આપણા દેશમાં ‘વિશ્વ ભારત’ને ધ્યાનમાં લઈને યુનિવર્સિટી તૈયાર કરવી જોઈએઃ પ્રો. ભીખુ પારેખ

અચ્યુત સંઘવી Thursday 16th January 2020 03:47 EST
 
 

અમદાવાદઃ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટમાં વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિશ્વ ગુજરાતી સમાજના માનાર્હ સભ્યપદ તથા પુસ્તક વિમોચન સમારંભનું આયોજન કરાયું હતું. ૪ જાન્યુઆરી - શનિવારે આયોજિત સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે લોર્ડ પ્રો. ભીખુભાઇ પારેખ, અતિથિ વિશેષ પદ્મશ્રી સાહિત્યકાર ડો. કુમારપાળ દેસાઇ, ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડયા અને વિશ્વ ગુજરાતી સમાજના પ્રમુખ કૃષ્ણકાંત વખારીયા ઉપસ્થિત હતા. કાર્યક્રમમાં માલતી મહેતા દ્વારા સંપાદિત ‘વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા ત્રણ દાયકાની યશસ્વી સફર’ તેમજ ઇતિહાસકાર મકરન્દ મહેતા દ્વારા લિખિત ‘ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ’ પુસ્તકોનું વિમોચન કરાયું હતું. આ પ્રસંગે અમદાવાદના ધીરેન અવાશિયા, ડો. માણેકલાલ પટેલ ‘સેતુ’ તેમજ સુશ્રી પ્રતિભાબહેન ઠક્કરને સંસ્થાના માનાર્હ સભ્યપદ એનાયત કરાયાં હતા.
યુકેમાં લેબર પાર્ટીના સભ્ય અને ૨૦૦૭માં પદ્મવિભુષણ એવોર્ડથી સન્માનિત લોર્ડ પ્રો. ભીખુભાઇ પારેખે પુસ્તકોના વિમોચન કે લોકાર્પણ તેમજ દેશના પદ્મશ્રી સહિતના અકરામો વિશે પણ ચર્ચા છેડી હતી. તેમણે કહ્યું હતું કે, ‘આપણા દેશમાં પુસ્તકના વિમોચનની પદ્ધતિ આઝાદી પછી આવી છે અને તે ઘણી જાણીતી છે, પણ વિદેશમાં આ પ્રચલિત નથી. મારા ૧૧ પુસ્તકનું વિમોચન કે લોકાર્પણ થયું નથી’ દરેક પુસ્તકમાં લેખક દ્વારા એક નવી માહિતીનો પ્રભાવ અને નવી રોશનીનો ઉમેરો જોવા મળે છે. કવિવર રવીન્દ્રનાથ ટાગોરે કહેલું કે, આપણા દેશમાં ‘વિશ્વ ભારત’ ધ્યાનમાં લઇને યુનિવર્સિટી તૈયાર કરવી જોઇએ. મને વિશ્વ ગુજરાત શબ્દ ઘણો ગમ્યો છે.’
પ્રો. પારેખે આ પ્રસંગે લોકાર્પિત થયેલા પુસ્તકનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે માલતીબહેન દ્વારા સંપાદિત ‘વિશ્વ ગુજરાતી સમાજઃ ત્રણ દાયકાની યશસ્વી સફર’ના પુસ્તકમાં સમાજની અત્યાર સુધીની કામગીરીનો સુંદર અભ્યાસ કરાયો છે. તેમણે લંડનમાં યોજાયેલી પ્રથમ આંતરરાષ્ટ્રીય વિશ્વ ગુજરાતી પરિષદનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ૧૯૮૩માં વિશ્વ ગુજરાતી સમાજની કલ્પના થઈ ત્યારે મારી સાથે ગુજરાત સમાચારના પ્રકાશક-તંત્રી સી.બી. પટેલ અને પ્રાણલાલ શેઠ પણ હતા. વિશ્વ ગુજરાતી સમાજે ત્રણ દાયકાની સફરમાં ગુજરાતી ભાષા, સાહિત્ય, સંસ્કૃતિ અને વારસાને લોકો સુધી લઇ જવાનું કાર્ય કર્યું છે.
મકરન્દ મહેતાના પુસ્તક ‘ગુજરાતના વહાણવટીઓ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ’નો ઉલ્લેખ કરતાં પ્રો. પારેખે કહ્યું હતું કે આ પુસ્તકમાં ૧૩મીથી ૧૯મી સદીના વેપારીઓની ખૂબ જ ઊંડાણપૂર્વકની માહિતી રજૂ કરાઇ છે. પુસ્તકમાં લેખકે ‘તથ્યો અને કથાનકો’ વિશે વાત કરી છે. ઈતિહાસકારનું કાર્ય સત્ય શોધવાનું છે. તે સમયે વેપારીઓ અને કર્મચારીઓ વચ્ચેના સંબંધો, વેપારીઓ અને રાજકીય સત્તાઓ વચ્ચેના સંબંધ જેવા વિષયો પર કામ કરવાની જરૂર હોવાનું જણાવતા તેમણે કહ્યું હતું કે, ‘બહારના લોકોને આપણે કેવી રીતે નિહાળીએ છીએ તેની વાત થઈ છે, પરંતુ બહારના લોકો આપણને કેવી રીતે નિહાળે છે તે પણ જાણવું જોઈએ. ગુજરાતીઓએ પણ ગુલામોના વેપારને પ્રોત્સાહન આપ્યું હતું. ગાંધીજી જાતિવાદી હતા, પણ પછી તેઓ શું બન્યા તે સમજવાનું છે. આપણે પ્રશ્નો ઊઠાવીએ છીએ. સ્ટાર્ટિંગ પોઈન્ટ જોઈએ છીએ પણ તેનો એન્ડ જોતા નથી.’ ડો. કુમારપાળ દેસાઇએ પ્રારંભે ભૂમિકા બાંધતા જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓ માત્ર વેપારી નથી. તેમનામાં પ્રાદેશિકતાનું ઝનૂન નથી. તેમણે પ્રાદેશિકતાને વિસ્તારી છે. સમગ્ર વિશ્વને જોડવાનું અને વિશ્વમાં વસતા ગુજરાતીઓને એક તાંતણે બાંધવામાં સેતુ તરીકેનું કામ વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા કરાયું છે. વિશ્વ ગુજરાતી સમાજની સ્થાપનામાં પણ લોર્ડ ભીખુભાઇ પારેખનો મહત્ત્વનો ફાળો રહેલો છે.’
પદ્મશ્રી ડો. વિષ્ણુ પંડ્યાએ સંબોધનમાં કહ્યું હતું કે, ‘ડિજિટલ યુગમાં પુસ્તક લખાય, છપાય અને નસીબ હોય તો વંચાય તે સાંસ્કૃતિક ઘટના છે. વિશ્વ ગુજરાતી સમાજ આપણા સમાજના હિતોની ખેવના કરે છે, ગુજરાતી ભાષાનું ચિંતન કરે છે. મકરન્દભાઈની વિશેષતા સામાજિક સંવેદનાનું ચિંતન છે. ભારત, ગુજરાતને વીંટળાયેલા સમુદ્રની વિશેષતા અદ્ભૂત છે. અહીં લોથલ અને સોમનાથ વારંવાર સર્જાતા રહ્યાં છે. ગુજરાતીઓ સાહસ, સંઘર્ષ, સમન્વય, સર્જન અને સમૃદ્ધિના માર્ગે આગળ વધતા રહ્યા છે.’
ઇતિહાસકાર મકરન્દ મહેતાએ પ્રતિભાવમાં જણાવ્યું હતું કે, ‘ગુજરાતીઓ માત્ર વેપારી પ્રજા નથી. તેઓએ સદીઓથી દરિયાઈ સંસ્કૃતિ વિકસાવી છે. ઘટનાની સત્યતા પુસ્તકને વધારે રસપ્રદ બનાવે છે. પુસ્તક માટે વિચાર અને તેની લખાણ પ્રસ્તુતિ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે ઈતિહાસકાર હકીકતોમાંથી કેવી રીતે અર્થઘટન કરે છે તે મહત્ત્વનું છે. પુસ્તકમાં જગડુશાથી માંડી રણછોલાલ છોટાલાલ તેમજ બીજા ઉદ્યોગકારોની ઘણી રસપ્રદ માહિતી આપવાનો પ્રયાસ કર્યો છે. ૧૩મા સૈકાના સોલંકી શાસનમાં ભદ્રેશ્વરથી લઈ સ્તંભતીર્થ (ખંભાત)નું વિશેષ સ્થાન છે. જગડુશા મસ્જિદ કેમ બનાવે છે, ગુજરાતના દુકાળમાં સર્વત્ર રાહત પહોંચાડે છે તે વાસ્તવમાં મૂલ્યો છે.’ તેમણે લોર્ડ પારેખ વિશે જણાવ્યું હતું કે પારેખ રિપોર્ટ વિશ્વમાં વખણાયો છે. પ્રોફેસર ભીખુ પારેખ લોર્ડ પારેખ કરતાં ઊંચા છે.’ આ પ્રસંગે વિશ્વ ગુજરાતી સમાજના માનાર્હ સભ્યપદથી સન્માનિત ધીરેન અવાશિયા, ડો. માણેકલાલ પટેલ ‘સેતુ’ તેમજ પ્રતિભાબહેન ઠક્કરે પણ પ્રતિભાવો રજૂ કર્યાં હતાં.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter