આપણા અતિથિઃ વિખ્યાત ચિત્રકાર નવીન સોની

Wednesday 19th September 2018 06:42 EDT
 
 

રંગ અને રાગથી દુનિયાભરમાં જાણીતા ચિત્રકાર નવિનભાઈ રમણિકલાલ સોની તા.૨૦ સપ્ટેમ્બરથી ૭ ઓક્ટોબર સુધી યુકેની મુલાકાતે આવી રહ્યા છે. મૂળ ગઢડા (સૌરાષ્ટ્ર)ના અને છેલ્લાં ૪૦ વર્ષથી ભૂજ(કચ્છ)ને કર્મભૂમિ બનાવીને તેઓ ચિત્રકલાની સાધના કરી રહ્યા છે. ચિત્રકલા ક્ષેત્રે ૩૬ રાગ-સંગીતની રાગિણીઓ પર વાસ્તવદર્શી ચિત્રશ્રેણી ‘રાગમાલા’નું સર્જન કરનારા નવીનભાઈએ નવરસ – ભરતમુનિ નાટ્યશાસ્ત્ર પર પણ ચિત્રો બનાવ્યા છે.

ધાર્મિક ચિત્રો, વાર્તા ચિત્રો, પોર્ટ્રેટ્સ, ચાર કોલ સ્કેચ, એબ્સ્ટ્રેક્ટ્સ, ગોલ્ડ પેઈન્ટિંગ, ડિઝાઈનીંગ અને આર્કિટેક્ચર ક્ષેત્રે તેમણે અદભૂત સર્જન કર્યું છે. ‘રાગમાલા’ અને ‘નવરસ’ના ચિત્રો સાથે તેનું વર્ણન કરતું પુસ્તક પણ તેમણે લખ્યું છે. ‘કચ્છમિત્ર’ના કટાર લેખક નવીન સોનીનું ૨૦૧૫માં ગુજરાત રાજ્ય લલિત કલા એવોર્ડથી સન્માન કરાયું હતું. તેમને કચ્છશક્તિ એવોર્ડ, કલાગુરુ એવોર્ડ, વ્યસનમુક્તિ એવોર્ડ, પ્રકૃતિદૂત એવોર્ડ તેમજ કલારત્ન એવોર્ડથી પણ સન્માનવામાં આવ્યા છે. દુનિયાના ૨૧ દેશોમાં તેમના ચિત્રોના પ્રદર્શન યોજાયા હતા. તેમના પત્ની કલ્પનાબેનનું પણ વિશિષ્ટ યોગદાન રહ્યું છે. તેમના પુત્ર જીગર પણ સારા ચિત્રકાર છે.

નવીનભાઈએ ભૂજમાં નવનિર્માણ પામેલા શ્રી સ્વામીનારાયણ મંદિર-ભૂજનું ડિઝાઈનિંગ કર્યું હતું. તેમણે ભૂજોડી ખાતે આકાર પામેલા ‘વંદે માતરમ’ મ્યુઝિયમનું સંપૂર્ણ ડ્રોઈંગ, ડિઝાઈનિંગ અને માર્ગદર્શન પણ સંભાળ્યું હતું.

લંડનમાં તેમના અદભૂત ચિત્રોના પ્રદર્શનનું નહેરુ સેન્ટર યુકે ૮ સાઉથ ઓડલી સ્ટ્રીટ, મેફેર લંડન W1K 1HF ખાતે તા.૨૪ સપ્ટેમ્બરે સાંજે ૬ વાગે ઉદઘાટન અને તા. ૨૫થી ૨૮ સપ્ટેમ્બર સુધી દરરોજ સવારે ૧૦થી રાત્રે ૮ દરમિયાન આયોજન કરાયું છે. એન્ટ્રી મફત છે.સંપર્ક. નારણભાઈ 07950 900 313


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter