અનુપમ મિશન-ડેનહામ દ્વારા નિર્માણ પામી રહેલ ૐ હિન્દુ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટના પ્રોગ્રેસ રિપોર્ટ પ્રેઝન્ટેશન માટે ગુરુહરિ પ.પૂ. જશભાઈ સાહેબજીની દિવ્ય ઉપસ્થિતિમાં રવિવાર, 19 એપ્રિલના રોજ એક સુંદર અને ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે સી.બી. પટેલ, ભારતીય વિદ્યા ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. નંદાકુમારા એમબીઇ, લોર્ડ રેમી રેન્જર, પૂ. શૌનક ઋષિ દાસજી, હિન્દુ ફોરમ ઓફ બ્રિટનના પ્રમુખ તૃપ્તિબહેન પટેલ, રશ્મિભાઈ ચટવાણી, સુનિલભાઈ તથા જલારામ મંદિરના ટ્રસ્ટીઓ, પ્રમોદભાઈ ઠક્કર, સુધીરભાઈ ઠક્કર (લેસ્ટર), મનુભાઈ રામજી, ઋજુ માર્શલ સહિત સચખંડ નાનક ધામના ટ્રસ્ટીઓ, સંજયભાઈ ગઢવી સહિત ઈસ્કોન ટેમ્પલના ટ્રસ્ટીઓ, મહાવીર ફાઉન્ડેશનના ચંદ્રકાંતભાઈ શાહ, નવનાત સેન્ટરના જશવંતભાઇ દોશી સહિતના ટ્રસ્ટીઓ, આ ઉપરાંત સ્વામિનારાયણ સંપ્રદાય, જલારામબાપા, લોહાણા સમાજ જેવા વિવિધ સંપ્રદાયો અને જ્ઞાતિઓના આગેવાનો, ઇંગ્લેન્ડના નામાંકિત ઉદ્યોગપતિઓ, સમાજસેવકો, ડોક્ટર્સ, સોલિસિટર્સ તથા અનુપમ મિશનના સંતો-ભક્તો સહિત આશરે 400 જેટલા ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ૐ સ્મશાનગૃહના નિર્માણ માટે અત્યાર સુધી થયેલી પ્રગતિ અંગે વિગતવાર પ્રોજેક્ટ અપડેટ આપવામાં આવ્યો હતો. ભાવિષાબેને કાર્યક્રમનું સુંદર સંકલન કર્યું હતું અને સ્લાઇડ શો દ્વારા ૐ સ્મશાનગૃહના વિકાસકાર્ય તથા ભાવિ આયોજન અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું.
પ્રાસંગિક પ્રવચન કરતાં પૂ. સતીશભાઈ ચટવણીએ જણાવ્યું હતું કે અનુપમ મિશન દ્વારા યુકેમાં વિકસિત થતું ૐ ક્રેમેટોરિયમ પ્રોજેક્ટ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક સેવાઓ માટે એક ઐતિહાસિક પહેલ છે. આ પ્રોજેક્ટ માત્ર એક ક્રેમેટોરિયમ નથી, પરંતુ હિંદુ, જૈન અને શીખ સમાજ માટે પોતાના ધાર્મિક રીતિ-રિવાજ મુજબ અંતિમ સંસ્કાર કરવાની પવિત્ર અને ગૌરવપૂર્ણ વ્યવસ્થા છે.
તેમણે જણાવ્યું કે યુકેમાં વસતા ભારતીય સમાજ માટે વર્ષોથી પોતાના સંસ્કાર મુજબ અંતિમ વિદાય આપવાની યોગ્ય સુવિધાનો અભાવ અનુભવાતો હતો. અનુપમ મિશન દ્વારા શરૂ કરાયેલ આ પ્રોજેક્ટ એ ખાલીપો પૂર્ણ કરીને સમાજને માનસિક શાંતિ, ધાર્મિક સ્વતંત્રતા અને આધ્યાત્મિક સંતોષ પ્રદાન કરશે.
પ્રોજેક્ટનું બાંધકામ કાર્ય હાલ સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે. પાયો અને માળખાકીય કામગીરી મજબૂતીથી પૂર્ણ થવાની દિશામાં છે. સંત ભગવંત સાહેબદાદાના આશીર્વાદ, સંતોના માર્ગદર્શન અને ભક્તોના સહયોગથી આ સેવા કાર્ય નવી ઊર્જા સાથે આગળ વધી રહ્યું છે.
આ ૐ ક્રેમેટોરિયમમાં આધુનિક ટેકનોલોજી અને પરંપરાગત ધાર્મિક વિધિઓનો સુંદર સમન્વય કરાયો છે. પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવી વ્યવસ્થા, સ્વચ્છતા, નિયમબદ્ધતા તથા પરંપરાગત વિધિઓને સંપૂર્ણ માન આપતી રચના આ પ્રોજેક્ટને ભવિષ્યલક્ષી બનાવે છે. ડેનહામ જેવી શાંત, પ્રાકૃતિક અને ગૌરવપૂર્ણ જગ્યાની પસંદગી અત્યંત વિચારપૂર્વક કરાઇ છે. અંતિમ સંસ્કાર સમયે પરિવારને શાંતિ, પ્રાર્થનાનો માહોલ અને માનસિક સ્થિરતા મળી રહે તે માટે પ્રાર્થના હોલ, વિધિ સ્થળ અને પરિવારજનો માટે વિશેષ બેસવાની વ્યવસ્થા પણ આયોજનમાં સામેલ છે.
પૂજ્ય શૌનક ઋષિજીએ પોતાના અંતરના ઉદગારો પાઠવતા જણાવ્યું હતું કે આ ૐ ક્રેમેટોરિયમ અનેક રીતે વિશિષ્ટ છે. તેમણે જણાવ્યું કે પ્રોજેક્ટના બે મોટા દાતાઓ અલગ-અલગ સંપ્રદાયોમાંથી હોવા છતાં સમગ્ર સમાજ માટે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા તૈયાર થયેલ આ પ્રોજેક્ટને દાન આપ્યું છે. કારણ કે જ્યારે વિચાર સમગ્ર સમાજ માટે હોય છે ત્યારે જવાબદારી પણ વિશાળ બની જાય છે.
તેમણે જણાવ્યું કે સંત ભગવાન સાહેબદાદાની સાધુતા અને વ્યક્તિત્વ જ એ કારણ છે કે બધા જ સંપ્રદાયો અહીં એકત્ર થયા છે. સૌને વિશ્વાસ છે કે સાહેબદાદા જે કંઈ કરશે તે સારું જ કરશે. પોતાના મંદિરની આટલી સુંદર જમીન સમગ્ર સમાજના હિત માટે સ્મશાનગૃહ માટે સમર્પિત કરવી એ અસાધારણ સેવા અને વિશાળ વિઝનનું પ્રતિક છે.
નંદાકુમારાજીએ પોતાના પ્રવચનમાં સંસ્કૃતના એક શ્લોકનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે દાતાના ત્રણ પ્રકાર હોય છે - પ્રથમ દાતા દાન આપીને છૂટી જાય, બીજો પોતે દાન આપે અને અન્ય દાતાઓને પણ જોડે, જ્યારે ત્રીજો દાતા પોતે દાન આપે છતાં ગર્વ ન કરે, નમ્ર રહે અને મધુર વાણી રાખે. આવા ત્રીજા
પ્રકારના દાતા દુર્લભ છે અને અનુપમ મિશનમાં આવા દાતાઓ જોવા મળે છે.
સંત ભગવાન સાહેબદાદાએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું કે યોગીબાપાની આજ્ઞાથી કર્મયોગી સાધનાના માર્ગે હૃદય ભગવું કરવાની સાધના ચાલી રહી છે.
લોર્ડ ડોલર પોપટના સૂચનથી અનુપમ મિશનના ટ્રસ્ટીઓએ આ પ્રોજેક્ટ કરવાનો નિર્ણય લીધો અને તેની સંપૂર્ણ જવાબદારી સતીશભાઈને સોંપી.
તેમણે જણાવ્યું કે પોતાના મોટા વ્યવસાય અને પરિવારની જવાબદારીઓ વચ્ચે પણ સતીશભાઈએ ખૂબ મહેનત કરીને આ પ્રોજેક્ટમાં અનન્ય સેવા આપી છે. સંતો, ભક્તો, ભજન-પ્રાર્થના અને સર્વેના ઉદાર દિલે આપેલા દાનથી આ કાર્ય માટેનો ઉત્સાહ અનેકગણો વધ્યો છે.
સાહેબદાદાએ ઉમેર્યું કે અમારા માટે તો આ પ્રોજેક્ટ અશક્ય હતો, પરંતુ ભગવાને નિમિત બનાવીને આ કાર્ય સોંપ્યું. આપ સૌને પ્રેરણા કરીને મોકલ્યા, તેથી આટલો મોટો પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે. ફંડની જરૂર છે, પરંતુ પૂરો વિશ્વાસ છે કે તે પણ આવશે.
તેમણે જણાવ્યું કે ભગવાનનું શ્રેષ્ઠ સર્જન માનવી છે, તેથી માનવસેવામાં જે વપરાય તે પ્રભુસેવા ગણાય. આ પ્રોજેક્ટમાં થતી આવક પણ સમાજસેવા માટે જ વપરાશે. પ્રભુને રાજી કરવાનો ભાવ આ કાર્યમાં સહભાગી થવાથી પૂર્ણ થાય છે.
કાર્યક્રમના અંતે સહુએ મહાપ્રસાદ તથા શ્રી ઠાકોરજીના આશીર્વાદ પ્રાપ્ત કરી ધન્યતા અનુભવી પ્રસ્થાન કર્યું હતું.
અનુપમ મિશનનું ૐ ક્રેમેટોરિયમ ભવિષ્યમાં માત્ર એક સુવિધા નહીં, પરંતુ ‘સંસ્કાર, સેવા અને સંવેદનાનું પવિત્ર કેન્દ્ર’ બની રહેશે. આ પ્રોજેક્ટ ભારતીય સંસ્કૃતિના સંરક્ષણ અને આધ્યાત્મિક સેવાઓ માટે ગૌરવનું બેનમૂન પ્રતિક સાબિત થશે.


