BAPS વિમેન્સ ફોરમ, યુકે દ્વારા ઈન્ટરનેશનલ વિમેન્સ ડે ઉજવાયો

Wednesday 23rd March 2016 06:53 EDT
 
 
લંડનઃ BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન લંડન દ્વારા શનિવાર, ૧૨ માર્ચે ઈન્ટરનેશનલ વિમેન્સ ડેની ઉજવણી કરવા ૮૦૦થી વધુ મહિલાઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. યુનાઈટેડ નેશન્સ દ્વારા માન્ય આ વૈશ્વિક દિનની ઉજવણીનું આયોજન BAPS વિમેન્સ ફોરમ, યુકે દ્વારા કરાયું હતું, જેનું લક્ષ્ય પરિવર્તનની પ્રેરણા સાથે મહિલાઓને જાગૃત બનાવી, તેમના સશક્તિકરણ મારફત તેમના ખુદના જીવન, પરિવારો અને સમાજમાં વિધેયાત્મક પરિવર્તન લાવવાનું હતું. વૈશ્વિક ઈતિહાસમાં સ્ત્રીઓની નોંધપાત્ર સિદ્ધિઓના માનમાં દર વર્ષે આઠમી માર્ચે વિશ્વના લોકો અને સંસ્થાઓ સાથે મળી તેમના પ્રદાનની ઉજવણી કરે છે. યુએન દ્વારા ૧૯૭૭માં આ દિનને માન્યતા અપાઈ હતી, પરંતુ ૨૦મી સદીના આરંભથી જ સમગ્ર વિશ્વ આ દિવસ ઉજવતું આવ્યું છે. ‘ક્રીએટિંગ ધ સ્ટ્રોંગર યુ’ ઈવેન્ટ થકી તમામ વય અને પશ્ચાદભૂની મહિલાઓના જીવનમાં અનેક ચાવીરૂપ પાસાનું નિરાકરણ લાવી સશક્તિકરણ દ્વારા તેમને વધુ આત્મવિશ્વાસી, તંદુરસ્ત અને મજબૂત વ્યક્તિઓ બનાવાય છે. આરોગ્ય અને પોષણથી માંડી ભાવિના આયોજન, આત્મવિશ્વાસ નિર્માણ, ધાકધમકીના સામના સહિત વિવિધ વિષયો પરના વર્કશોપથી ડેલિગેટ્સને રોજબરોજના પડકારોનો સામનો કરવાની તેમની ગર્ભિત ક્ષમતા સમજવામાં મદદ મળી હતી.આ દિવસે ધ્યાનાકર્ષક સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમની એક પાર્ટીસિપેન્ટ ભાવિષા પાંચમાટીઆએ કહ્યું હતું કે નીસડન ટેમ્પલ ખાતેની ઉજવણી પ્રેરણાદાયી હતી. હું હવે આયોજનનું મહત્ત્વ સમજી છું અને પડકારોથી ગભરાઈશ નહિ. તેના સામના માટે તૈયાર છું.’ કાર્યક્રમના એક આયોજન હિનલ પટેલે કહ્યું હતું કે, ‘મોટા ભાગે સ્ત્રીઓ જીવનભર પ્રાથમિકતાઓને સંતુલિત કરે છે અને પોતાની કરતાં બીજાની જરૂરિયાતોને પ્રાધાન્ય આપે છે. આ કાર્યક્રમે તેમની લાંબા ગાળાની પ્રાથમિકતા વિચારવાની સ્ત્રીઓને તક આપી રચનાત્મક પરિવર્તન લાવવા પ્રેરણા આપી છે.’

comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter