વિશ્વભરના કાશ્મીરી પંડિતો/હિન્દુઓએ 19 જાન્યુઆરી, 2026ના રોજ પોતાનો 36મો હિજરત દિવસ યાદ કર્યો હતો. કાશ્મીરી પંડિતો/હિન્દુઓને 19 જાન્યુઆરી, 1990ના રોજ પોતાની પૈતૃક ભૂમિમાંથી હિજરત કરવાની ફરજ પડી હતી. કાશ્મીરની ખીણમાં હજારો વર્ષ જૂના મૂળનો ઈતિહાસ અને વારસો ધરાવતા કાશ્મીરી પંડિતો/હિન્દુઓનો સમગ્ર લઘુમતી સમુદાય આતંકવાદના ભોગ બનેલા કાશ્મીરની ખીણમાંથી પોતાના ઘર, પોતાના મૂળ અને પોતાની વિરાસતથી ઉખડી ગયો હતો તેની આ પીડાદાયક સ્મૃતિ છે.
19 જાન્યુઆરી, 1990ની હિજરતનું પરિણામ ભયાનક હિંસા, હત્યાઓ, અપહરણ અને આખરે કાશ્મીરી પંડિતો/હિન્દુઓનું વિસ્થાપન બન્યું, જેના કારણે તેઓ પોતાના જ દેશમાં શરણાર્થી બની ગયા હતા. પરિવારો છિન્નભિન્ન થયા, વ્યક્તિઓની નિર્દયતાથી હત્યા કરાઈ, હિન્દુઓની મિલકતોને આગ ચાંપવામાં આવી અને ધાર્મિક સ્થળોને અપવિત્ર કરાયાં હતાં. આજે કાશ્મીરી પંડિતો/હિન્દુઓની સાંસ્કૃતિક ઓળખ લુપ્ત થવાની અણી પર છે અને હજુ પણ વિસ્થાપિત સમુદાય તરીકે જીવન વ્યતીત કરી રહ્યા છે.
ભારત સરકારે 5 ઓગસ્ટ, 2019ના રોજ કલમ 370 અને 35Aને રદ કરી હતી. કાશ્મીરી પંડિતો/હિન્દુઓએ આ પગલાનું સ્વાગત કરી તેને પોતાના પુનર્વસન તથા પૈતૃક ભૂમિમાં પરત ફરવા માટેનું એક મહત્ત્વપૂર્ણ પગલું ગણાવ્યું હતું. કેન્દ્ર સરકારે કાશ્મીરી પંડિતો/હિન્દુઓના વળતર અને પુનઃસ્થાપનના કેટલાક પેકેજ જાહેરત કરેલા છે, પરંતુ વિસ્તારમાં આતંકવાદી હુમલાઓ ચાલુ રહેવાથી સુરક્ષાના પડકારો અને ચિંતાઓ યથાવત્ છે.
સંકટોમાંથી પસાર થયેલા આ મક્કમ કાશ્મીરી પંડિતો/હિન્દુઓ હજુ પણ પોતાના મૂળ અને વારસાને ફરીથી જીવંત કરી શકવા માટે તેમજ તેમના સતત ચાલી રહેલા સંઘર્ષને માન્યતા અને ન્યાય મળશે તે વિશે આશાવાદી છે.
IEKF અને HCUK વતી કૃષ્ણા ભાને જણાવ્યું હતું કે આ પવિત્ર અને ગંભીર દિવસે કાશ્મીરી હિન્દુઓ બાંગ્લાદેશના હિન્દુઓ સાથે એકતાના સંકલ્પ સાથે ઊભા રહી તેમના ન્યાયપૂર્ણ સંઘર્ષને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ. કાશ્મીરી હિન્દુઓ, તેમના દુઃખ-પીડા સાથે સહાનુભૂતિ ધરાવવા સાથે તેમના માનવાધિકારોનું કેવી રીતે ઉલ્લંઘન કરાયું છે તે સમજીએ છીએ. અમારી પ્રાર્થના પોતાની ઓળખ બચાવતાં જીવ આપનારા તમામ લોકો સાથે છે અને અમારા વિચાર પોતાના પ્રિયજનો ગુમાવનારા પરિવારો સાથે છે.
પીડિતોને ન્યાય અને વિસ્થાપિતોનું પુનર્વસન જરૂરી
ફ્રીલાન્સ લેખક અને જમ્મુ અને કાશ્મીરના કર્મશીલ મનુ ખજુરીઆએ જણાવ્યું હતું કે, ‘દરેક 19 જાન્યુઆરીએ દેશ કાશ્મીર ખીણમાંથી કાશ્મીરી હિન્દુઓની હિજરતને યાદ કરે છે. ગત દાયકા દરમિયાન, આવેલી જાગૃતિથી કાશ્મીરમાં લઘુમતીઓના સુઆયોજિત દમન, વંશીય સંહાર અને આ પ્રાચીન કોમ્યુનિટીના બળજબરીથી વિસ્થાપન પર પ્રકાશ પથરાયો છે. આ બાબતે દાયકાઓની ફરજિયાત ચૂપકીદિને તોડી નાખી છે, રિવિઝિનિસ્ટ નેરેટિવ્ઝ્ને ખોખલા બનાવ્યા છે અને ઈસ્લામિસ્ટ જિહાદને ‘આઝાદી’ના જંગનો નકાબ પહેરાવાના પ્રયાસોનો પર્દાફાશ કર્યો છે. જમ્મુના ડોગરા માટે આ સત્યની નવાઈ નથી. જમ્મુ છેક 18મા સદીથી ભારતની નિર્વાસિત છાવણી રહી છે જે અત્યાચારોથી ગ્રસ્ત જૂથોને આશરો આપે છે. તાજા ઈતિહાસમાં પશ્ચિમ પાકિસ્તાન અને પાકિસ્તાનના કબજા હેઠળના જમ્મુ અને કાશ્મીર (POJK)ના હિન્દુ શરણાર્થીઓને પણ સમાવી લીધા છે. પાકિસ્તાની અંકુશ હેઠળના જમ્મુના વિસ્તારો, મિરપુર, ભીમ્બેર અને કોટલીના હિન્દુઓ અને શીખોનો નરસંહાર જંગલિયાતપૂર્ણ અને આઘાતજનક હતો. આનું મૂળ ઈસ્લામિસ્ટ ટેરરિઝમ હોવાનું સ્પષ્ટ કરાવું જોઈએ. જમ્મુ અને કાશ્મીરના ઘા રુઝાવા માટે પીડિતોને ન્યાય અને વિસ્થાપિત હિન્દુઓને તેમની પૈતૃક ભૂમિમાં પુનર્વસન કરાવાય તે આવશ્યક છે.’


