અમદાવાદમાં પાંચ સભ્યોના પરિવાર સહિત એક સાથે 35 લોકો દીક્ષા ગ્રહણ કરશે

Wednesday 17th April 2024 06:00 EDT
 
 

અમદાવાદ: જૈન શાસનના પાટનગર સમાન અમદાવાદ શહેરના ઇતિહાસમાં ક્યારેય ન બની હોય તેવી ઘટના 22 એપ્રિલે સાકાર થશે. જૈન ધર્મના અંતિમ તીર્થંકર મહાવીર સ્વામીના નિર્વાણનાં 2550 વર્ષની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા પાંચ દિવસના કાર્યક્રમમાં એક સાથે 35 મુમુક્ષુ સંસાર ત્યજીને પ્રભુ મહાવીરના પંથે પ્રસ્થાન કરશે. દીક્ષાના મહાનાયક પ.પૂ. આચાર્યદેવશ્રી વિજય યોગતિલકસૂરીશ્વરજી મહારાજ સાહેબના હસ્તે દીક્ષા ગ્રહણ કરનારાઓમાં 11 વર્ષના બાળકથી લઈને 56 વર્ષના પ્રૌઢનો સમાવેશ થાય છે. જેમાં પાંચ સભ્યોના સમગ્ર પરિવારનો પણ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે આ દિવસ જૈન ધર્મના અંતિમ તીર્થંકર શ્રી મહાવીર સ્વામી ભગવાનના જન્મ કલ્યાણકનો દિવસ પણ છે. 18 એપ્રિલે પૂજ્ય ગુરુ ભગવંતો સહિત 400 શ્રમણ-શ્રમણી ભગવંતોના ભવ્ય નગર પ્રવેશની સ્વાગત યાત્રા સાથે દીક્ષા મહોત્સવનો પ્રારંભ થશે અને 22 એપ્રિલે સમાપન થશે. દીક્ષાર્થીઓના વરસીદાનનો એક કિમી લાંબો ભવ્ય વરઘોડો 21 એપ્રિલે યોજાશે. આચાર્યશ્રીની નિશ્રામાં છેલ્લાં 10 વર્ષમાં 300થી વધુ પુણ્યાત્મા દીક્ષા અંગિકાર કરી ચૂક્યા છે.
ભવ્ય અધ્યાત્મ નગરીનું નિર્માણ
દીક્ષા મહોત્સવને યાદગાર બનાવવા માટે રિવરફ્રન્ટ પર 3 લાખ ચોરસ મીટરમાં ભવ્ય અધ્યાત્મ નગરીનું નિર્માણ કરાયું છે. જેમાં 2 લાખ મીટર કાપડ અને 2.50 લાખ ચોરસ ફૂટ લાકડાનો ઉપયોગ કરીને રાજસ્થાનના ભવ્ય મહેલોની થીમ પર ટેબ્લોને આખરી ઓપ અપાઇ રહ્યો છે. મુખ્ય મંડપ 60 હજાર ચોરસ ફૂટનો હશે, જેમાં કુલ ત્રણ સ્ટેજ બનશે. જેમાં 2 હજાર ચોરસ ફૂટનું સ્ટેજ હશે. જ્યાં દીક્ષા લેનાર મુમુક્ષુ પરિવાર બેસશે. બીજું સ્ટેજ સાધુભગવંતો માટે જ્યારે ત્રીજું સ્ટેજ સાધ્વી ભગવંતો માટે હશે. મુખ્ય મંડપમાં 20 હજાર દર્શકો માટે બેસવાની વ્યવસ્થા હશે. આકરી ગરમી છતાં પંખા કે એસીની સુવિધા નહીં હોય પરંતુ ગરમી ઓછી લાગે તે પ્રકારની વ્યવસ્થા કરાઇ છે.
દીક્ષાના દિવસે કુલ 50 હજાર ભાવિકોની સાધર્મિક ભક્તિ કરાશે. જોકે ચૈત્ર મહિનામાં શાશ્વતી ઓળીના દિવસો હોવાથી ભોજનમાં શાકભાજી તેમજ ફળફળાદિનો ઉપયોગ કરાશે નહીં. ભોજન માટે કાંસાના 7000 થાળીવાટકાના સેટનો ઉપયોગ કરાશે. તો પીવાનાં ઠંડાં પાણી માટે બરફનો નહીં પણ સેંકડો માટલાંનો ઉપયોગ કરાશે.
દીક્ષાર્થીઓ કોણ છે?
• સુરતના ટેક્સટાઈલ વેપારી સંજયભાઈ સાદરિયા અને બીનાબહેન. તેમના પુત્ર અને પુત્રીએ 2021માં દીક્ષા લીધી હતી. • મુંબઇના કાપડના વેપારી જસવંતભાઇ શાંતિલાલ શાહ અને તેમની પત્ની દીપિકા બહેન. તેમના જોડિયા પુત્ર પહેલા જ દીક્ષા લઇ ચૂક્યા છે. • સુરતના જગદીશભાઈ અને તેમની પત્ની શિલ્પાબહેન. • રિઅલ એસ્ટેટ કારોબારી અમદાવાદના ભાવેશભાઇ ભંડારી અને જિનલબહેન. તેમના પુત્ર અને પુત્રીએ 2021માં દીક્ષા લીધી હતી. • મુંબઇમાં ડિજિટલ માર્કેટિંગમાં માસ્ટર્સની ડિગ્રી લઇ ચૂકેલાં હીનલ સંજયભાઈ જૈન. • અમદાવાદના 18 વર્ષીય મુકેશ શાહ. • સુરતના 13 વર્ષના હેત મયુરભાઈ શાહ. • અમદાવાદના મુકેશભાઇ, સુરતના ભવ્યભાઈ, સુરતના જ દેવેશ રાતડિયા. 
આ 35 દીક્ષાર્થીઓમાં પાંચ પરિવાર એવા છે કે જેમના સભ્યો અગાઉ દીક્ષા લઇ ચૂક્યા છે અને હવે પરિવારના બાકી સભ્યો પણ દીક્ષા લઇ રહ્યા હોવાથી તેમના ઘરોને તાળાં લાગી જશે અને સમગ્ર પરિવાર ઉપાશ્રયમાં વસતા થઇ જશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter