અમદાવાદઃ શહેરના બોપલમાં કાઠિયાવાડ જૈન સમાજના સંગઠન ગોંડલ સંપ્રદાયના ગાદીપતિ પૂ. ગિરીશચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણા અને શતાધિક ઉપાશ્રય નિર્માણ પ્રણેતા પરમશ્રદ્ધેય પૂ. ધીરગુરુદેવના અમદાવાદમાં ચાતુર્માસ પ્રવેશોત્સવ સાથે સમાજનું નવનિર્મિત - અત્યાધુનિક બિનસાંપ્રદાયિક સંકુલ રવિવારે ખુલ્લું મૂકાયું હતું.
પૂ. ધીરગુરુદેવના જણાવ્યા અનુસાર આજે વિશ્વમાં સૌથી વધારે - 40 કરોડ જેટલા યુવાનો ભારતમાં છે. તેમને જો યુવા જાગૃતિના કાર્યક્રમોના માધ્યમથી વ્યસનમુક્ત કરાય તો તેમની અકલ્પનીય વૈચારિક શક્તિના માધ્યમથી સશક્ત અને વિકસિત રાષ્ટ્રનું નિર્માણ કરી શકાય. રાજનગર અમદાવાદમાં અમારા પ્રથમ ચાતુર્માસ છે, જે દરમિયાન અનેકવિધ માનવસેવા, જીવદયા અને સમાજોપયોગી પ્રકલ્પોનું આયોજન કરાયું છે.
6 માળનું સંકુલ
સંકુલમાં આયંબિલ ભવન, મેડિકલ સેન્ટર તેમજ 2 વિશાળ બેંક્વેટ હોલ, 9 એસી રૂમ સહિત અતિથિ ભવન અને ગ્રાઉન્ડ ફ્લોરમાં તારામતીબેન જોઈસર વૈયાવચ્ચ કેન્દ્ર હશે. અહીંના મેડિકલ સેન્ટરમાં એક્સ-રે, સોનોગ્રાફી, મેમોગ્રાફી, ફિઝિયોથેરાપી, ડેન્ટલ સહિતની સેવાઓ પૂરી પડાશે. આ મેડિકલ સેન્ટરનો કોઈ પણ દર્દી નાત-જાતના ભેદભાવ વગર ખૂબ જ નજીવા દરે લાભ લઈ શકશે.
દેશમાં ક્યાં કયાં આવાં ભવન તૈયાર કરાયાં છે?
પૂ. ધીરગુરુદેવની દીર્ધદ્રષ્ટિને કારણે ભારતભરમાં કોલકત્તા, ચેન્નાઈ બેંગ્લુરુ, જલગાંવ, પુના, ભરૂચ, વડોદરા, રાજકોટ, નડિયાદ, કાંદીવલી, ઘાટકોપર, વિલેપારલા, કાટકોલા, પોરબંદર, ઇન્દોર, લાલપુર વગેરે ગામોમાં ઉપાશ્રય, વિહારધામ, ગર્લ્સ હોસ્ટેલ, ગુજરાતી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, પાંજરાપોળ-ગૌશાળા, બહેરા-મૂંગા શાળા, જૈન બોર્ડિંગ, મહાવીર ભવન-હોલ વગેરે સંકુલના કરોડોના ખર્ચે નિર્માણ થયેલા છે.