ગયાઃ ભારતીય સંસ્કૃતિ અને પરંપરાનો વ્યાપ હવે વિશ્વના અન્ય દેશોમાં પણ વધી રહ્યો છે ત્યારે જર્મનીના 12 નાગરિકોએ બિહારના ગયામાં પૂર્વજોના આત્માની શાંતિ માટે પિંડદાન કર્યું છે. પિતૃ પક્ષ દરમિયાન 11 મહિલા સહિત 12 જર્મન નાગરિકોએ 11 ઓક્ટોબરે ગયાની ફાલ્ગુ નદીના તટે દેવઘાટ પર પિંડદાન કર્યું હતું. મહિલાઓએ વિધી વખતે સાડી પહેરી હતી જ્યારે પુરુષોએ પિંડદાન વખતે ધોતી પહેરી હતી. બધાંએ વિષ્ણુપદ મંદિર અને દેવઘાટ પર પિતૃઓના આત્માની શાંતિ માટે ‘જલ તર્પણ’ કર્યું હતું. સ્થાનિક બ્રાહ્મણ લોકનાથ ગોરની હાજરીમાં તેમણે તમામ વિધી પૂરી કરી હતી. ગયાનું પિતૃ શ્રાદ્ધ બહુ પવિત્ર ગણાય છે.

