PM સ્ટાર્મર દ્વારા 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે થાઈ પોંગલની ઊજવણી યોજાઈ

Wednesday 22nd January 2025 05:03 EST
 
 

લંડનઃ પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે 20 જાન્યુઆરી, સોમવારે થાઈ પોંગલની ઊજવણી કરવા બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના સભ્યોને 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આમંત્ર્યા હતા. સ્ટ્રેટફોર્ડ એન્ડ બાઉના સૌપ્રથમ ચૂંટાયેલાં તામિલવંશી બ્રિટિશ સાંસદ ઉમા કુમારન પણ રંગબેરંગી પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ કોમ્યિુનિટીના સભ્યોને આવકારવા પ્રાઈમ મિનિસ્ટર સાથે જોડાયાં હતાં.

પ્રાઈમ મિનિસ્ટર કેર સ્ટાર્મરે બ્રિટિશ જીવનમાં તામિલ કોમ્યુનિટીના મહત્ત્વપૂર્ણ યોગદાનને બિરદાવ્યું હતું અને તમામ કોમ્યુનિટીઓના વિકાસ અને સફળતામાં સપોર્ટ કરવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરુચ્ચાર કર્યો હતો.

તામિલવંશી બ્રિટિશ સાંસદ ઉમા કુમારને કહ્યું હતું કે,‘થાઈ પોંગલ આભાર વ્યક્ત કરવાનો અને બ્રિટિશ તામિલ તરીકે સાંસ્કૃતિક વારસાને ઉજવવાનો સમય છે. પ્રાઈમ મિનિસ્ટરે આ પવિત્ર ઈવેન્ટના યજમાન બની તામિલ કોમ્યુનિટીને સૌપ્રથમ વખત 10, ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આવકારી તેનું મને ગૌરવ છે.’

પાક લણવાના પરંપરાગત ઉત્સવ નિમિત્તે આ ઈવેન્ટમાં યુકેસ્થિત તામિલ કોમ્યુનિટીના સભ્યો એકત્ર થયા હતા. યુકેની બ્રિટિશ તામિલ કોમ્યુનિટીના યોગદાનને પણ આ ઈવેન્ટમાં બિરદાવાયું હતું. ઉપસ્થિતોમાં સાયન્સ, હેલ્થકેર, એજ્યુકેશન, બિઝનેસ, આર્ટ્સ અને સ્પોર્ટ્સ સહિતના વિવિધ ક્ષેત્રોના લોકોનો સમાવેશ થયો હતો. આ ઈવેન્ટમાં પરંપરાગત મ્યુઝિક, ડાન્સ પરફોર્મન્સીસ અને પ્રવચનો પણ થયા હતા જેમાં યુકેસ્થિત તામિલ કોમ્યુનિટીની પ્રગતિને પ્રતિબિંબિત કરવામાં આવી હતી.

 


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter