ઇસ્ટ લંડનના લેટનસ્ટોન વિસ્તારના લેટન રોડ પર નાગરેચા બંધુઓ નિર્મિત હરિબેન બચુભાઇ નાગરેચા હોલમાં વર્ષોથી નવરાત્રિ મહોત્સવનું આયોજન થાય છે. અહીં ઇસ્ટ લંડનમાંથી થોકબંધ શ્રધ્ધાળુઓ મા જગદંબાના ગરબા ગાવા ઉમટે છે. ગયા શનિવારે રાત્રે અસંખ્ય લોકોએ વોટ્સ અપથી ઇસ્ટ લંડનના આ નાગરેચા હોલમાં દિવા-આરતીથી આગ લાગ્યાના સમાચાર ફરતા કરી દીધા હતા. આ ઘટનાની સત્ય હકીકત જાણવા અમે નાગરેચા બંધુઓ સર્વશ્રી વિનુભાઇ તથા હસુભાઇનો સંપર્ક કર્યો. નાગરેચા હોલમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન કાર્યરત રહેતાં વિનુભાઇના બહેન શ્રીમતી ઉર્મિબેન રાડીઆએ જણાવ્યું કે, "આગ અમારે ત્યાં (હરિબેન બચુભાઇ નાગરેચા હોલમાં માતાજીના દીવા કે આરતીથી નથી લાગી. પરંતુ અમારા નાગરેચા બિલ્ડીંગની લગોલગ (બાજુમાં જ) એક જૂના બિલ્ડીંગ છે જ્યાં મકાન બાંધકામની નકામી ચીજવસ્તુઓનો કાટમાળ પડ્યો રહે છે અને ત્યાં કોઇ ઇલેકટ્રીક લાઇટની પણ વ્યવસ્થા નથી અને કબૂતર ખાના જેવી અવડ જગ્યા છે. એવી આ જગ્યાએ એકાદ જુવાનિયાઓએ કદાચ સળગતી સિગરેટ નાખી હોય એવી શક્યતા બની શકે જેથી ત્યાં અણધારી આગ ફાટી નીકળી હોય. જો કે ફાયરબ્રિગેડે આગને તરત કાબુમાં લઇ લીધી હતી અને માતાજીની કૃપાથી કોઇ જાનહાનિ થઇ નથી. આગ કાબુમાં આવી ગયા પછી તરત નાગરેચા હોલમાં ગરબા-રાસ ચાલુ થઇ ગયા હતા અને રાતના ૨.૦૦ વાગ્યા સુધી સૌ ગરબે ઘૂમ્યા હતા. લોકોએ દીવા-આરતીથી આગ લાગી હોવાના સમાચાર ફેલાવ્યા છે એ હકીકત તદન વાહિયાત-ખોટી છે.


