સંગતમાં કવિઓની પંગતે સર્જેલી રંગત: ચીનુ મોદી ખીલ્યા

Tuesday 08th September 2015 13:00 EDT
 
 

આજકાલ બે ઓજસ્વી ગુજરાતી મોદીઓની બોલબાલા છે. બંને પોતાના વાક્ચાતુર્ય ને વાણીના વૈભવથી સૌ ગુજરાતીઓના મન પર છવાઈ ગયા છે. બંને મોદી કવિતાના જીવ છે. બંને વાકપટુતામાં પાવરધાને પ્રવીણ છે. પહેલા મોદી છે વિશ્વપ્રવાસી વડા પ્રધાન નરેન્દ્રભાઈ. એમણે લોકપ્રિયતાના નીત નવા શિખરો સર કર્યા છે. બીજા મોદી છેઃ ડો. ચીનુ મોદી, બળવાખોર કવિ. નવીનતાપ્રેમી અધ્યાપક અને ક્રાંતિકારી વિચારક. એમની અભિવ્યક્તિને એટલા બધા ‘ઈર્શાદ’ મળ્યા કે આ વ્યક્તિવિશેષનું ઉપનામ જ ઈર્શાદ થઈ ગયું. ડો. ચીનુ મોદીએ ગઝલના ચિત્તને ચહેરાને નવી ધારા અને નવા ધોરણો આપ્યા. પરંપરાના પડદામાંથી ગઝલને બહાર કાઢવાના પેંતરા રચ્યા. ડો. ચીનુ મોદી, શ્રી મનહર મોદી, જનાબ આદિલ મન્સુરી ઈ ગઝલકારોએ ગુજરાતી ગઝલને નોખા ઢંગ ને અનોખા રંગ આપ્યા.

આવા વિશેષ કવિ ડો. ચીનુ મોદી આજકાલ ઈંગ્લેન્ડના પ્રવાસે આવ્યા છે. એમનો લાભ લેવા અત્રતત્ર સંસ્કાર સભાઓ અને કાવ્યમિલનો થયા કરે છે. જન્માષ્ટમીના રંગીન દિને આવા એક સંગીન કવિ મિલનનો ભાતીગળ કાર્યક્રમ ‘ગુજરાત સમાચાર’ અને સંગત સેન્ટરના સહયોગથી નોર્થ વેસ્ટ લંડનના હેરો સ્થિત ‘સંગત સેન્ટર’માં યોજાયો. સંગતની આ પંગતમાં અનેક કવિઓએ રંગત જમાવી. એમાં સીમીલિત થવા અનેક સંસ્કારપ્રેમી ને સાહિત્યરસિકો પધાર્યા.

બોલ્ટન (યોર્કશાયર)થી ખાસ આ અવસરને રંગ, રોનક ને રસિકતા આપવા અર્વાચીન ગઝલને ખેરખાં સમા જનાબ અદમ ટંકારવી પધાર્યા.

અદમજીને સાંભળવા એ ચસ્કો લાગે એવો લ્હાવો છે.

યાદોના પરફ્યુમ્સ ઊડે છે

ડનલોપી સપનાં આવે છે

તારી ગલીના લેમ્પપોસ્ટ પર

સાઠ વોટ્સનું ફૂલ ખીલે છે

તારા શહેરની રોનક કેવી

સઘળી ટ્રેનો ત્યાં થોભે છે

આ ઉપરાંત પ્રભાવશાળી પ્રવક્તા ને નજાકતભર્યા શાયર ઈમ્તિયાઝ પટેલ પણ આવ્યા. આજકાલ યુ ટ્યુબ પર આવતા કવિ વિશેષોના એમના ઈન્ટરવ્યુથી તેઓ વધારે જાણીતા છે. એમની સાથે લેસ્ટરથી સોનબાઈના કવિ ડાહ્યાભાઈ પ્રજાપતિ ને જનાબ યુસુફ સિદ્દાતે પણ સથવારો કર્યો.

સ્થાનિક કવિઓ રજૂ થયાં, પોતાની વિશેષકૃતિઓ સાથે ભારતી પંકજ જેને 'વોઈસ ઓફ ધ વોઈસલેસ' કહ્યું છે. નારીની અસ્મિતા આભાને આત્મિયતાના ભાવ ઉકળતી ને ઉભરતી કવિતા એ ભારતી પંકજની વિશેષતા છે. ‘હાજી હાજી’ કરતી નારી આજે હાજીની કહે હરાજી છે. એટલી દાદ મળી કે એમણે બીજી કવિતાથી માહોલ ન વિખેરવાનું પસંદ કર્યું.

જૂના બે કવિઓ હતાઃ યોગેશ પટેલ અને નિરુબહેન દેસાઈ. યોગેશે અંગ્રેજી માધ્યમનો સથવારો કરી ગુજરાતી પ્રતિભાનો ભાવ ઉજાગર કર્યો છે. નિરુબહેને કવિતા ઉપરાંત નારી વિકાસની સમાજ સેવામાં અનુદાન આપ્યું છે. ઉત્સાહિત નવી કલમો નીમાબહેન કક્કડ, ઈલાબહેન શાહ અને રાજેશ રાઠોડને પણ પોતાને પ્રતિ ને પ્રતિભા પ્રગટ કરવાની તક મળી. પંકજ વોરાનો પરિચય આપતાં પ્રો. દીપકા રાવલે કહ્યું છે એમ ‘આ કવિને કવિતા લખતા આવડતું નથી.’ અદમભાઈએ એમનો બહુ ભાવુકતા ને સરસતાથી પરિચય આપ્યો. રાબેતા મુજબ એમની રચનાઓ દાદ પામી.

ને પછી ઢોલ નગારાંને વાજાં વગાડ્યા. કેડે વરરાજાની જેમ પધાર્યા ડો. ચીનુ મોદી. એમની કવિતા તો સૌએ નાણીને પ્રમાણી ને પણ વધારે વખાણી એમની કથીએ. ચીનુભાઈના હમદમ, હમરાહી ને હમરાઝ એવા અદમભાઈએ ચીનુભાઈના ગજાને પોતાના ગજથી માપી દીધો અને હળવી ગંભીર ઘણી રસભરી ને રહસ્યભરી વાતો થઈ. ચાર કલાકની રસચર્ચા ને કાવ્યકથની પછી પણ કોઈ ઘરે જવાનું નામ લેતા નહોતા.

માયા દીપક

આપણા અતિથિમાંથી અત્રેવાસી થઈ ગયેલા માયાબહેન એ પ્રભુના સૂરીલા આશીર્વાદ છે, અને આપણને મળી ગયેલી શુકનની એક ભેટ છે. માયાબહેને કૃષ્ણને અંજલિ આપતા ૪-૫ ગીતો રજૂ કર્યાં.

પંકજભાઈએ એમના પરિચય આપતાં કહ્યુંઃ

‘પ્રતીચિના આકાશમાં પૂર્વનો સૂર છેડનાર માયાને ઘણી ખમ્મા

વિશ્વ ગુજરાતની શ્વાસમાં ગુર્જરીનું ઉર રેડનાર માયાને વાહ વાહ

એ ગુજરાતની લતા નથી, લતાજી બિનગુજરાતની માયા છે

દીપકને છેડીને મલ્હાર ગાનારા માયાને બીજું શું કહીએ? જીયો જીયો

સંગત સેન્ટરની સેવા

સંગત આમ તો સ્થાનિક પ્રજાની અનેકવિધ સમસ્યાનો ઉકેલ કરનારું સેવા કેન્દ્ર છે. પણ આ ઉપરાંત અનેકવિધ સંસ્કાર સમારંભો, ચર્ચા સભા કે અભિવાદન અવસરો બંને યોજાતા રહે છે. સંગત માટે કહી શકીએ ‘સૌથી અનેરુંઃ સૌનું ભેરુ- સંગત’

શ્રી કમલ રાવ તરફથી સ્વાગતમ્ થયું એ જ રીતે 'ગુજરાત સમાચાર' તરફથી સૌના સહયોગ માટે આભાર મનાયો. એક યાદગાર અવસર ને રસસભર અભિવ્યક્તિમાં આ મેળાવડો અનોખો રહ્યો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter