BAPSના આધ્યાત્મિક ગુરુ મહંત સ્વામીની પ્રથમ યુકે મુલાકાત

Tuesday 13th June 2017 15:01 EDT
 
 

લંડનઃ BAPS સ્વામીનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક ગુરુ અને વૈશ્વિક BAPS સ્વામીનારાયણ ફેલોશિપના અધ્યક્ષ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પૂજ્ય શ્રી પ્રમુખ સ્વામી મહારાજના અક્ષરવાસ પછી ગુરુવાર, ૧૫ જૂને પ્રથમ વખત યુકેની મુલાકાતે આવી રહ્યા છે. આ પછી તેઓ ઓટમમાં પણ યુકેની મુલાકાત લેશે. પૂ. મહંત સ્વામીની યુકેની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોનું શાનદાર આયોજન કરાયું છે. પૂ. મહંત સ્વામીના આગમન સમયે તેમને સ્વાગત સાથે વધાવી લેવા ચાતક નજરે રાહ જોઈ રહેલા ભક્તો માટે પૂ. મહંત સ્વામીના આગમન સ્વાગત, દૈનિક પૂજા અને દર્શન, સત્સંગ શિબિર, સ્વાગત સભા, BAPS 10K ચેલેન્જ- સ્પોન્સર વોક, અસ્થીપુષ્પ પૂજન, કિર્તન સંધ્યા - સત્સંગ સભા અને વિદાય સભા સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

તા. ૧૫ જૂનના રોજ સાંજે ૪ વાગે નીસ્ડન સ્થિત સ્વામિનારાયણ મંદિર ખાતે લંડન અને આજુબાજુના શહેરોના બાળભક્તો દ્વારા પરંપરાગત અને સાંસ્કૃતિક વસ્ત્ર પરિધાન કરીને ધ્વજાઓ ફરકાવી, પુષ્પ વર્ષા કરી પૂ. મહંત સ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. આ સમયે બાળકોને હવેલીના વોકવેમાં ચોક્કસ પેટર્નમાં ઉભા રાખવામાં આવશે.

પૂ. મહંત સ્વામીનો પરિચય

પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરવાસી થવા અગાઉ જ પોતાના ઉત્તરાધિકારી તરીકે મહંત સ્વામીની નિયુક્તિ કરી હતી. પૂ. મહંત સ્વામી અને તેમણે BAPS સંસ્થા અને હરિભક્તોને આપેલી સેવાઓ અને સંસ્કારથી કોણ અજાણ હોઇ શકે? તા. ૧૩-૯-૧૯૩૩ના રોજ જન્મેલા મહંત સ્વામીનું સંસારી નામ વિનુભાઈ પટેલ હતું. પૂ. મહંત સ્વામીના સંસારી પિતાનું નામ મણીભાઈ નારણભાઈ પટેલ અને માતાનું નામ ડાહીબહેન પટેલ હતું. બન્ને પતિ-પત્ની શાસ્ત્રીજી મહારાજના ચુસ્ત શિષ્ય હતા.

પૂ. સ્વામીજીએ પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ જબલપુરમાં લીધું અને મેટ્રીક પાસ થઈ ત્યાંની ક્રિશ્ચિયન સ્કૂલમાં દાખલ થયા. આ પછી તેમણે આણંદની કૃષિ કોલેજમાં અભ્યાસ કર્યો હતો. તેઓ કોલેજકાળમાં ૧૯૫૧-૫૨માં યોગીજી મહારાજને મળ્યા અને તેમનાથી પ્રભાવિત થઈ સાધુ જીવન ગાળવાની પ્રેરણા મળી. વિનુભાઈ પટેલને ૨૪ વર્ષની વયે પાર્શ્વદ દીક્ષા મળી અને તેમનું નામ વિનુ ભગત રખાયું હતુ. યોગીજી મહારાજ સાથે પ્રવાસમાં વિનુ ભગત સેવામાં હાજર રહેતા હતા. તેમને ૨૮ વર્ષની વય પછી ૧૯૬૧માં ગઢડામાં મહંત સ્વામીને ૫૬ વર્ષ અગાઉ યોગીજી મહારાજે દીક્ષા આપી હતી અને સાધુ કેશવજીવનદાસનું નામ મળ્યું હતું.

સૌ પ્રથમ મહંત સ્વામીએ યુવાનોને પ્રેરણાત્મક સંદેશો આપ્યો હતો કે વેકેશનમાં થીમ પાર્ક કે બીજા આનંદ પ્રમોદમાં સમય વેડફવો નહિ. અમેરિકામાં હિન્દુઓનુ મોટું ગેધરીંગ અટલાન્ટા (અમેરિકા)માં યોજાયું હતું. તેમાં સ્વામીનારાયણ પંથના ૮,૦૦૦ જેટલા યુવાનો એકત્ર થયા હતા. યુવાનોને મહંત સ્વામીએ જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય અને ધર્મનો સંદેશ આપ્યો. મેળાવડામાં સ્વામીનારાયણ પંથના યુવક-યુવતીઓએ નૃત્ય-ગીતો દ્વારા ધર્મનો સંદેશ આપ્યો. અહીં મહંત સ્વામીએ તેમનું પ્રથમ પ્રવચન કર્યું હતું. દીક્ષા પછી સતત પંચાવન વર્ષ નિષ્ઠાપૂર્વક વિવિધ મંદિરોમાં તેઓ સેવા કરતા રહ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે તેમની સેવાથી પ્રભાવિત થઈ ૨૦૧૨માં પોતાના ઉત્તરાધિકારી નીમ્યા હતા.

જગતભરમાં ૭૧૩ મંદિર ધરાવતી BAPS સ્વામીનારાયણ સંસ્થાની ગુરુ પરંપરામાં (૧) ગુણાતીતાનંદ સ્વામી (૨) ભગતજી મહારાજ (૩) શાસ્ત્રીજી મહારાજ (૪) યોગીજી મહારાજ અને (૫) પ્રમુખ સ્વામી મહારાજ પછી મહંત સ્વામી છઠ્ઠા આધ્યાત્મિક ગુરુ નેતા છે.

પૂજ્ય મહંત સ્વામીના કાર્યક્રમો 

આગમનઃ ગુરુવાર, ૧૫ જૂન ૨૦૧૭

મંદિર તરફથી જણાવ્યા મુજબ પૂ. મહંત સ્વામી આગમન સમયે એરપોર્ટ પર કોઈને દર્શન આપી શકશે નહિં. પરંતુ પૂજ્યશ્રીના આગમન નિમિત્તે મંદિર ખાતે ટુંકી સ્વાગત સભાનું આયોજન કરાયું છે જેમાં સૌ ભક્તોને દર્શન અને મહાપ્રસાદનો લાભ મળશે.

દૈનિક પૂજા અને દર્શન

શનિવાર ૧૭ જૂનથી બુધવાર ૨૧ જૂન ૨૦૧૭

પૂ. મહંત સ્વામી સવારે ૬.૪૫થી ૭.૧૫ - નીલકંઠવર્ણી અભિષેક અને શણગાર આરતીમાં ભાગ લેશે. જેમને તમામ બેઠક એરિયામાં ઉપસ્થિત હરિભક્તો સીસીટીવી મારફત દર્શન કરી શકશે. સવારે ૭.૧૫થી ૮.૧૫- પૂજા દર્શન અને પછી નાસ્તાની વ્યવસ્થા કરાઇ છે.

સત્સંગ શિબિર: શનિવાર ૧૭ જૂન ૨૦૧૭

સત્સંગ શિબિર માટે મંદિર તરફથી શાયોના ખાતે આગોતરું રજિસ્ટ્રેશન કરાવવા વિનંતી કરાઇ છે. રજિસ્ટ્રેશન અને બ્રેકફાસ્ટ: સવારે ૮થી ૧૦; શિબિરઃ સવારે ૧૦થી બપોરના ૪ થશે.

સ્વાગત સભા - શનિવાર ૧૭ જૂન ૨૦૧૭

સમયઃ સાંજના ૫થી ૭ અને તે પછી સમીપ દર્શન.

BAPS ટેન કે ચેલેન્જ- સ્પોન્સર વોક

મંદિર દ્વારા અલ્ઝાઈમર્સ સોસાયટીના લાભાર્થે રવિવાર તા. ૧૮ જૂન ૨૦૧૭ના રોજ સવારના ૯થી બપોરના ૧ દરમિયાન ગિબન્સ પાર્ક, સ્વામીનારાયણ સ્કૂલની પાછળ, નિસ્ડન ખાતે BAPS ટેન કે ચેલેન્જ- સ્પોન્સર વોકનું આયોજન કરાયું છે. જેનું રજિસ્ટ્રેશન શનિવાર ૧૭ જૂન ૨૦૧૭ના રોજ બપોરના ૧૨ પછી શરૂ થશે. હરિભક્તોને શનિવારની સાંજ સુધીમાં નામ નોંધાવી લેવા અને ૧૮ તારીખે રવિવારે સવારે પૂજા દર્શન સમયે તેમના ટી-શર્ટ્સ પહેરીને આવવા જણાવાયું છે. ઓનલાઈન ફંડિંગ પ્લેટફોર્મ માટે વેબસાઇટ wwwjustgiving.com/b-a-p-sની મુલાકાત લેવા વિનંતી.

અસ્થીપુષ્પ પૂજન

રવિવાર ૧૮ જૂન ૨૦૧૭

પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજના અસ્થીપુષ્પ પૂજન લંડન મંદિર ખાતે થશે. તે પછી તા. ૧૮ના રોજ બપોરે ૪.૩૦થી સાંજના ૭ દરમિયાન અસ્થીપુષ્પ વિસર્જન ધ પાથ, સેન્ટ થોમસ હોસ્પિટલ ગાર્ડન્સ પાસે, પાર્લામેન્ટ હાઉસીસની સામે, વેસ્ટમિન્સ્ટર બ્રિજ પાસે, લંડન SE1 7EHખાતે થશે.

કિર્તન સંધ્યા - સત્સંગ સભા

પૂ. મહંત સ્વામીની ઉપસ્થિતીમાં સોમવાર ૧૯ જૂન ૨૦૧૭ સાંજના ૬થી ૮ દરમિયાન કિર્તન સંધ્યા અને મંગળવાર ૨૦ જૂન ૨૦૧૭ના રોજ સવારના ૯થી બપોરના ૧૨ દરમિયાન સત્સંગ સભાનું આયોજન કરાયું છે.

વિદાય સભા

પૂ. મહંત સ્વામીને વિદાય આપવા ખાસ સભાનું આયોજન મંગળવાર તા. ૨૦ જૂન ૨૦૧૭ના રોજ સાંજના ૬થી રાત્રિના ૮ સુધી કરવામાં આવ્યું છે. પૂ. સ્વામી શ્રી બુધવાર ૨૧ જૂન ૨૦૧૭ના રોજ સવારના ૧૦ કલાકે અમેરિકા જવા વિદાય પ્રસ્થાન કરશે.

પૂ. મહંત સ્વામીના રોકાણ દરમિયાન દેશ વિદેશના ભક્તોને કિર્તન - પ્રવચન અને વિવિધ કાર્યક્રમોનો લાભ મળે તે માટે મંદિર દ્વારા ખાસ દરે રહેવા માટે વિવિધ હોટેલ્સમાં રુમ્સ રીઝર્વ રખાયા છે. જેની વેબ લિન્ક વેબસાઈટ પરથી મળી રહેશે.

પૂ. મહંત સ્વામી મહારાજશ્રીના આગમન, સ્વાગત તથા મુલાકાત વિષયક અન્ય માહિતી માટે વેબસાઈટ https://events.uk.baps.org/msm17ની મુલાકાત લેવા વિનંતી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter