અયોધ્યાઃ રામ જન્મભૂમિ અયોધ્યામાં રામ મંદિરની બારીઓમાં ટાઇટેનિયમ ગ્રીલ લગાવવામાં આવશે. દેશમાં આ પહેલી વાર બનશે જ્યારે મંદિરમાં ટાઇટેનિયમનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાંધકામ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાએ કહ્યું કે ટાઇટેનિયમ તેની મજબૂતાઈ અને ઓછા વજનને કારણે પસંદ કરાયું છે. તે એક હજાર વર્ષ સુધી અડીખમ રહે છે. દેશમાં પહેલીવાર મંદિરની બારીઓની ગ્રીલ ટાઇટેનિયમ ધાતુથી બનાવાશે. આ ખાસ છે કારણ કે ટાઇટેનિયમ ખૂબ જ ટકાઉ છે અને તેનું વજન પણ અન્ય ધાતુઓ કરતા ઓછું છે. મિશ્રાએ મંદિરના નિર્માણમાં ઉપયોગમાં લેવાયેલા પથ્થરો વિશે માહિતી આપતાં કહ્યું કે શરૂઆતમાં બંસી પહાડપુરથી 14 લાખ ઘનફૂટ પથ્થરો મંગાવાયા હતા. હવે એક લાખ ઘનફૂટ પથ્થરોનો ઉપયોગ બાકી છે. મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિર સંકુલમાં મોટાભાગનું બાંધકામ ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે. ચાર કિમી લાંબી દિવાલ અને સભાગૃહ સિવાય બાકી તમામ બાંધકામ કાર્ય ડિસેમ્બર 2025 સુધીમાં પૂર્ણ થઈ જશે.