લંડનઃ માર્ગો પર સસ્તી રાઈડ્સ આપતી કંપની ઉબેરનું લાયસન્સ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (TfL) દ્વારા આગામી મહિનાથી અમલમાં તે રીતે રદ કરી દેવાયું છે. કંપની ખાનગી હાયર લાયસન્સ માટે ‘અયોગ્ય છે તેમજ જાહેર સલામતી સંદર્ભે કોર્પોરેટ જવાબદારીના અભાવ’ના મુદ્દે લેવાયેલા આ નિર્ણયના પરિણામે ૪૦,૦૦૦ જેટલા મિનિકેબ ડ્રાઈવરના ભાવિ તેમજ ૩.૫ મિલિયન લંડનવાસીઓની પરિવહન સુવિધા સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. TfLના વડા મેયર સાદિક ખાને ટીપ્પણીમાં કહ્યું હતું કે કંપનીઓએ નિયમોનું પાલન કરવું જોઈએ. ઉબેરના ડ્રાઈવરો દ્વારા આચરાતા ગુનાઓ રિપોર્ટ કરવામાં કંપની નિષ્ફળ ગઈ છે.
દરમિયાન ઉબેરના ચીફ એક્ઝિક્યુટિવ દારા ખોશરોવશાહીએ કંપની દ્વારા કરાયેલી ભૂલો બદલ લંડનવાસીઓની માફી માગવા સાથે જણાવ્યું હતું કે તેઓ TfLના નિર્ણય સામે અપીલ કરશે. TfL દ્વારા ઉઠાવાયેલા મુદ્દાઓમાં ઉબેરના ડ્રાઈવરો દ્વારા ગંભીર ગુનાઓના રિપોર્ટિંગ અંગે તેનું વલણ, ડ્રાઈવર્સના મેડિકલ સર્ટિફિકેટ્સ મેળવવામાં ગેરરીતિ, ક્રિમિનલ રેકોર્ડ્સની તપાસ તેમજ કાયદાપાલનને ગેરમાર્ગે દોરવા ટેકનોલોજીના ઉપયોગ સહિતનો સમાવેશ થાય છે.
સમગ્ર વિશ્વના ૬૩૦ શહેરમાં પાંચ બિલિયનથી વધુ પેસેન્જર્સ હોવાનો દાવો કરતી સિલિકોન વેલીની કંપની ઉબેરને ભય છે કે લંડનના પરિવહન રેગ્યુલેટર્સના નિર્ણયના પગલે અન્ય દેશોમાં પણ તેના વિરુદ્ધ આવા પગલાં લેવાશે. ઉબેર દ્વારા સૂચિત કાનૂની કાર્યવાહી હાથ ધરાય તે અગાઉ TfLના નિર્ણયથી મુશ્કેલીમાં મૂકાનારા ૭૬૦,૦૦૦ લંડનવાસીએ આ નિર્ણય પાછો ખેંચવાની પિટિશન પર સહીઓ કરી છે. આ નિર્ણયથી તેમને મોડી રાત્રે ઘેર જવામાં તકલીફ નડશે.


