રામજન્મ ભૂમિ અયોધ્યા ખાતે ઐતિહાસિક સ્થળે વર્ષો પછી ૫ાંચ ઓગષ્ટે, ભવ્યાતિભવ્ય મંદિરનું સ્વપ્ન સાકાર થવા જઇ રહ્યું છે, ત્યારે દેશવિદેશના હિન્દુઓમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે. અયોધ્યામાં આમંત્રિત સંતોની સાથે દેશભરના સાધુ-સંતોનું ઘોડાપુર મંદિર શિલાન્યાસ સમારોહમાં ભાગ લેવા પહોંચી ગયંુ છે. રામમંદિર ટ્રસ્ટ તરફથી મોટી સંખ્યામાં મઠો અને સંત સમાજના પ્રતિનિધિઓને ખાસ બોલાવવામાં આવ્યા છે. અમને મળતાં સમાચાર મુજબ યુ.કે.માં શ્રી હનુમાન ચાલીસાના અખંડ જ્ઞાનયજ્ઞ દ્વારા રામનામની આહલેક જગાડનાર પૂજ્ય રામબાપાને પણ યાદ કરાયા છે. અયોધ્યાના ૯૦ વર્ષીય નિત્યગોપાલદાસજીએ પણ એમના શિષ્યો કમલનયનદાસજી અને જાનકીદાસ દ્વારા પૂ.રામબાપાને ઉપસ્થિત રહેવા નિમંત્રણ આપ્યું હતું. દિલ્હી સ્થિત રામભક્ત રાકેશ શર્માજીએ પૂ.રામબાપાને સાચવીને લઇ જવાની તૈયારી દર્શાવી હતી પરંતુ પૂ.રામબાપાએ જણાવ્યું કે, ‘રામજન્મભૂમિમાં રંગેચંગે મંદિર શિલાન્યાસની તૈયારીઓ થઇ રહી છે એનો મને ગૌરવ સહ આનંદ છે પણ મારે આ ઉંમરે હવે કયાંય જવાની ઇચ્છા નથી, શ્રી હનુમાનજી મારી સાથે રહે એ જ હું ઇચ્છું'.