આદિવાસીઅોના ઉત્કર્ષ માટે આહ્વાન આપતા ક્રાંતિકારી સંત પૂ. પીપી સ્વામી

Wednesday 26th August 2015 11:06 EDT
 
 

ગુજરાતના આંતરરિયાળ અને પછાત આદિવાસી વિસ્તાર ડાંગના ગરીબ, વનવાસી અને પછાત બાળકોને શિક્ષણ, કારકિર્દી વિષયક સલાહસૂચન અને અભ્યાસ ખર્ચમાં મદદ માટે અહલેક જગાવનાર ક્રાંતિકારી સંત પૂ. પુરૂષોત્તમ પ્રકાશ દાસજી (પીપી સ્વામી)ને તેમની બ્રિટનની મુલાકાત દરમિયાન સજ્જડ સફળતા સાંપડી છે. વિવિધ સામાજીક અને ધાર્મિક સંગઠનના અગ્રણીઅો અને યુકેની જનતાએ તેમના આદિવાસી ક્લયાણના કાર્યોમાં રસ દાખવી પોતાનાથી શક્ય તમામ મદદ કરવાની બાંહેધરી આપી હતી. સ્વામીજીએ રવિવાર તા. ૨૩ના રોજ પ્રેસ્ટન સ્થિત ગુજરાત હિન્દુ સોસાયટી - સનાતન મંદિરના પાટોત્સવ દરમિયાન મુલાકાત લઇને તેમજ 'ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ' દ્વારા પત્રલેખકો અને વાચકો માટેના પરિસંવાદમાં ઉપસ્થિત રહી આદિવાસી કલ્યાણની પ્રવૃત્તીઅો અંગે માહિતી આપી હતી.

પૂ. પીપી સ્વામી અને 'પ્રયોશા પ્રતિષ્ઠાન ટ્રસ્ટ'ના આદિવાસી વિદ્યાર્થીઅો અને પરિવારોના કલ્યાણની પ્રવૃત્તિઅોથી પ્રભાવિત થયેલા કર્મયોગા ફાઉન્ડેશન તરફથી £૧૦૦૧ અને જાણીતા સામાજીક અગ્રણી રશ્મિબેન અમીને પોતાના ઘરે ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશ ભગવાનની પ્રતિમા સમક્ષ તેમના મિત્રો પરિચીત દર્શાનાર્થીઅો દ્વારા મૂકવામાં આવતી ભેટના £૧૦૦૧ આદિવાસી કલ્યાણ માટે દાન આપવાની જાહેરાત કરી હતી.

પૂ. પીપી સ્વામીએ 'ગુજરાત સમાચાર' કાર્યાલયની મુલાકાત દરમિયાન વિશેષ મુલાકાત આપી હતી જેના અંશો અત્રે પ્રસ્તુત છે.

પૂ. પીપી સ્વામીએ જણાવ્યું હતું કે 'ડાંગની મોટાભાગની આદિવાસી પ્રજા આજની તારીખે ભણતરથી વંચિત છે. મા-બાપ જ જ્યારે ભણેલા નથી ત્યારે બાળકોના ભણતરની વાત જ શી કરવી. પ્રયોશા પ્રતિષ્ઠાનના નેજા હેઠળ અમે સૌ આવા શિક્ષણ અને માર્ગદર્શનથી વંચિત બાળકો માટે ૫૦૦ વિદ્યાર્થીઅોને સમાવતી ધોરણ ૯થી ૧૨ સુધીની બે પ્રાથમિક શાળાઅો સાપુતારાની તળેટીમાં આવેલા માલેગાંવ ખાતે ચલાવીએ છીએ. આ નિવાસી શાળાઅોમાં ભણતા બાળકોને તેમના ગામ જવા આવવાના બસ ભાડાથી લઇને તેમના કપડા, શિક્ષણ, નોટ ચોપડીઅો, ભોજન સહિતનો તમામ ખર્ચ સંસ્થા દ્વારા ઉપાડવામાં આવે છે. આ બાળકો ધો. ૧૨નું ભણતર પૂરૂ કરે તે પછી તેમને શૈક્ષણિક અને વ્યવસાયી માર્ગદર્શન પણ અમે જ આપી છીએ અને તે બાળકો જે શહેરમાં કોલેજ કરતા હોય ત્યાં પણ તેમને મદદ આપીએ છીએ. જેના ફળ સ્વરૂપે અત્યાર સુધીમાં શાળામાં ભણેલા આદિવાસી વિદ્યાર્થીઅોમાંથી ત્રણ ડોક્ટર અને ૫૮ એન્જીનીયર બની ચૂક્યા છે. જ્યારે બે વિદ્યાર્થીઅો મેડિકલમાં અને બે ડેન્ટલમાં અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે કુલ ૪૫૦ જેટલા બાળકો એમએડ, બીએડ સુધીનો અભ્યાસ કરી ચૂક્યા છે અને અત્યારે વ્યવસ્થિત સ્થળે નોકરી કરી રહ્યા છે.'

સ્વામીજીના હાથ નીચે ભણેલા વિદ્યાર્થીઅો સંસ્થાને પતાના થકી બનતી તમામ મદદ કરે છે. પરંતુ સ્વામીજી માને છે કે તેમની પહેલી ફરજ તેમના પરિવાર પ્રત્યે છે અને જો તેઅો પરિવાર અને નજીકના સગાસંબંધીઅોને મદદ કરશે તો વધુ સારૂ કામ થશે.

સ્વામીજીની ઇચ્છા બિહારના પટણા ખાતે 'સુપર ૩૦'ના નામે આઇઆઇટીમાં પ્રવેશ માટે તેજસ્વી વિદ્યાર્થીઅોને શિક્ષણ આપતા શ્રી આનંદ કુમારના જેવી જ વયવસ્થા ડાંગમાં કરવાની છે. આ માટે આનંદ કુમાર માલેગાંવની મુલાકાત લઇ ચૂક્યા છે. આવા તેજસ્વી વિદ્યાર્થીઅોને સુરતમાં હોસ્ટલ રાખીને ભણાવવામાં આવશે. સરકાર આ માટે કોઇ મદદ કરતી નથી, પરંતુ અન્ય દાતાઅોનો મોટો સહયોગ સ્વામીજીને મળી રહ્યો છે. અમેિરકાવાસી બીવી પટેલ અત્યાર સુધીમાં રૂપિયા ૫૦ લાખ કરતા વધારે રકમનું દાન આપી ચૂક્યા છે અને સુરતના મથુરભાઇ સવાણી અને કેશુભાઇ ભગત નામના દાતાઅો ૪૦ લાખ ઉપરાંત રકમ આપનાર છે.

પૂ. પીપી સ્વામીએ જણાવ્યું હતું કે 'ડાંગની ૬૧ પ્રાથમિક શાળાના આશરે ૬,૦૦૦ વિદ્યાર્થીઅોને આભ્યાસની જવાબદારી ઉપાડવા અમે કટિબધ્ધ થયા છીએ. આ શાળાઅોના ૭૦% બાળકો ગ્રેડ ડીથી પણ અોછું ભણતર ધરાવે છે જેમને ભણાવીને તૈયાર કરી આગળ લાવવાના છે. આ તમામ દત્તક શાળાઅોમાં હાલમાં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષણ પર ભાર મૂકવામાં આવે છે, જેથી બાળકો આગળ જતા સારૂ પ્રદર્શન કરી શકે. સ્વામીજી બાળકોમાં રમત ગમતનો વ્યાપ વધે અને તેઅો તે ક્ષેત્રે આગળ જાય તેની પણ તૈયારી કરાવે છે. જેના ફળ સ્વરૂપે શાળાના ૯૫ બાળકો રાજ્યસ્તરે અને ૨ બાળકો રાષ્ટ્રીય સ્તરે વિવિધ સ્પર્ધાઅોમાં ભાગ લે છે. તો બે બાળકો સાયન્સ ફેરમાં રાષ્ટ્રીય સ્તરે ભાગ લે છે.

