લંડન સ્થિત ભારતીય હાઈ કમિશન અને બ્રિટનમાં વસતાં ભારતીયો દ્વારા આયોજિત 79મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં સામેલ થવાનો અવસર અમારા માટે બહુ જ પ્રેરણાદાયી બની રહ્યો. આ પ્રસંગે અમને ગુજરાત સમાચાર - એશિયન વોઇસના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ સહિતના અનેક મહાનુભાવો તેમજ મિત્રોને હળવામળવાનો અવસર પૂરો પાડ્યો. આપણે જ્યારે વિદેશમાં રહીને તિરંગા તળે સંગીત, નૃત્ય અને સાંસ્કૃતિક કાર્યક્રમો થકી આપણી પરંપરાઓને જીવંત રાખીએ છીએ, ત્યારે મન ગર્વ અને દેશપ્રેમથી ઓતપ્રોત થઈ જાય છે. આ ઉજવણીમાં મને નેશનલ એસોસિએશન ઓફ પાટીદાર સમાજ તરફથી પરંપરાગત ગુજરાતી નૃત્ય પ્રસ્તુત કરવાનો અવસર મળ્યો તેને મારા માટે હું અત્યંત સન્માનજનક પળ ગણું છું. આવો ઉત્સવ આપણને એકતા, પરંપરા અને પ્રગતિ – ત્રણેયને સાથે જાળવવાની પ્રેરણા આપે છે. વિદેશમાં વસતા ભારતીયો માટે તો આ દિવસ આપણાં મૂળ સાથેના જોડાણનું પ્રતીક છે એમ કહું તો પણ ખોટું નથી.