માણસા તાલુકાના વતની, પણ હાલ અમેરિકામાં વસતા બિઝનેસમેન રમણભાઇ પટેલ પરિવાર દ્વારા તાજેતરમાં માણસા, કુકરવાડા, પુંધરા, દેલવાડા ગામની કુલ 23 શાળાઓના વિદ્યાર્થીઓમાં 8000 નંગ પોકેટ શ્રીમદ્ ભગવદ્ ગીતા તથા પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રમણભાઈ પટેલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનો મહિમા સમજાવતા જણાવ્યું હતું કે, જીવનમાં હંમેશા સારા કર્મ કરતા રહેશો તો તેનું ફળ અવશ્ય સારું જ પ્રાપ્ત થશે. કર્મ અને નીતિ ચોખ્ખી હશે તો જીવનને વૃંદાવન બનાવશે માટે કુટેવોથી દુર રહેવા માટે અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે શ્રીમદ્ ભગવદ્ ગીતા એક એવો ધાર્મિક ગ્રંથ છે જેના વાંચનથી, સાથે રાખવાથી બાળકની વૃત્તિ આધ્યાત્મિક તરફ ઢળે અને તેઓ ભવિષ્યમાં સારું શિક્ષણ, સંસ્કાર પ્રાપ્ત કરી શકે તે ઉદ્દેશથી વિતરણ કરાયું છે. આ પ્રસંગે ૪૮ પટેલ સમાજના પ્રમુખ તથા પોલીસ હાઉસિંગ નિગમના પૂર્વ ચેરમેન ડી.ડી.પટેલ, ટ્રસ્ટીઓ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.