આદિવાસીઅોમાં બાળ મૃત્યુના વધતા જતા દર સામે તેમણે સુબીર તાલુકાના ૧૦૫ ગામમાં વસતા અને કુપોષણથી પિડાતા ૨૧૦૦ બાળકોને પર્યાપ્ત પોષણ મળી રહે તે માટે જોરદાર પ્રયત્નો આદર્યા હતા અને આજે માત્ર ૩૩૦ બાળકોને પૂરતુ પોષણ મળતું નથી. તેમને પોષણયુક્ત આહાર આપવામાં આવી રહ્યો છે.

સ્વામીજીએ જણાવ્યું હતું કે સુરત અને આજુબાજુના લોકો બાળકો અને આદિવાસી પરિવારો પર ખૂબજ પ્રેમ રાખે છે 'પ્રેમ સગાઇ' નામની યોજના અંતર્ગત સુરતની જી.ડી. ગોેએન્કા શાળા અને અન્ય શાળાના વિદ્યાર્થીઅો અને પરિવારો અવારનવાર ડાંગના વિવિધ ગામડાની મુલાકાત લે છે અને સૌ બાળકો સાથે રહીને જમે છે, બર્થ ડે પાર્ટી કે અન્ય પ્રસંગો ઉજવે છે. આ પરિવારો અને બાળકો આદિવાસી બાળકો માટે અવનવી ભેટો, પુસ્તકો, નોટબુક, પેન પેન્સીલ વગેરે લેતા આવે છે. સુરતની વંદે માતરમ્ સેવા ટ્રસ્ટ સંસ્થાએ ૩૨ આશ્રમ શાળાઅોને દત્તક લીધી છે. પ્રયોષા પ્રતિષ્ઠાન આવા વિવિધ આદિવાસી કલ્યાણ સેવા કાર્યોમાં મદદરૂપ થાય છે.

સ્વામીજીની ઇચ્છા છે કે જો વિદેશવાસી અને યુકેના યુવાનો યુથ એક્સચેન્જ કાર્યક્રમમાં જોડાઇને અમારી શાળામાં માલેગાંવ, ડાંગ આવે તો અમારા બાળકોને ઘણું એક્સપોઝર, શિક્ષણ અને અનેરો અનુભવ મળે તેમ છે. જે બાળકો કે તેમનો પરિવાર અમારી શાળાની મુલાકાત લેવા માંગતા હોય તેઅો અમારે ત્યાં કોઇ પણ પ્રકારનો ચાર્જ ચૂકવ્યા વગર એક સપ્તાહ રહી શકશે અને તેમને સુરત કે વડોદરાથી ડાંગ આવવા માર્ગદર્શન પણ આપશે.

સ્વામીજીએ જણાવ્યું હતું કે 'બાળકોના પોષણ માટે પૌષ્ટીક ભોજન, શિક્ષણ માટે ફીઝ અને ભોજનના ખર્ચ વગેરે માટે અમને પણ ફંડની જરૂર છે. યુકેવાસીઅો આવા તેજસ્વી બાળકોને દત્તક લઇને કે પછી દાન મોકલીને અમને મદદ કરી શકે છે. સાયન્સ સ્ટ્રીમમાં ભણતા એક બાળકનો સેકન્ડરી સ્કૂલનો ખર્ચો પ્રતિ વર્ષ £૧૫૦ જેટલો છે અને ૯-૧૦ ધોરણમાં ભણતા બાળકોનો ખર્ચો £૧૧૦ જેટલો છે અને જો એક બાળકને ૯થી ૧૨ સુધીનું સંપૂર્ણ શિક્ષણ અપવું હોય તો તેનો ખર્ચો £૫૨૧ જેટલો છે.'

પૂ. પીપી સ્વામી 'પ્રાયોષા પ્રતિષ્ઠાન'ના સ્થાપક અને મંત્રી છે. સંપર્ક: ઇમેઇલ [email protected] 07448 078 324અને 0091 94264 40789.

00000


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter