અક્સબ્રીજ, ડેનહામમાં આવેલા અનુપમ મિશન ખાતે ભારતના ૭૦મા સ્વાતંત્ર્યદિન તથા શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.મંદિરના પ્રાંગણમાં ઇંગ્લેન્ડ તથા ભારતના રાષ્ટ્રધ્વજ ફરકાવીને તેને સલામી આપવામાં આવી હતી. રાષ્ટ્રગીતના ગાન બાદ જાણીતા ગાયક સુશ્રી માયા દીપકે રાષ્ટ્રભક્તિના ગીતો રજૂ કરીને સૌને દેશભક્તિભાવમાં તરબોળ કર્યા હતા.
આ પ્રસંગે લોકલ કાઉન્સિલરો રોઝર રીડ, રાલ્ફ બેગ, સ્ટીવ જોલી, હિન્દુ ફોરમ બ્રિટનના પ્રમુખ તૃપ્તીબેન પટેલ,ભારતીય હાઈકમિશનના અનિલ સબરવાલ,સ્વામીની નિત્યાનંદા, બળવંતભાઈ જાની,અશોક બાબુજી, દિનેશ ધામેચા, દિપેન રૂધાણી,અશ્વિનભાઈ, શાંતિભાઈ અને ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી.પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
તા.૧૪ ઓગસ્ટની રાત્રે મંદિરમાં પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા સાથે શ્રી કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરાઈ હતી. પૂ. અધ્યાત્મનંદ સ્વામીએ ભગવાન કૃષ્ણના જીવનનું સુંદર દર્શન કરાવ્યું હતું. સંત ભગવંત સાહેબજીએ જણાવ્યું કે,ભગવાનના આવા અવતારો કૃપા કરી આ ધરતી ઉપર આપણા સૌના કલ્યાણ કરવા પધારે છે. માનવી જેવા જ ચરિત્રો કરે છે માટે આપણે ઓળખીએ શકતા નથી પરંતુ હવે જાગૃત થઈ તેઓનો મહિમા સમજીએ.આ પ્રસંગે સુશ્રી માયા દીપક, સુશ્રી દિપ્તી દેસાઈ તથા અમીત ઠક્કર દ્વારા શ્રી કૃષ્ણભક્તિના સુંદર ભજનો પ્રસ્તુત કરાયા હતા. અંતમાં યુવક મંડળ દ્વારા મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો.


