લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર -નીસડન ટેમ્પલમાં દિવાળીની ઉજવણી ઈશ્વર પ્રત્યે પ્રેમ, દાન, પારિવારિક મૂલ્યો, શુભેચ્છા અને કોમ્યુનિટી સદભાવનાનું પ્રતીક બની રહી હતી. લંડનસ્થિત આ સ્વામીનારાયણ મંદિરમાં હજારો ભક્તો અને મુલાકાતીઓએ હિન્દુ ધર્મની સંસ્કૃતિની સમૃદ્ધ પરંપરા અનુસાર ૧૧ નવેમ્બરે દિવાળી અને ૧૨ નવેમ્બરે નૂતન નર્ષની ઉજવણી કરી હતી.
દિવાળીના દિવસની સાંજે વરિષ્ઠ સાધુ સદગુરુ પૂજ્ય સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી)ની હાજરીમાં ઘર અને બિઝનેસ માલિકો માટે ચોપડા પૂજનનો વિશિષ્ટ કાર્યક્રમ ઉજવાયો હતો. બિઝનેસ માલિકોએ તેમના વર્તમાન હિસાબી ચોપડાનું કાર્ય બંધ કરી આગામી વર્ષ માટે નવા હિસાબી ચોપડા તૈયાર કરવાની કામગીરી આરંભી હતી. આ કાર્યમાં ઈશ્વર સાથે આધ્યાત્મિક સંબંધનું પ્રતિબિંબ જોવાં મળતું હતું.
ઉત્સાહી લોકોએ રાત્રે ગિબન્સ પાર્ક ખાતે ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ માણ્યો હતો. સ્થાનિક કાઉન્સિલરો મુહમ્મદ બટ્ટ અને કૃપા શેઠ પણ અવાજ અને રંગના તેજસ્વી અને ભવ્ય સંયોજનને માણવા જનમેદન સાથે જોડાયાં હતાં.
સમગ્ર વિશ્વમાં શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના સાથે ૧૨ નવેમ્બરે હિન્દુ નૂતન વર્ષનો આરંભ થયો હતો. મંદિરના મુલાકાતીઓએ ઈશ્વરની કૃપાનો આભાર માનવા માટે તૈયાર કરાયેલા અન્નકૂટના દર્શન કર્યા હતા. સેંકડો પ્રકારના શુદ્ધ શાકાહારી ભોજન-વાનગીઓની કળામય ગોઠવણી યુરોપમાં આ પ્રકારના ભક્તિપૂર્ણ નૈવેદ્યમાં સૌથી મોટી ગણાય છે.
નવા વર્ષે આભારપ્રદર્શનની થીમ અનુસાર બાળકોએ બીબીસીના ‘ચિલ્ડ્રન ઈન નીડ’ અભિયાન માટે ભંડોળ એકત્ર કર્યું હતું. બાળ સ્વયંસેવકોએ ઉદાર હાથે દાન આપવા મુલાકાતીઓને અનુરોધ કર્યો હતો.