લંડનઃ ગુરુવાર, ૩૧ જુલાઈની મધરાત પહેલા ઈસ્ટ લંડનના ઈલ્ફર્ડમાં ઈટ સ્ટ્રીટ પાર્ટીની ઉજવણી કરી રહેલા ૨૦૦ જેટલા લોકોને વિખેરવા જતા બે જૂથો વચ્ચે ઝપાઝપીમાં એક પોલીસ ઓફિસરને ઈજા પહોંચી હતી. ઈલ્ફર્ડમાં સ્ટ્રીટ પાર્ટીના રિપોર્ટ્સ પછી પોલીસને રાત્રે ૧૧.૩૦ કલાકે બોલાવાઈ હતી. મેટ્રોપોલીટન પોલીસે ૨૦૦ જેટલા લોકોના ટોળાંને વિખરાઈ જવા કહ્યું હતું અને મોટા ભાગના લોકો વિખરાઈ ગયા હતા પરંતુ, બે જૂથો વચ્ચે મારામારી શરુ થઈ હતી અને પોલીસે હસ્તક્ષેપ કરતા એક પોલીસ ઓફિસરને માથામાં ઈજા પહોંચી હતી. પોલીસ પર હુમલા અને કાયદો-વ્યવસ્થાના ભંગના શક પરથી એક વ્યક્તિની ધરપકડ કરાઈ હતી.
મેટ્રોપોલીટન ઈસ્ટ એરિયા કમાન્ડના ચીફ સુપરિન્ટેન્ડન્ટ સ્ટીફન કેલેમેને કહ્યું હતું કે,‘ ઉજવણી થાય તે અમે સ્વીકારે છીએ અને કોમ્યુનિટી માટે તેને બગાડવાની અમારી જરા પણ ઈચ્છા ન હોય પરંતુ, જો તેઓ હિંસા પર ઉતરી આવે તો અમારે હસ્તક્ષેપ કરવો જ રહ્યો. પબ્લિકના સભ્યો તરફથી અમને સંદેશા મળ્યા હતા. મહામારી દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો એકઠાં થાય તે ચિંતાજનક છે. ફરજ પરના કોઈ પણ પોલીસ ઓફિસર પર હુમલો કરાસે તો તેની ધરપકડ કરી કોર્ટ સમક્ષ હાજર કરાશે તે ચોક્કસ છે.’
ઈદ સમયે માન્ચેસ્ટર, ઈસ્ટ લેન્કેશાયર અને વેસ્ટ યોર્કશાયરમાં લોકડાઉન લાદવા બદલ સરકારનો વિરોધ કરી રહ્યો છે ત્યારે બ્રેડફોર્ડમાં ૮૪ વર્ષના કોમ્યુનિટી લીડર મોહમ્મદ અશરિફ તાહિર નુશાઈએ તેનો બચાવ કર્યો હતો. નુશાઈએ કહ્યું હતું કે, ‘કમનસીબે, અમારી કોમ્યુનિટીમાં ઘણા લોકો કોરોના વાઈરસને પૂરતી ગંભીરતાથી લેતા નથી. મુખ્ય લોકડાઉન હળવું કરાયા પછી ઘણા લોકો પોતાની સલામતીની ચિંતા કર્યા વિના જ સગાંસંબંધીઓ અને મિત્રોને મળવા જાય છે અને એકબીજાના ઘેર પ્રસંગોમાં હાજરી આપે છે. તેઓ સંદેશા સમજે અને કાળજી રાખે તેવા પ્રયાસો અમે કરીએ છીએ. હવે બ્રેડફોર્ડમાં કોરોના વાઈરસના કેસીસ વધી રહ્યા છે ત્યારે અમે ખતરનાક પરિસ્થિતિમાં મૂકાયા છીએ.’
મસ્જિદ કમિટીના સભ્ય અખ્તર મહમૂદે કહ્યું હતું કે,‘ મોટી સમસ્યા એ પણ છે કે તાજેતરમાં જેમના મોત થયા છે તેમના ઘેર લોકો શ્રદ્ધાંજલિ આપવા પહોંચી જાય છે. બે સપ્તાહ અગાઉ અમારા સમુદાયના એક સભ્યનું મૃત્યુ થયું અને ૫૦ લોકો સહાનુભૂતિ વ્યક્ત કરવા તેમના ઘેર એકત્ર થયા હતા.’ ઉલ્લેખનીય છે કે બ્રેડફોર્ડના એક જ રોડ પર છ દિવસમાં કોરોના વાઈરસના ૧૭ કેસ જોવા મળ્યા હતા.