમ વંદે માતરમ્ પર રખાઈ છે. પરેડ દરમિયાન કર્તવ્યપથ પર 30 ટેબ્લો નીકળશે. જે 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનું તેમજ 13 વિવિધ મંત્રાલયો અને વિભાગોનું પ્રતિનિધિત્વ કરશે.
જે ‘સ્વતંત્રતાનો મંત્ર વંદે માતરમ્ - સમૃદ્ધિનો મંત્ર આત્મનિર્ભર ભારત’ થીમ પર આધારિત હશે. કર્તવ્યપથ પર એન્ક્લોઝરના બેકગ્રાઉન્ડમાં વંદે માતરમ્ સંબંધિત પેઈન્ટિંગ બનાવાશે. મુખ્ય મંચ પર વંદે માતરમના રચિયતા બંકિમચંદ્રને ફૂલોથી શ્રદ્ધાંજલિ અપાશે. આ વખતે ગણતંત્ર દિવસ પરેડના મુખ્ય અતિથિ પહેલીવાર યુરોપિયન કાઉન્સિલના ચેરમેન એન્ટોનિઓ કોસ્ટા અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેઇન પરેડમાં પહેલીવાર બેક્ર્ટિયન ઊંટ, નવી બટાલિયન ભૈરવ માર્ચ પાસ્ટ કરશે.
આ વખતે ફલાઈપાસ્ટમાં ફાઇટર જેટ રાફેલ, એસયુ-30, લડાકુ હેલિકોપ્ટર અપાચે સહિતના 29 વિમાન સામલે થશે. પહેલીવાર રિમાઉન્ટ અને વેટરનરી વિંગના બે ઊંટ, ચાર શિકારી પક્ષી તેમજ 10 સૈન્ય શ્વાન પરેડમાં જોવા મળશે.
મહારાષ્ટ્રનો ગણેશોત્સવ,
બંગાળના સંઘર્ષની ઝલક
2025ની પરેડમાં ભાગ ન લેનારા રાજ્યો આ વર્ષે ભાગ લઈ રહ્યા છે. તેમાં આસામ, છત્તીસગઢ, હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર, કેરળ અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે. આસામના ટેબ્લોમાં આશીરકાંડી ગામની પરંપરાગત હસ્તકલા પ્રદર્શિત કરશે. તો ગુજરાત અને છત્તીસગઢ પોતપોતાની રીતે વંદે માતરમની થીમ રજૂ કરશે. મહારાષ્ટ્રનો ટેબ્લો ગણેશોત્સવને આત્મનિર્ભરતાના પ્રતીક તરીકે દર્શાવશે. પશ્ચિમ બંગાળ સ્વતંત્રતા સંગ્રામમાં બંગાળની ભૂમિકા દર્શાવશે.
ગણતંત્ર દિવસના પરેડના નિમંત્રણપત્રમાં પણ વંદે માતરમની 150મી વર્ષગાંઠનો લોગો મુદ્રિત કરાયો છે. પરેડ પૂર્ણ થયા પછી પણ વંદે માતરમ્ થીમવાળા બેનર સાથેના ગુબારા હવામાં છોડાશે.


