અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણકાર્ય પૂર્ણતાના આરે...

સમગ્ર પ્રોજેક્ટ પાછળ કુલ રૂ. 1,900 કરોડના ખર્ચનો અંદાજ

Tuesday 03rd February 2026 10:56 EST
 
 

અયોધ્યાઃ અયોધ્યામાં નિર્માણાધીન રામમંદિર વિશે મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. રામ મંદિર કન્સ્ટ્રક્શન કમિટીના ચેરમેન નૃપેન્દ્ર મિશ્રાએ શનિવારે મહત્ત્વપૂર્ણ જાણકારી આપતા કહ્યું હતું કે અયોધ્યાના રામ મંદિરમાં બાંધકામ સંબંધિત તમામ કામગીરી આગામી 30 એપ્રિલ સુધીમાં સમાપ્ત થઈ જાય તેવી અપેક્ષા સેવાઈ રહી છે અને સમગ્ર પ્રોજેક્ટ પાછળનો ખર્ચ અંદાજે 1900 કરોડ થશે તેવો અંદાજ છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ આગામી 19 માર્ચના રોજ અયોધ્યામાં રામલલાના દર્શન કરવા માટે આવશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે.

નૃપેન્દ્ર મિશ્રાએ જણાવ્યુ હતું કે રાષ્ટ્રપતિ મુમૂ દ્વારા આગામી 19 માર્ચના રોજ અયોધ્યાના રામ મંદિરની મુલાકાતે આવવા માટે અનૌપચારિક મંજૂરી પ્રાપ્ત થઈ ગઈ છે. રામ મંદિર નિર્માણ સમિતિની બે દિવસની બેઠકના સમાપન બાદ પત્રકારોને સંબોધતા મિશ્રાએ જણાવ્યું હતું કે મંદિરના સ્થળે મહત્ત્વપૂર્ણ યોજનાને સાકાર કરી રહેલી કંપનીઓ એલએન્ડટી અને ટાટા કન્સલ્ટન્સી મંદિર નિર્માણની તમામ કામગીરી 30 એપ્રિલ સુધીમાં સમાપ્ત થઇ ગયા બાદ મંદિર પરિસર છોડી દે તેવી અપેક્ષા છે. મિશ્રાએ વધુમાં ઉમેર્યુ હતું કે તમામ બિલોની ચૂકવણીની પ્રક્રિયા તેમજ અન્ય દસ્તાવેજી કાર્યવાહી 30 એપ્રિલ સુધીમાં પૂરી દેવાની સૂચના આપી દેવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે એલએન્ડટીએ તેના દ્વારા કરાયેલા તમામ કામ માટે 3 વર્ષની વોરન્ટી આપી છે.
નૃપેન્દ્ર મિશ્રાએ મંદિરના નિર્માણ પાછળ થયેલા ખર્ચનો હિસાબ આપતા કહ્યું હતું કે મંદિરના નિર્માણ પાછળ થનાર કુલ ખર્ચ અંદાજે 1900 કરોડની આસપાસ રહેશે. અત્યાર સુધીમાં જીએસટી સહિત કુલ 1600 કરોડ રૂપિયાની ચૂકવણી કરી પણ દેવામાં આવી છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter