અયોધ્યાઃ નગરીમાં સાકાર થયેલા ભવ્યાતિભવ્ય રામ મંદિર ખાતે આગામી 25 નવેમ્બરે ધ્વજારોહણ સમારોહ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ તથા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થાય એવી સંભાવના છે. આ વિધિ મંદિર નિર્માણની કામગીરી પૂર્ણ થયાનો સંકેત છે.
શ્રી રામજન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા અપાયેલી જાણકારી અનુસાર આ સમારોહ માટે 10 હજાર મહેમાનોને આમંત્રણ અપાશે. કાર્યક્રમ 25 નવેમ્બર એટલે કે વિવાહ પંચમીએ યોજાશે. આ દિવસે અયોધ્યાના મંદિરોમાં પરંપરાગત રીતે ભગવાન રામ અને દેવી સીતાનો વિવાહોત્સવ મનાવાય છે. ટ્રસ્ટના એક સભ્યના જણાવ્યા પ્રમાણે આ નિમિત્તે ભગવાન રામની શોભાયાત્રા તથા અન્ય ધાર્મિક આયોજનોની યોજના પણ તૈયાર કરાઇ છે. ધ્વજારોહણ સમારોહના આયોજનને લઈને મંદિર ટ્રસ્ટ કાર્યાલયમાં બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક વહીવટી તંત્રના અધિકારીઓ તથા સંઘ પરિવાર અને વિશ્વ હિન્દુ પરિષદના પદાધિકારીઓ પણ સામેલ થયા હતા. બેઠકમાં નિર્ણય લેવાયો હતો કે આ સમારોહ માત્ર ધ્વજારોહણ પૂરતો મર્યાદિત નહીં રહે પણ આ નિમિતે વિહિપ અને સંઘ પરિવારની સંગઠનાત્મક શક્તિનું પ્રદર્શન પણ કરાશે.
આ રીતે યોજાશે ધ્વજારોહણ સમારોહ
રામ મંદિર પરિસરમાં 23 નવેમ્બરથી ધાર્મિક અનુષ્ઠાનનો પ્રારંભ થશે તથા ધ્વજ પૂજન કરાશે. પૂજનમાં રામરક્ષા સ્ત્રોતના પાઠ, વિભિન્ન મંત્ર તથા વિશેષ મંત્રોની સાથે પ્રસાદ ચઢાવવામાં આવશે. 25 નવેમ્બરે મુખ્ય આયોજનના દિવસે સવારે 11.45થી બપોરે 12.15 સુધી ધ્વજ પૂજન યોજાશે. પૂજાનું શુભ મૂહુર્ત માત્ર 30 મિનિટનું છે. આ દરમિયાન રામ મંદિર પરિસરના અન્ય મંદિરો પર પણ ધજા લહેરાવવામાં આવશે.