VHP UKના અગ્રણી ઠાકોરભાઈ પટેલને શ્રદ્ધાંજલિ

Tuesday 14th September 2021 16:32 EDT
 
 

VHP UKના અગ્રણી સ્થાપક ઠાકોરભાઈ ભૂલાભાઈ પટેલનું ૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ ૭૯ વર્ષની વયે દુઃખદ અવસાન થયું હતું. તેમનો જન્મ નવસારી પાસેના દાતેજ ગામે ૧૦ ઓક્ટોબર ૧૯૪૨ના રોજ થયો હતો. તેઓ માત્ર પાંચ વર્ષની વયે કેન્યા ગયા હતા. તેઓ પૂણેની ફર્ગ્યુસન કોલેજમાં વધુ અભ્યાસ માટે ૧૯૬૦માં ભારત આવ્યા હતા અને ફિઝિસિસ્ટ તરીકે ગ્રેજ્યુએટ થયા હતા.

તેઓ પૂણેમાં હતા ત્યારે સંઘ કાર્યાલયમાં રહ્યા હતા અને સંઘના સંસ્કારો ગ્રહણ કર્યા હતા. તે સંસ્કારો સાથે ઠાકોરભાઈ કેન્યા પાછા ફર્યા હતા. તેઓ નાઈરોબીના ઈસ્ટલેની પ્રતાપ શાખામાં જતા હતા અને કાર્યકર્તા બન્યા.

૧૯૬૬માં તેઓ માન્ચેસ્ટર યુનિવર્સિટીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ કરવા માટે યુકે આવ્યા હતા. તેમણે થોડા વર્ષ માટે ત્યાં લેક્ચરર તરીકે ફરજ બજાવી હતી.

૧૯૬૯માં ઠાકોરભાઈના લગ્ન કાંતાબેન સાથે થયા હતા. પાછળથી તેઓ ધર્મને લગતી પ્રવૃત્તિઓમાં પ્રોત્સાહન આપવામાં તેમના સાથી બન્યા હતા.

સંઘ સાથેના શરૂઆતના દિવસોમાં ઠાકોરભાઈ HSS UKના નોર્થ મંડળ કાર્યવાહ હતા. તેમણે નોર્થના મુખ્ય શહેરોમાં શાખાઓ સ્થાપવા ખૂબ પ્રવાસ કર્યો હતો.

VHPના નેજા હેઠળના પ્રથમ મંદિરો પૈકી એક એવા લીડ્સ મંદિરની ૧૯૬૯માં સ્થાપનામાં ઠાકોરભાઈએ નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ૧૯૭૪માં તેમના માર્ગદર્શન હેઠળ બ્રેડફર્ડમાં પ્રથમ કાર્યકર્તા વર્ગ યોજાયો હતો. ૧૯૭૫માં નોર્થ મંડળ કાર્યવાહ તરીકે તેમણે બ્રેડફર્ડ યુનિવર્સિટી કેમ્પસમાં ઐતિહાસિક પ્રથમ સંઘ શિક્ષા વર્ગ (SSV) યોજ્યો હતો.

ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં VHP મંદિર સ્થાપવામાં પણ તેમણે મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. બોલ્ટન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા ખરેખર VHP UK માટે સીમાચિહ્ન હતું. ૧૯૭૫ – ૭૬માં ઠાકોરભાઈએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડ પાસેથી ચર્ચ લેવા માટે સતત વાટાઘાટો કરી હતી અને ચર્ચ બિલ્ડીંગ મેળવીને ત્યાં બોલ્ટન મંદિર બનાવાયું હતું.

તેઓ ખૂબ મોટી મલ્ટિનેશનલ કંપની ફિલિપ્સમાં સિનિયર સાયન્ટિસ્ટ/નવી પ્રોડક્ટ્સના ઈલેક્ટ્રોનિક્સ ડેવલપર તરીકે જોડાયા હતા. આ પ્રોડક્ટ્સમાં ટીવી ડાયોડ હતો જે તે સમયના તમામ ટીવીનો મુખ્ય આધાર બની ગયો હતો.

કેટલાંક વર્ષ સુધી એક ફ્લેટમાં રહ્યા પછી ૧૯૭૭માં તેમણે કાન્તાબેન માટે હાલનું મકાન ખરીદ્યું હતું. તેમાં રોઝ ગાર્ડન છે જે તેમને ખૂબ ગમતો હતો.

છેલ્લે છેલ્લે તેમની તબિયત સારી રહેતી ન હતી. થોડા દિવસ અગાઉ જ તેઓ કોવિડ – ૧૯ સંક્રમિત થયા હતા અને તેમને રોયલ બ્લેકબર્ન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ત્યાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમનું અવસાન આપણા સૌને માટે અકલ્પનીય અને અસહ્ય આઘાત હતો.

ઠાકોરભાઈ તેમની પાછળ પત્ની કાન્તાબેન, ત્રણ પુત્રીઓ અનિતા, સુનિતા અને ગીતા તથા તેમના પાર્ટનર અને ગ્રાન્ડચીલ્ડ્રન મેલીસા, જેસન અને કાયેલનને છોડી ગયા છે. તેઓ તેમના ગુરુ, મિત્ર, માર્ગદર્શક અને પ્રેરણાસ્રોત હતા. ઠાકોરભાઈ સાત સંતાનોમાં સૌથી મોટા હતા. તેઓ તેમની પાછળ કમુબેન અને શાંતાબેન અને કાંતિભાઈ, ભગુભાઈ, જયાબેન અને વિનુભાઈને છોડી ગયા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter